20140526

નવી શરૃઆત નિમિત્તે



સ્પષ્ટ બહુમતી ધરાવતી પહેલી બિનકોંગ્રેસી સરકારના વડા તરીકે નરેન્દ્ર મોદી આજે વડાપ્રધાનપદનો હોદ્દો ધારણ કરશે. એ સાથે જ તે બંધારણીય રીતે કોઇ એક પક્ષના કે ચોક્કસ હિત ધરાવતા પક્ષના નેતા મટીને ભારતના નેતા બનશે. તેમની વફાદારી ટેક્નિકલ રીતે કોઇ વિચારધારા સાથે નહીં, પણ ભારતના બંધારણ પ્રત્યે રહેશે. વડાપ્રધાન બન્યા પછી મોદીએ શું કરવું જોઇએ, તેમની પ્રાથમિકતા કઇ હોવી જોઇએ, તેમની પાસેથી કેવી અપેક્ષા રાખવામાં આવે છે, તેની ઘણી વાતોનો રાષ્ટ્રિય પ્રસાર માધ્યમોમાં વરસાદ થઇ રહ્યો છે. પરંતુ આ તબક્કે યાદ એ પણ કરવું જોઇએ કે છેલ્લી બે મુદતમાં યુપીએ સરકારે ક્યાં કાચુ કાપ્યું? અને તેને શા માટે સૂપડાંસાફ હારનો સામનો કરવો પડયો? યુપીએ સરકારની મર્યાદાઓ એનડીએ સરકાર માટે માર્ગદર્શક અને દિશાસૂચક બની શકે છે - ખાસ કરીને શું ન કરવું એ મામલે.
યુપીએ સરકારની જેમ એનડીએ સરકારને 'કોએલિશન ધર્મ'ના નામે સાથીપક્ષોની દાદાગીરી વેઠવાની નથી. તેમ છતાં, કેટલીક બાબતો કોઇ એક સરકારની નહીં, તમામ સરકારોની ખાસિયત અને દેશના વિકાસના આડેની મર્યાદા બની રહી છે. તેમાં સૌથી અગ્રક્રમે આવતી બે બાબતો છે ઃ વહીવટમાં રાજકીય દખલ અને બંધારણીય કે બીજી તટસ્થ સંસ્થાઓની વિશ્વસનીયતાના પ્રશ્નો. યુપીએ સરકારમાં થયેલી સ્પેક્ટ્રમ કૌભાંડ જેવી મોટી ગેરરીતિમાં એ.રાજા જેવા મંત્રીને એવી સગવડ હતી કે સચિવ તેમનું કહ્યું ન કરે તો તેને બદલી નાખવાના. સ્ટીલફ્રેમ તરીકે ઓળખાતી દેશની બાબુશાહી નેતાઓના ગુડબુકમાં રહેવા માટે દેશહિત કે ફરજ પ્રત્યે ગાફેલ બને તેની બિલકુલ નવાઇ નથી. અફસરો નેતાને નહીં, પણ દેશની પ્રજાને ઉત્તરદાયી છે, એ બાબત સૌથી સારી રીતે નેતાઓ પોતાના વર્તન દ્વારા પુરવાર કરી શકે. પરંતુ નેતાઓ જ અફસરોને પોતાના હાથા બનાવવા માટે તલપાપડ હોય અને મોટા ભાગના અફસરોને તેમાં કશો વાંધો પણ ન હોય ત્યારે એ જ થાય છે, જે અત્યાર સુધી થતંુ આવ્યું છે. નવી સરકાર અગાઉની જેમ અફસરોને પોતાના રંગમાં પલોટવાનો પ્રયાસ કરે છે કે તેમની કાર્યક્ષમતાને મોકળું મેદાન આપે છે, એ જોવાનું રહે છે.
૨૦૦૨ની સામે ૧૯૮૪નું ઉદાહરણ આપવાની માનસિકતા ધરાવતા મોદીપ્રેમીઓ શપથવિધિ પહેલાંથી એવી દલીલ કરતા થઇ ગયા છે કે અત્યાર સુધી યુપીએની સરકાર ચાલતી હતી ત્યારે કેમ સૌ ચૂપ હતા? અને મોદીને સલાહ આપવા બધા નીકળી પડયા છે? આવી બાલિશ દલીલનો શો જવાબ હોય? કારણ કે આ પ્રકારના દલીલબાજો ટૂંકી અને સગવડીયા (વિ)સ્મૃતિ ધરાવે છે. યુપીએની સરકાર સામે સૌ ચૂપ રહ્યા હોત તો એ સરકારની આવી દશા શી રીતે થઇ હોત? અને મોદીએ યુપીએ સરકારને ભાંડવામાં કશું બાકી ન રાખ્યું હોય ત્યારે તેમની સરકાર યુપીએ કરતાં ફક્ત રંગબાજીની નહીં, લોકહિતની બાબતમાં પણ જુદી અને ચડિયાતી પુરવાર થાય, એવી અપેક્ષા સ્વાભાવિક ગણાય.  એ માટે વડાપ્રધાન મોદીને પૂરતો સમય પણ મળવો જોઇએ. છતાં, સમય આપ્યા પછી તેમના દાવા સાકાર થયા કે નહીં એ માપવાનો ગજ ટૂંકો ન કરાય.
યુપીએ સરકારના સમયગાળામાં સીબીઆઇ જેવી તપાસસંસ્થા સરકારી પિંજરાના પોપટ જેવી બની હોવાની ટીપ્પણી સર્વોચ્ચ અદાલતે કરવી પડી હતી. સીબીઆઇની બિનઅસરકારકતા અને તેનો રાજકીય ઉપયોગ હાંસીનો વિષય બન્યાં છે. તેમનું પુનઃસ્થાપન જરૃરી છે.
રાજકીય તરફેણ કે રાજકીય કિન્નાખોરી વિના સીબીઆઇ કામ કરી શકે એ માટે રાજકીય નેતાઓએ એટલું જ કરવાની જરૃર છે કે તેમાં દખલ ન કરવી. રોબર્ટ વાડ્રાથી માંડીને અમિત શાહ સુધીના સૌ કોઇ સામે સીબીઆઇ સ્વાયત્ત ધોરણે અને શેહશરમ રાખ્યા વિના ન્યાયી તપાસ કરી શકે અને એ તપાસ ન્યાયી રીતે થઇ, એટલો લોકોને ભરોસો આપી શકે તો મોટું કામ થાય.
જાહેર સાહસોને નેતાઓ હંમેશાં પોતાના ગરાસ જેવાં ગણે છે. એવી જ રીતે, સરકારી કંપનીઓના ભાગે ખાનગી કંપનીઓને ફાયદો કરાવવાની વૃત્તિ પણ યુપીએ સહિતની સરકારોની મોટી મર્યાદા રહી છે. જાહેર સંસાધનોની આ રીતે થતી લૂંટ અટકે તે જરૃરી છે. યુપીએ સરકારે ગરીબકલ્યાણના નામે આડેધડ સબસીડીનું રાજ ચલાવ્યું છે. તેમાંથી જરૃરતમંદોને અલગ તારવવાની તસ્દી કદી લેવામાં આવી નથી. તેનું મુખ્ય કારણ મધ્યમ વર્ગને નારાજ કર્યા વિના ગરીબોના હિતરક્ષણનો દેખાડો કરવાની વૃત્તિ છે. કહેવાતી ગરીબલક્ષી નીતિને કારણે લાભ કરતાં ગેરલાભ વધુ થયો છે. સાથોસાથ, મોંઘવારી જેવા મુદ્દાએ સરકાર સામે બેદિલી ફેલાવવામાં મોટો ફાળો આપ્યો છે. આ મુદ્દે એનડીએ સરકાર કેવું વલણ લે છે, એની પરથી યુપીએ અને એનડીએ વચ્ચેની આર્થિક નીતિ અને તેની અસરોનો તફાવત સ્પષ્ટ થશે. યુપીએ સરકારની એક ખામી એ રહી કે પોતાના સમયગાળાનાં થોડાઘણાં સારાં કામ તે લોકો સુધી અસરકારક રીતે પહોંચાડી શકી નહીં. આ એક બાબતમાં એનડીએ સરકાર યુપીએ જેવી ભૂલ નહીં કરે એવું અત્યારથી ખાતરીપૂર્વક કહી શકાય.

શરીફ- મોદી ઃ હાથમાં હાથ
નવી દિલ્હી, તા.૨૪
પોતાના શપથવિધિ સમારંભમાં ઉપસ્થિત રહેવા માટે પદનામિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફને પાઠવેલા આમંત્રણના સ્વીકારથી વિધેયાત્મક પડઘા પડયા છે. ભાજપે એની પ્રશંસા કરી છે. જમ્મુ અને કાશ્મીરના મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ વિશ્વાસ વ્યકત કર્યો છે. કોંગ્રેસે એને માત્ર સાથે ફોટો પડાવવાની તક ગણાવી, મોદી ૨૬-૧૧ના હુમલાને ઉખેડે એવી ઇચ્છા રાખી છે. દરમિયાન, મોદીના આમંત્રણનો સ્વીકાર કરતા અગાઉ શરીફે પાકિસ્તાનના લશ્કરની સલાહ લીધી હોવાનું સમજાય છે. આથી ભારત- પાકિસ્તાનના સંરક્ષણ નિષ્ણાંતોના મતે, શરીફની આગામી ભારત- મુલાકત, બે દેશો વચ્ચેના દ્વિપક્ષી સંબંધોમાં નવું પૃષ્ઠ અને મોદીની રાજદ્વારી ચાલ ગણાવ્યા છે. પોતાના સલાહકાર તારિક અઝીમ, વિદેશપ્રધાન સરતાજ અઝીજ અને પુત્રીની સાથે અહી આવી રહેલા શરીફ મંગળવારે મોદી સાથે ટુંકી બેઠક પણ યોજાશે. અઝીઝે કહ્યું કે આ પ્રદેશમાં શાંતિ બંને રાષ્ટ્રોને મદદરૃપ થશે. ત્યારે પાકિસ્તાનના પીપીપી પક્ષના નેતા શેર્રી રહેમાને કહ્યું છે કે મહત્વના મુદ્દે ચર્ચાની અપેક્ષા રાખશો નહી. સહુએ થોભીને રાહ જોવી રહી.
ગાંધી કુટુંબ જોડાશે ?
મોદીના શપથવિધિ કાર્યક્રમ સંબંધી વિવાદનો ચરૃ ઉકળતો જ રહે છે... પછી એ ઘરઆંગણાનો મુદ્દો હોય કે અન્ય કોઇ. મમતા, જયલલિતા અને ભાજપના તમિલનાડુના સાથીઓ કાર્યક્રમથી અળગા રહેવાની ધમકી આપી રહ્યા છે. તેઓ શ્રીલંકાના પ્રમુખ રાજાપક્ષાને નિમંત્રણ પાઠવાયાથી વ્યગ્ર છે. અને હવે સહુની નજર સોનિયા અને રાહુલ ગાંધી પર છે. પ્રશ્ન એ છે કે શું તેઓ સોમવારે યોજાનારા શપથવિધિ સમારંભમાં આવશે ? રાષ્ટ્રપતિએ તા.૨૦ મેએ મોદીને વડાપ્રધાનના સ્થાન માટે પદનામિત કર્યા એ પછી સોનિયા ગાંધીએ મોદીને અભિનંદન પત્ર પાઠવ્યા છે, પરંતુ તા.૨૬ મેના કાર્યક્રમ બાબતે  રહસ્ય જેમનું તેમ છે.
પંડિતો માટે આશકિરણ
મોદીએ કાશ્મીરી પંડિતો માટે માદરે વતન પાછા વળવાની આશાને પુનર્જિવિત કરી હોવાનું લાગે છે. ''મોદીએ ચોક્કસપણે અમારા આશાવાદને ઇંધણ પુરૃ પાડયુ છે... અમે એમના પગલાંને અવલોકી રહ્યા છીએ,'' એમ અખિલ ભારતીય કાશ્મીરી સમાજના અધ્યક્ષ કૌલે જણાવ્યું. આ સંગઠન કાશ્મીરી પંડિતોની મોટી પ્રાતિનિધિક સંસ્થા છે, જેનો વિશ્વભરમાં ૫૦ શાખાઓ છે.
નિવાસનો નિર્ણય બાકી
દેશના વિદાય લઇ રહેલા વડાપ્રધાન ડૉ. મનમોહનસિંઘ દિલ્હીના રેસકોર્સ રોડ પરના ૭ નંબરનાં બંગલે વડાપ્રધાન તરીકે કાર્ય કરતા હતા, જ્યારે ૩, રેસકોર્સ રોડ એમનું નિવાસસ્થાન હતું. પરંતુ કેન્દ્રીય જાહેર બાંધકામ ખાતાને ખાતરી નથી કે મોદી કયા બંગલાને કાર્યાલય બનાવશે અને કયા બંગલાને ઘર? જો કે ૫, રેસકોર્સ રોડ મકાનને નવેસરથી ચમકાવાયું છે, અને જો મોદી ઇચ્છે તો એમની શપથવિધિ પછી તેઓ તુર્ત જ સ્થળાંતર કરી લઇ શકશે. ગમે એમ, પરિવાર વિના રહેનારા મોદી પ્રથમ વડાપ્રધાન બનશે.
ખમણ, ઢોકળા..!
રાષ્ટ્રપતિએ શપથવિધિ પછી યોજાનારા ભોજન સમારંભમાં ગુજરાતી વાનગીઓ પીરસવા માટે ખાસ સૂચના આપી છે. આ માટે દિલ્હીના ગુજરાત ભવનના સ્ટાફની મદદ લેવાઇ રહી છે. મોદી એમના વિદાય સમારંભમાં બોલ્યા હતા કે ''હવે પીએમઓમાં ગુજરાતી બોલાશે અને તમને ખમણ, ઢોકળા ખાવા પણ મળશે...''
રાષ્ટ્રપતિએ મોદીના આ શબ્દોમાંથી ''પ્રેરણા'' લીધી હોવાનું જણાય છે.
- ઇન્દર સાહની
 

ભારતમાં ઓનલાઈન શોપિંગ માટે જાણીતી કંપની ફ્લિપકાર્ટે મિન્ત્રા ડોટકોમને ખરીદી લઈ પોતાનું કદ વિસ્તાર્યુ છેઃ ઓનલાઈન શોપિંગ સતત વધી રહ્યું છે

ઓનલાઈન શોપિંગ ઃ ક્લિકવગા વેપાર-વ્યવહારનું વિસ્તરતું વિશ્વ

ભારતમાં મોબાઈલ-કમ્પ્યુટરમાં ઈન્ટરનેટના વધતા વપરાશ સાથે ઓનલાઈન શોપિંગનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. સારી ચીજો સસ્તા ભાવે મળવા ઉપરાંત પણ ઓનલાઈન શોપિંગના ઘણા લાભ છે. સાથે સાથે કેટલીક સાવચેતી પણ રાખવી રહી.

સ્માર્ટફોન વાપરનારી પેઢી ફ્લિપકાર્ટ નામથી અજાણ નથી. ઓનલાઈન શોપિંગ માટે ભારતમાં આ વેબસાઈટ વ્યાપકપણે વપરાય છે. ફ્લિપકાર્ટે પોતાનું વિસ્તરણ કરતાં મિન્ત્રા ડોટકોમ નામની અન્ય એક ઓનલાઈન વેબસાઈટ ખરીદી લીધી છે. બેંગલોર સ્થિત મિન્ત્રા મોટેભાગે ફેશનેબલ ચીજો, કપડાં, જુત્તાં-પટ્ટા વગેરે ચીજોનું વેચાણ કરે છે. એ કંપનીને ફ્લિપકાર્ટે ૩૩ કરોડ ડોલરમાં ખરીદી લીધી છે. ચૂંટણીની પૂર્ણાહૂતી અને નવી સરકારની પા પા પગલી વચ્ચે આ સમાચાર ચમક્યા તો હતાં. પણ તેનું મહત્ત્વ વિસ્તારપૂર્વક સમજવું પડે એમ છે, કેમ કે ઓનલાઈન શોપિંગનો યુગ આરંભાઈ ચુક્યો છે અને તેનું કદ સતત મોટું થતુ જાય છે.
હાથમાં કપડાંની થેલી લઈ માર્કેટમાં જવું, જરુરી ચીજો પસંદ કરવી, એક પછી એક થેલીમાં પધરાવવી અને બધો સામાન લઈ ઘરે પરત આવવું. ખરીદીની આ પરંપરાગત વ્યખ્યા છે. હવે સ્થિતિ બદલાઈ રહી છે. ઈન્ટરનેટના વધતા વપરાશ સાથે ઈન્ટરનેટ પરથી ખરીદી થઈ શકે એવી પ્રથા અસ્તિત્વમાં આવી છે. એનું નામ ઓનલાઈન શોપિંગ. હવે ખરીદી કરવા માટે થેલીની નહીં પણ ક્રેડિટ-ડેબિટ કાર્ડ અને ઈન્ટરનેટ કનેક્શનની જ જરૃર રહે છે. ઓનલાઈન શોપિંગની સુવિધા આપતી સંખ્યાબંધ વેબસાઈટો હાજર છે. એમાંથી કોઈ એક સાઈટ પર જઈ, જરૃરી ચીજોનો ઓર્ડર આપી શકાય છે. વિવિધ સાઈટો પ્રમાણે ઓનલાઈન પેમેન્ટ કે પછી ઘરે ડિલિવરી મળે પછી પૈસા ચુકવવાનો વિકલ્પ અપનાવી શકાય છે. આ આધુનિક શોપિંગનો ટ્રેન્ડ છે. આ ઓનલાઈન શોપિંગ છે. હવે ભારતમાં સતત તેનો વ્યાપ વધતો જાય છે.
ભારતમાં સ્માર્ટ ફોન વપરાશકારો વધી રહ્યાં છે. સ્માર્ટ ફોન હોય એટલે ઈન્ટરનેટ કનેક્શન હોવાનું જ. એ ઉપરાંત પણ ઈન્ટરનેટ વપરાશકારોની સંખ્યામાં વૃદ્ધિ જ થતી રહે છે. ઈન્ટરનેટનો ઘણો બીનજરૃરી વપરાશ થતો હોય છે. પરંતુ રચનાત્કમ ઉપયોગ પણ થાય છે. એમાંનો એક રચનાત્મક ઉપયોગ એટલે ધોમ તડકામાં કે વરસતા વરસાદમાં બહાર નીકળ્યા વગર ઘરબેઠા શોપિંગ કરવું. ઈન્ટરનેટના વ્યાપ સાથે ઓનલાઈન શોપિંગના વિકલ્પો આપતી વેબસાઈટો પણ વધી રહી છે અને લોકોની જાગૃકતા પણ વધી રહી છે. એટલે ૨૦૦૯ના ડિસેમ્બરમાં આખા ભારતમાં રૃપિયા ૧૯૨ અબજની ખરીદી ઓનલાઈન નોંધાઈ હતી. એ વધતી વધતી ડિસેમ્બર ૨૦૧૩માં સવા છસ્સો અબજ રૃપિયાએ પહોંચ્યુ હતું.
પુસ્તકો અને રેવલે-વિમાનની ટિકિટો, ઉપરાંત હવે તો જુત્તાં, કપડાં, ઘરેણા, ગિફ્ટ આર્ટિકલ્સ, મોબાઈલ-ટેબલેટ, ઘરવખરીનો સામાન, ફિલ્મની ટિકિટો, હોટેલ બૂકિંગ, રમકડાં, સૌંદર્ય પ્રસાધનો, આરોગ્ય વિષયક ચીજો, રમત-ગમતના સાધનો.. વગેરે ચીજો વ્યાપક પ્રમાણમાં ઓનલાઈન ખરીદાય છે.
ઓનલાઈન શોપિંગની સુવિધા આપતી કંપનીઓ પોતાની એપ ધરાવે છે એટલે મોબાઈલ દ્વારા ખરીદી કરવી અત્યંત સરળ થઈ ગઈ છે. ભારતીય પ્રજા એ સરળતાનો ભરપુર ઉપયોગ કરે છે. ચીનમાં મોબાઈલમાં ઈન્ટરનેટ વાપરતા લોકો પૈકી ૧૮ ટકા ઓનલાઈન શોપિંગ કરે છે. ભારતમાં આ પ્રમાણ ૧૫ ટકા છે. મોબાઈલ દ્વારા ઓનલાઈન ખરીદી કરતાં દેશોમાં ભારત બીજા ક્રમે છે.
અત્યારે ભારતમાં વ્યાપક બની રહેલા ઓનલાઈન શોપિંગની શરૃઆત છેક ૧૯૭૯માં માઈકલ એલ્ડ્રીચ નામના અમેરિકન ઈજનેરે કરી હતી. ૧૯૮૦માં ઓનલાઈન શોપિંગની સુવિધા આપતી સાઈટો શરૃ થઈ અને અમેરિકામાં ૧૯૮૦ના દાયકામાં જ તેનો વિકાસ થયો. પિઝા હટ કંપનીએ ઓનલાઈન પિઝાનો ઓર્ડર લેવાની શરૃઆત કરી. પછી તો ૧૯૯૪માં ઓનલાઈ શોપિંગની દુનિયાની આજે બેતાજ બાદશાહ બનેલી એમેઝોન ડોટકોમની સ્થાપના થઈ. ઓનલાઈન શોપિંગનો વૈશ્વિક વ્યાપક સમજવા માટે એમેઝોનનું ઉદાહરણ પુરતું થઈ પડે એમ છે. એ દુનિયાની સૌથી મોટી ઓનલાઈન વેપાર કરતી કંપની હોવા ઉપરાંત જગતની સૌથી મોટી બ્રાન્ડ પૈકીની એક ગણાય છે. એમેઝોન પછી ઈ-બે કંપની સ્થપાઈ અને હવે તો અનેક કંપનીઓ એક ક્લિક સાથે હાજરા-હજુર છે.
ઓનલાઈન શોપિંગના ઘણા દેખીતા ફાયદા છે. સૌથી મોટો ફાયદો દસથી માંડીને પચાસ ટકા સુધીના ડિસ્કાઉન્ટનો છે. એટલે મોબાઈલ ફોન કંપનીની દુકાનમાં દસ હજારનો મળતો હોય તો ઓનલાઈન સાઈટો પર હજાર-પંદરસોની ઓછી કિંમતે મળતો હોય જ. તો પછી જાણકારો શા માટે ઓનલાઈન શોપિંગ ન કરે? ઓનલાઈન વેચાણો કરતી સાઈટો ઉત્પાદક કંપનીઓ પાસેથી જથ્થાબંધ સામગ્રી ખરીદી લેતી હોવાથી તેમને ભારે ડિસ્કાઉન્ટ આપવુ પોસાય છે. દુકાનમાંથી ખરીદી કર્યા પછી માલ બદલાવી શકાય એવી સગવડ હોય છે, જે ઓનલાઈન શોપિંગમા પણ મળે છે. વધતા વ્યાપ સાથે ઓનલાઈન શોપિંગમાં વિકલ્પો વધી રહ્યાં છે. કપડાં લેવા હોય તો હજારો ડિઝાઈન-કલર મળે છે. ટેલિવિઝન ખરીદવું હોય તો તમામ બ્રાન્ડના તમામ કિંમતના ટીવી હાજર હોય છે. અલબત્ત, બજારમાં હટાણુ કરવા જતી વખતે છેતરાવાનો ભય રહે એમ ઓનલાઈન શોપિંગ વખતે પણ કંઈક લોચો થવાની શક્યતા રહે જ છે. પરંતુ એ માટે થોડો અભ્યાસ કરી લેવાથી વધુ કોઈ તૈયારીની જરૃર હોતી નથી. જે સાઈટ પરથી ખરીદી કરતાં હોઈએ એ સાઈટ પર આપેલી શરતો વાંચી લેવાથી ક્યાં ક્યાં છેતરાઈ શકાય એમ છે અને ન છેતરાવા માટે શું કરવું એ સમજવું સરળ થઈ જાય છે.
મોટી ખરીદી વખતે એક સાથે હજારો રૃપિયાની ચુકવણી ન કરવી હોય તો હપ્તાની સગવડ મળે જ છે. ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી શોપિંગ થઈ શકે છે. કેશ ઓન ડિલિવરી એટલે કે ઘરે મંગાવેલી સામગ્રી આવે, જોઈ-ચકાસી લીધા પછી જ પૈસા ચૂકવાય એવો વિકલ્પ પણ મળે છે. અને કેશ ઓન ડિલિવરી એ જ શોપિંગ માટેનો સૌથી વધુ સરળ રસ્તો છે. ઓનલાઈન શોપિંગ વખતે સૌથી મોટો ભય કોઈ નકલી વેબસાઈટ પર ઓનલાઈન્ટ પેમેન્ટ કરી બેસવાનો હોય છે. એ ટાળવા માટે બને ત્યાં સુધી અજાણી વેબસાઈટ પર ઓનલાઈન ચૂકવણી કરવી જ નહીં. ઓનલાઈન ચૂકવણી કરવી અનિવાર્ય હોય તો ખરીદી જ પડતી મુકવી. સરળ ખરીદી કરવાનો એક વિકલ્પ ધીમે ધીમે શરૃઆત કરવાનો છે. સીધી જ કોઈ બે-પાંચ હજારની ચીજ ઓર્ડર કરવાને બદલે બસ્સો-પાંચસો રૃપિયાની ચીજ ખરીદી જોઈ ઓનલાઈન શોપિંગનો જાત અનુભવ કરી લેવો જોઈએ. એ પછી સંતોષ થાય તો જ આગળ વધવું એ સહેલો રસ્તો છે. એક ગ્રાહકને ખરીદી કરતી વખતે થતી હોય એવી ઘણીખરી મૂંઝવણો દૂર થઈ જાય છે. શોપિંગનું ચલણ વધવાનું એક કારણ આ પણ છે.
કપડાં ખરીદતી વખતે ઈન્ટરનેટ પર કલર ગમે અને ઘરે આવ્યા પછી ન ગમે એવુ પણ બનતું હોય છે. તો હવે કેટલીક કંપનીઓ ગ્રાહકના ઓર્ડર ઉપરાંત તેને મળતી આવતી ચીજો ઘરે લઈ જવાની પ્રથા શરૃ કરવા જઈ રહી છે. એટલે એક ટી-શર્ટ ખરીદ્યુ હોય તો ડિલિવરી વખતે તમને ત્રણ-ચાર ટી-શર્ટ જોવા મળે અને તેમાંથી ગમે એ ખરીદી લેવાનું. ટૂંકમાં પસંદગીનો વિકલ્પ પણ ઘરે બેઠા જ મળી રહેવાનો છે.
રેલવે-વિમાન-બસોની ઓનલાઈન ટિકિટ બૂકિંગ સુવિધાને કારણે એજન્ટોની દાદાગીરીથી બચી શકાય છે. ઈન્ટરનેટ વાપરતો કોઈ પણ વ્યક્તિ રેેલવેની ટિકિટ બૂક કરી શકે છે. વિમાનની ટિકિટ તો એનાથી પણ સરળ રીતે મેળવી શકાય છે. એેટલે ટિકિટ માટે એજન્ટોના હાથ-પગ જોડવા પડે એવી સ્થિતિ ઓછી થઈ રહી છે. એ જરૃરી પણ છે. ઓનલાઈન શોપિંગ કરનારા આપણે પહેલા નથી હોતા. આપણને ગમે એ ચીજ અગાઉ કોઈકે તો ખરીદી જ હોય. એટલે એ ખરીદનારને જે-તે પ્રોડક્ટ કેવી લાગી, તેનો અભિપ્રાય પણ વેબસાઈટ પર વાંચીને ખરીદી સરળ બનાવી શકાય છે.
ઓનલાઈન શોપિંગમાં ભારતની આગળ એક જ દેશ છે, ચીન. ચીનમાં ૨૦૧૨માં ૨૨ કરોડ લોકોએ ઓનલાઈન શોપિંગ કર્યું હતું, તો ભારતમાં એ આંકડો ૧૫ કરોડ હતો. જે રીતે ઈન્ટરનેટનો વ્યાપ વધી રહ્યો છે, એ જોતાં આગામી દિવસોમાં ઘરની મોટા ભાગની ચીજો ઓનલાઈન ખરીદાતી થઈ જાય તો નવાઈ નહીં.


સરકાર નવી, સમસ્યાઓ જૂની (લેખાંક ઃ ૨)

- નવી સરકાર માટે સૌથી મોટો પડકાર મોંઘવારીને નાથવાનો છે
- વિદેશમાં રહેલું કાળું ધન વળી બીજી મોટી સમસ્યા
- કાળું ધન પાછું લાવવાની માંગણી ભાજપ અને નરેન્દ્ર મોદી વારંવાર કરતા રહ્યા છે


મોદીની સરકાર નવી છે પણ એની સામેની સમસ્યાઓ, પ્રશ્નો, પડકારો વગેરે આપણા દેશના જે છે એ વર્ષો જૂના છે.
મનમોહન સરકાર ૧૦ વર્ષ રહી પણ એણે એ સમસ્યાઓને ઉકેલવા કશું જ કર્યું નહીં એટલે ઉલટાની એ સમસ્યાઓ વકરી. નરેન્દ્ર મોદીને જનતાએ જે પ્રચંડ સાથ આપ્યો એનું કારણ મનમોહનસિંહ પણ ઘણા અંશે ખરા ! (નરેન્દ્ર મોદીએ એટલો મનમોહનસિંહનો આભાર માનવો જોઈએ) દા.ત. દેશનો જે વિકાસદર ૯ ટકા પર પહોંચેલો એ ઘટીને ૪.૯ ટકા પર મનમોહનસિંહના શાસનમાં જ પહોંચ્યો.
એ વિકાસદરને પાછો ઉપર લાવવાનું કામ નવી સરકારે કરવાનું છે. નરેન્દ્ર મોદીની કસોટીઓ હવે જ આવી દરેક સમસ્યાઓને ઉકેલવામાં જ છે. જોકે એમનામાં દ્રષ્ટિ અને પરિશ્રમ કરવાની તૈયારી છે એટલે તેઓ ધારે તો ગમે તેવી કસોટી પાર કરી શકે તેમ છે. (આ ચૂંટણી જીતવાની કસોટી જેવી તેવી હતી ? પરંતુ પહેલાંથી જ એ ''કોંગ્રેસ કેટલાક રાજ્યોમાં ખાતુ પણ ખોલી શકશે નહીં.'' એવું કહેતા હતા અને પછી થયું એમ જ !)
આ વિકાસદર ઊંચે લાવવા નવી સરકાર કેવી રણનીતિ અપનાવવા માંગે છે એનો અંદાજ જુલાઈ મહિનામાં ૨૦૧૪-૧૫નું પૂર્ણ બજેટ રજૂ કરશે એમાં અંદાજ મળી જશે.
એ બજેટ દેશની આર્થિક ગતિવિધિઓને ગતિ દેનારૃં નહીં હોય તો દેશની વિકાસયાત્રાનો અંત નક્કી છે. મોદીની પહેલી કસોટી એ દ્રષ્ટિએ, બજેટ બનશે.
આના કરતાં પણ વધુ ગંભીર પડકાર નવી સરકાર સામે મોંઘવારીને કાબુમાં લેવાનો છે. આ પ્રશ્ન દેશની દરેક જનતાને એટલે કે રંક અને તવંગર, બાળકોથી માંડી વૃદ્ધોને, દરેકને સ્પર્શનારો છે. મોંઘવારીને અંકુશમાં લેવાના જોકે પ્રયત્નો થયા છે પણ બધા નિષ્ફળ ગયા છે કારણ કે એ બધા ઉપર છેલ્લા પ્રયત્નો થયા છે. ઉલટાનું શરદ પવાર જેવા પ્રધાનો ૧૦-૧૫ વર્ષથી કેન્દ્રમાં હતા એ એવી કપટી નીતિ કરતા કે મોંઘવારી ઉલટાની વધે. અને વધતી જ રહી. (નેટવર્કમાં દસ વર્ષથી ચેતવવામાં આવતું હતું કે ''શરદ પવારને દૂર કરવામાં નહીં આવે તો કોંગ્રેસને એ જ હરાવશે'' અને એવું જ બન્યું. કોંગ્રેસની હારનું એક કારણ જેમ મનમોહનસિંહ છે એમ બીજું કારણ શરદ પવાર છે.)
રિઝર્વ બેન્કના ગવર્નર રઘુરામ રાજને હમણાં કહ્યું હતું કે, મોંઘવારી ૨૦૧૬ સુધી કાબુમાં આવે તેમ નથી.
અર્થશાસ્ત્રનો એક સામાન્ય અને પાયાના સિદ્ધાંત છે કે, માંગ અને પુરવઠા વચ્ચેનું અંતર વધવાથી મોંઘવારી માથું ઉચકવા લાગે છે. પરંતુ મનમોહન સરકારે તો મોંઘવારી વધતી જતી હતી છતાં પુરવઠો વધારવાનો પ્રયત્ન જ નહીં કરેલો. ખાસ કરીને અનાજ અને શાકભાજી જેવી દરેક નાગરિકની દરરોજની જીવન જરૃરિયાતની ચીજોના ભાવ વધતા ગરીબોની થાળીમાંથી એમાંની એક એક ચીજ ઓછી થતી ગઈ. દા.ત. અત્યારે કેરીની સીઝન છે.  કેરી એટલી મોંઘી છે કે ગરીબો આખી સીઝનમાં કેરી ખાય શકતા જ નથી. દૂધનું પણ એવું જ થયું છે. દૂધ સરકારે જ ધીરે ધીરે એટલું મોંઘું કર્યું છે કે વધુ પાણી વાળુ દૂધ હોય એની જ ચા ગરીબો બનાવીને એકાદવાર સવારમાં પીએ છે.
દેશમાં અનાજના સરકારી ભંડારો ભરેલા પડયા છે જ્યાં અનાજ સડે છે પણ ગરીબની થાળીમાં રોટી નથી. એનું કારણ અનાજ પ્રધાન શરદ પવાર છે. એ શરદ પવાર જોકે હવે સત્તામાં નથી પરંતુ નરેન્દ્ર મોદીએ એવા પ્રધાનને એમની જગ્યાએ નીમવા જોઈએ કે જે મોંઘવારી દૂર ન કરે તો કાંઈ નહીં પણ મોંઘવારી વધવા તો ન દે !
શરદ પવારની નીતિ એવી હતી કે ખેડૂતોને પણ લાભ ન મળે પણ વેપારીને જ લાભ મળે. વેપારી સંઘરાખોરી કરીને મોંઘવારી વધારવાનું કામ કરે અને શરદ પવાર એ વેપારીઓ સાથે ભાગીદારી રાખે ! (શરદ પવારે નરેન્દ્ર મોદીમાં ઘુસવાના ઘણા પ્રયત્નો કર્યા પણ મોદીએ હજી સુધી એને દાદ નથી આપી.)
શરદ પવારે અનાજના ભંડારો ભરી ભરીને ગોડાઉનો ઉપર ઘણો ખર્ચ કર્યો (ગોડાઉનોમાં પણ શરદ પવારની ભાગીદારી હોય) પણ એ અનાજ ગરીબોના ભાણા સુધી નથી પહોંચ્યું.
આવી માનવસર્જિત મોંઘવારીને તોડવી નરેન્દ્ર મોદી માટે અઘરૃં નથી. નવી સરકારમાં શરદ પવાર નથી પણ એણે ઊભા કરેલા ટટ્ટુઓ તો બેઠા જ છે.
 એ પૂરું વિષ ભરેલું વર્તુળ નરેન્દ્ર મોદીએ તોડવાનું છે અને તોડશે જ.
આવી બીજી ગંભીર સમસ્યા વિદેશોમાં રહેલા કાળા નાણાની છે. નરેન્દ્ર મોદી પોતાના પ્રવચનોમાં હંમેશા આ કાળા નાણાનો ઉલ્લેખ કરતા આવ્યા છે. કાળા નાણા વિષે સંસદમાં અને બહાર સતત ચર્ચાઓ થતી હોવા છતાં દસ વર્ષમાં મનમોહનસિંહે આ બાબતે પણ કશું કર્યું નથી.
વિદેશોમાં કાળું નાણું આપણા દેશનું (એટલે આપણા ધનિકો અને રાજકારણીઓનું) કેટલું છે એનો અંદાજ પણ ન મળે છતાં અનુમાન એવું કરવામાં આવે છે કે આપણા દેશમાં જેટલું કાળું નાણું છે એ આપણા દેશમાંના ધોળા નાણા કરતાં પણ વધુ છે !
મનમોહનસિંહે અને એમની સરકારે આ દિશામાં કશું કર્યું નહીં કે કશું કરતા નથી એની સુપ્રિમ કોર્ટે પણ ઝાટકણી કાઢેલી. સુપ્રિમ કોર્ટે ટીકા કરેલી કે કાળા નાણા પાછા લાવવા બાબત મનમોહનસિંહે બંધ લીફાફામાં કાગળો રાખીને કશું જ કર્યું નથી. સુપ્રિમ કોર્ટે કાળુ નાણું પાછું લાવવા માટે એક સમિતિ રચવાનું મનમોહનસિંહને કહેલું પણ એ પણ મનમોહનસિંહે ન કર્યું. નરેન્દ્ર મોદીને જે જનતાનો પ્રચંડ ટેકો મળ્યો એનું એક કારણ આ કારણે મનમોહનસિંહ જ છે. મનમોહનસિંહે એક પણ કામ કર્યું હોત તો કોંગ્રેસની આટલી બધી ખરાબ દશા ન થાત.
ગ્લોબલ ફાયનાન્સીયલ ઈન્ટીગ્રીટી નામની જે આંતરરાષ્ટ્રીય વિદેશી સંસ્થા છે (જી એફ આઈ) એ જણાવે છે કે, ભારતમાંથી દર વર્ષે ૨૭,૦૦,૦૦,૦૦,૦૦૦ ડોલર કાળું નાણું વિદેશી બેન્કોમાં જમે થાય છે.
એ જ રીતે, ઓર્ગેનાઈઝેશન ઓફ ઈકોનોમિક કોર્પોરેશન એન્ડ ડેવલપમેન્ટે પણ ૨૦૦૯માં પોતાના રિપોર્ટમાં જણાવેલું કે, સ્વીસ બેન્ક અને બીજા ટેક્સ હેવન દેશોમાં ભારતીયોના ૭/૦૦/૦૦/૦૦/૦૦/૦૦/૦૦૦ રૃપિયા હોવાની ગણતરી છે.
એ પછી આટલા વર્ષોમાં એ રકમ બમણી થઈ ગઈ હોય તો નવાઈ નહીં.
આ બધા રૃપિયા ડોલર દેશમાં પાછા આવે તો આપણા દેશના કોઈને પણ ઈન્કમટેક્સ ભરવાની જરૃર ન રહે. (જોકે ઈન્કમટેક્સ ડીપાર્ટમેન્ટ ચાલુ જ રહે, બંધ જ ન થાય એવું ઈન્કમટેક્સ વિભાગનો સ્ટાફ ઈચ્છે છે કારણ કે એ બંધ થઈ જાય તો એ સ્ટાફની કાળા નાણાની આવક બંધ થઈ જાય. વિદેશોમાં જે કાળું નાણું છે એમાં આપણા દેશના ઈન્કમટેક્સના સ્ટાફનો ફાળો ઘણો છે. સરકારી નોકરિયાતોનો ફાળો પણ ઘણો ! પછી વેપારીઓ આવે)
આ કાળું નાણું પાછું આવે તો આપણો ઔદ્યોગિક વિકાસ પણ ઝડપી અને બેગણો થઈ જાય.
એટલે મોદી સરકારે આ કાળું નાણું પાછું લાવવાનું ઘણું મોટું કામ કરવાનું છે. જોકે છે મુશ્કેલ પણ મોદી ધારે તો અઘરૃં પણ નથી.
આ પછીની સમસ્યા છે. આંતરિક અને બાહ્ય સુરક્ષા. આંતરિક સુરક્ષા બહુ આયામી સમસ્યા છે. દા.ત. રોજેરોજની કાયદો વ્યવસ્થાની સ્થિતિ, સંગઠિત ગુનાખોરી, નકસલવાદ, પાકિસ્તાન દ્વારા પ્રેરિત આતંકવાદ, વગેરે પ્રશ્નો આંતરિક સુરક્ષા સાથે સંકળાયેલા છે. ચૂંટણીઓ ચાલતી હતી ત્યારે પણ નકસલી આતંકવાદ અને પાકિસ્તાની આતંકવાદના હુમલા ચાલુ હતા. ચૂંટણી પછી પણ આતંકવાદી હુમલા ચાલુ જ છે.
મનમોહનસિંહની સરકાર આ બાબતમાં પણ અકર્મણ્ય રહી હતી. જનતાની સુરક્ષા માટે એણે ધ્યાન આપવાના બદલે મનમોહનસિંહ વારંવાર બોલતા જ રહ્યા કે નકસલવાદ અને આતંકવાદ દેશ માટે મોટો ખતરો છે પણ એમણે કશું એની સામે કર્યું નહીં. કરવાનું જે હોય તે એમણે કરવાનું હોય... જનતા શું કરવાની હતી ?
હવે, નરેન્દ્ર મોદીએ એ કરવાનું આવ્યું છે. એ માટે એ સક્ષમ છે.
* ગુણવંત છો. શાહ

ચૂંટણી ચાટ
* મોદીની રેલીમાં થતી ભીડનોે યશ મનમોહનસિંહને જાય છે. કારણ કે દસ વર્ષના એમના શાસનમાં ભણેલાઓ તો બેકાર રહ્યા પણ વેપાર- ધંધાવાળા બેકાર થઈ ગયા. એ બધા રેલીમાં આવી જાય છે.
* અમેઠીમાં મોદીએ સભા કરી ત્યારે નારો હતો 'ઉપર છત્રી, નીચે છાયો, ભાગ રાહુલ મોદી આયા' (જે સાચું પડયું... એમ જ થયું.)
* ગુજરાતમાં મોદીની અસર એટલી બધી રહી કે બધા વોટીંગ મશીનમાં ભાજપનું બટન ઘસાઈ ગયું હતું.
* રાહુલ ગાંધી ચૂંટણી શા માટે લડે છે ? લોકસભામાં ચર્ચામાં ભાગ નથી લેતા. શું ઘરમાં એ.સી. નથી ?
* રાહુલ ગાંધી પંખો અને એ.સી. બંધ કરીને દસ મિનિટ સુધી બેઠા રહ્યા એથી પરસેવો ખૂબ થતાં એ બુમ પાડીને બોલ્યા, 'જોયું ? હું નથી કહેતો કે દેશમાં ક્યાંય મોદી હવા નથી ?'
* પ્રિયંકાએ એક સભામાં કહ્યું, 'જુઓ મારું નામ પ્રિયંકા છે. મારો ફોટો લેવો હોય તો અત્યારે લઈ લો, નહીંતર ૨૦૧૯ પછી જ મોકો મળશે.'

સાવધાન! કૌભાંડ! કૌભાંડ!
કેળાં, કેરી, પપૈયું, સફરજન અને બીજા ફ્રુટોની જેમ તરબુચ (કલીંગર) પણ કેલ્શીયમ કાર્બાઇડથી પકવે છે
આજકાલ તરબુચની પુર બહાર સીઝન છે. રસ્તા પર ઢગલે ઢગલા ખડકેલા તરબુચ જોવા મળે છે પણ હવેના તરબુચ પહેલાં જેવા સ્વાદીલા નથી લાગતા. એનં કારણ છે એ કુદરતી રીતે પકવેલા નથી હોતા એ. કેલ્શીયમ કાર્બાઇડ, ઈથીલીન, ઈસીટીલીન વગેરે અનેક પ્રકારના રસાયણો વાપરીને શાકભાજી અને ખાસ કરીને ફ્રુટને કૃત્રિમ રીતે પકવવાનું દરેક શહેર-ગામમાં વ્યાપક કૌભાંડ ચાલે છે. ગમે તે ફ્રુટ લો, પણ એ કૃત્રિમ રીતે એટલે કેલ્શ્યમ કાર્બાઇડ, ઈથીલીન, ઈસીટીલીન, વગેરે કેટલીય જાતના રસાયણો આવે છે જેનાથી ફ્રુટના વેપારીઓ ફ્રુટ પકવે છે અને એવા ઝેરી ફળો આપણને એ કસાઇ વેપારીઓ ખવરાવે છે.એમને પકડવાનો કોઇ કાયદો નથી. વિશાળ કોલ્ડ સ્ટોરેજોમાં પણ ફ્રુટ અને શાક આ જ રીતે પકવવામાં આવે છે. આ રસાયણોથી ફ્રુટની છાલ તરત પીળી થઇ જાય છે જેથી આપણને લાગે કે ફ્રુટ પાકી ગયું છે. જ્યારે હકીકતમાં એ કાચું જ હોય છે. કેળાં, પપૈયું અને કેરી આ રીતે જ પકવવામાં આવે છે. આ રીતે પકવનાર વેપારીને ફાંસીની સજા હોવી જોઇએ એના બદલે એને સજા કરવાનો કોઇ કાયદો જ નથી અને જે છે એ સાવ પાંગળો એટલે કે ફરી ગુનો કરવા પ્રેરે એવો છે. કોઇ ન્યાયાધિશ પણ સુઓમોટો વાપરવાની હિંમત કરતો નથી અને વકીલો તો ડરપોક જ હોય છે!
આ બધા રસાયણોનો પાવડર ફ્રુટો ઉપર છાંટીને અથવા રસાયણવાળા પાણીમાં ફ્રુટોને ડુબાડીને કૃત્રિમ રીતે પકવવામાં આવે છે.
આ ઝેરથી બચવું હોય તો આવા ફ્રુટોને ઘરે લાવીને તરત ખાવા નહીં પણ પાંચ-સાત- દસ-પંદર દિવસ પછી એ કુદરતી રીતે પાકે પછી જ ખાવા. જોકે ેએનો પણ ઓરીજનલ સ્વાદ નહીં હોય પણ પેલા કૃત્રિમ કરતાં તો સારા!
સરકાર કે મ્યુનિ.ના જે ફુડ ઈન્સ્પેકટરો હોય છે એ તો હપ્તા ખાવામાં જ રાચે છે. ઈન્સ્પેકટરોને પણ સજા કરવાની જરૃર છે.


૧૪મા વડાપ્રધાન તરીકે આજે મોદીના શપથ

શપથની સાથે સદભાવના શરીફે પણ હાથ લંબાવ્યો...

દેશભરના સેલિબ્રીટી, કોર્પોરેટ જગત અને પાડોશી દેશોના વડાઓની હાજરી

નરેન્દ્ર મોદી આજે વડાપ્રધાનપદે શપથ લેશે ત્યારે દેશ અને દુનિયાની નજર તેના સમારોહ પર છે. પાકિસ્તાનના વડા નવાઝ શરીફ વાઘા બોર્ડર થઈને આવવાના છે. લાંબી અવઢવ પછી તેમણે આમંત્રણ સ્વીકાર્યું છે. ભારતના તમામ પાડોશી દેશોના વડા અમિતાભ બચ્ચન સહિતની દેશની સેલિબ્રીટી, રાજકીય નેતાઓ, ટોચની કોર્પોરેટ કંપનીઓના બોસ જેવાં કે અંબાણી બ્રધર્સ, ટાટા, બિરલા, અદાણી પણ હાજર રહેવાના છે. દેશના ત્રણ હજાર વીઆઈપીઓને આમંત્રણ અપાયા છે.
આવા ભવ્યાતિભવ્ય શપથ કોઈ વડાપ્રધાને લીધા નથી. સ્પષ્ટ બહુમતી સાથે ભાજપ સરકાર ચલાવશે. જ્યાં આટલી મોટી સંખ્યામાં સેલિબ્રીટી આવશે ત્યાં ત્રાસવાદીઓ પણ પોતાની હાજરી પુરાવવા હુમલો કરી વિશ્વનું ધ્યાન ખેંચે એવા પ્રયાસોમાં વ્યસ્ત છે.
શપથના બે દિવસ અગાઉ અફઘાનિસ્તાનમાં ભારતની એલચી કચેરી પર હુમલો અને જયપુરમાંથી પકડાયેલા ઈન્ડિયન મુજાહીદીનના બે ત્રાસવાદીઓ દિલ્હીમાં મોદીને ટાર્ગેટ બનાવવાના હતા તે ઘટના પ્રકાશમાં આવતા શપથ પણ પડકાર સમાન બની ગયા છે.
દિલ્હીમાં સલામતીના કડક પગલાં લેવાયા છે. સલામતી એજંસીઓને ખ્યાલ આવી ગયો છે કે ત્રાસવાદીઓનું ટાર્ગેટ નરેન્દ્ર મોદી છે. વડાપ્રધાનના શપથમાં નાનું છમકલું કરીને ત્રાસવાદીઓ વિશ્વનું ધ્યાન ખેંચવા માગે છે.
આ બધા ટેન્સન વચ્ચે પાકિસ્તાનના વડા નવાઝ શરીફ રાહતની વાત લઈને આવ્યા છે. તે ભારતના ૧૫૦થી વધુ માછીમારોને શપથના દિવસે મુક્ત કરવાના છે.
 આમ તો, શરીફ સોમવારે સવારે આવીને બીજા દિવસે નીકળી જવાના છે. એટલે મોદી સાથે મંત્રણાનો કોઈ અવકાશ નથી પરંતુ થોડો સમય તો આ બંને બેસશે અને બંને દેશ વચ્ચે સંબંધો સુધારવાની ફોર્મ્યુલા તૈયાર કરશે. નવાઝ શરીફ ભારત આવશે એટલે અમેરિકાએ પણ ભારત તરફનો એપ્રોચ બદલવો પડશે, ચીનને પણ સંકેત જશે કે ભારત - પાકિસ્તાન એક થાય તો ચીનનું ઘૂષણખોરીનું ષડયંત્ર બહાર આવી શકે છે.
એક માણસે આમંત્રણ સ્વીકારવાની સાથે દેશભરમાં ચહલ-પહલ બની ગઈ છે. મોદી શપથના દિવસે ક્યો ડ્રેસ પહેરશે, ક્યા સેન્ડલ પહેરશે, ક્યો ખેસ પહેરશે તે અંગે ટીવી ડીબેટો ચાલી રહ્યા છે.
શ્રીલંકાના વડા રાજપકાસે શપથમાં આવવાના હોઈ તમિળનાડુ નારાજ છે. એનડીએનો સાથી પક્ષ એમએમકેએ નારાજગી વ્યક્ત કરી છે એમ યુપીએનો સાથી પક્ષ ડીએમકે તેમજ તમિળનાડુના મુખ્ય પ્રધાન જયલલિથાએ પણ સખ્ત વિરોધ નોંધાવ્યો છે. જોકે કેન્દ્ર સરકારે આ વાંધાને ગણકાર્યો નથી અને શ્રીલંકાના વડાને આવકારવાની તૈયારીઓ કરી દીધી છે.
સમગ્ર શપથ સમારોહને નરેન્દ્ર મોદીએ પાડોશી દેશો સાથેના સંબંધો સુધારવાનો મેળાવડો બનાવી દીધો છે. પાકિસ્તાનના વડા નવાઝ શરીફને આમંત્રણ આપીને મોદીએ રાજકીય માસ્ટર સ્ટ્રોક માર્યો હતો. પરિસ્થિતિ એવી ઊભી થઈ કે શરીફે આમંત્રણને લાંબા વિચાર બાદ સ્વિકાર્યું હતું.
અટલબિહારી વાજપેઈના શાસનકાળમાં વાજપેઈ અને શરીફ વચ્ચેની સમજૂતીના પગલે સમજૌતા એક્સપ્રેસ શરૃ કરી હતી. હવે મોદી અને શરીફ કદાચ સદ્ભાવના એક્સપ્રેસ શરૃ કરશે !!
એક રાજકીય સમિક્ષકે કહ્યું છે કે નરેન્દ્ર મોદી ઈંદિરા ગાંધીની સ્ટાઈલ અપનાવી રહ્યા છે. ઈંદીરાની જેમ તે કડક પણ છે અને કૂણા હૃદયના પણ છે. કોંગ્રેસમાં જેમ ઈંદીરા ગાંધી વનમેન-શો છે એમ ભાજપમાં નરેન્દ્ર મોદી છે. ઈંદીરાજી ધાર્યું કરતા હતા એમ મોદી પણ કરે છે.
મોદી ઈંદીરા સ્ટાઈલ કરે કે વાજપાઈની સ્ટાઈલ મારે પણ તેમનો વડાપ્રધાન પદનો શપથ સમારોહ યાદગાર બની રહેશે. પાકિસ્તાનના વડાએ પણ શુભેચ્છાના પ્રતિક સમાન આમંત્રણ સ્વિકારતા વિશ્વભરમાં તે મુદ્દો ટોકિંગ પોઈંટ બન્યો છે.
આજની સાંજનો શપથ સમારોહ જોવા અમેરિકાના પ્રમુખ ઓબામા પણ ટીવી સામે ગોઠવાઈ જશે અને રશિયા તેમજ ચીનના વડાઓ પણ સમય ફાળવશે. નવાઝ શરીફે આમંત્રણ સ્વિકારતા મોદીના શપથ વૈશ્વિક રાજકારણ સાથે સંકળાઈ ગયા છે.


ટેકનોલોજીનો ગુલામ બનીને માણસ શું મેળવી રહ્યો છે ?

- ફુરસદમાં એકલા બેસીને વિચાર કરવાનો પણ અનેરો આનંદ હોય છે


આપણા જમાનાની એક કટોકટી એ છે કે ટેકનોલોજી આપણાં જીવન ઉપર એટલી બધી સવાર થઇ ગઇ છે કે આપણે જીવનમાંથી સાહજિકતા અને સ્વાભાવિકતા ગુમાવી દીધી છે. ટેકનોલોજી જીવન માટે જરૃરી છે. વિજ્ઞાાન અને ટેકનોલોજીતી આપણું જીવન સુખી અને સમૃધ્ધ બન્યું છે. પણ 'અતિ સર્વત્ર વર્જયેત' એ ન્યાયે કોઇ પણ વસ્તુનો અતિરેક હાનિકારક બની જાય છે. ટેકનોલોજી આપણી ગુલામ બનવી જોઇએ એને બદલે આપણે ટેકનોલોજીના ગુલામ બની ગયા છીએ.
આજે માણસ વિમાનમાં ઊડતો થઇ ગયો છે. દરરોજ નવી નવી એરલાઇન્સ દ્વારા નવી નવી ફ્લાઇટની ઘોષણા થતી રહે છે. કોનકોર્ડ વિમાન અવાજની ગતિથી પણ વધુ ઝડપે ઊડવા માંડયાં છે. અમેરિકાના ડલાસ હવાઇ મથકે બેઠાં હો તો ખબર પડે કે માથેથી દર સેકંડે એક વિમાન ઊડયા કરે છે. ત્યાં હવે બહુ ઓછા લોકો બસ કે ટ્રેનમાં પ્રવાસ કરે છે. સિંગાપુર અને કુઆલાલુમ્પુર વચ્ચે દર અડધા કલાકે વિમાન ઊડયા કરે છે. એમાં હજારો લોકો બે શહેરો વચ્ચે નિયમિત અપડાઉન કરતા રહે છે. એક જમાનામાં નર્મદ સુરતથી મુંબઇ કાં ચાલીને જતો કાં બળદગાડામાં બેસીને જતો ત્યારે રેલવે ટ્રેનની શોધ હજી નવીનવી હતી. લોકો દરિયો ઓળંગવાનું નામ જ લતા નહીં. રાજકોટથી અમદાવાદ જવું હોય તો પણ વિદેશપ્રવાસ જેવી તૈયારી કરવી પડતી, જમવાનું સાથે લઇ જવું પડતું. ત્યારે પ્રવાસનાં સાધનો તો બહુ ઓછા હતા એની જગ્યાએ આજે ખરીદી કરવા માટે પણ સિંગાપુર સુધીમાં આંટો મારી આવે છે.
આમ જુઓ તો આ એક સારી વાત છે, પણ કડવી વાસ્તવિકતા એ છે કે ટેકનોલોજી જેમ આગળ વધે છે તેમ આપણાં જીવનમાંથી ઉષ્મા અને લાગણી ઘટતાં જાય છે. સ્ટેશન અને એરપોર્ટ ઉપર એકબીજા સાથે માણસો અથડાતા જાય છે. પણ એમનામાં જે પ્રેમ ઉભરાતોહતો તે હવે બહુ ઓછો જોવા મળે છે. માનવસંબંધો છીછરા અને ઉપરછલ્લા બની ગયા છે. એક અંદાજ મુજબ અમેરિકન નાગરિક દર વરસે એની મોટરકારમાં સરેરાશ ૧૬૦૦ કલાક ગાળે છે અને ૧૫૦૦ માઇલનો પ્રવાસ કરે છે. આજનો માણસ ઘડિયાળના કાંટે ફરે છે.
ઘડિયાળની શોધ થઇ ત્યારે આપણી સગવડ માટે થઇ હતી. પણ ટેકનોલોજીની જેમ જ આપણે ઘડિયાળના પણ ગુલામ થઇ ગયા છીએ. કોઇ મિત્રને અચાનક મળવાનો મનમાં ઉમળકો હોય તો પણ એને દાબી દેવો પડે છે કેમકે આજે એપોઇન્ટમેન્ટ યુગ છે. કોઇની એપોઇન્ટમેન્ટ લીધા વિના મળવા જવાય જ નહીં. અચાનક જઇ ચડો તો પેલાનું મોઢું બગડી જાય. આજે ઈલેકટ્રોનિકનો જમાનો છે. ઘેરઘેર ટેલિવિઝન આવી ગયાં છે. એક જમાનામાં રેડિયોની બોલબાલા હતી પણ રેડિયોએ કદી સમાજજીવન ઉપર ટી.વી. જેવું આક્રમણ કર્યું નહોતું. રેડિયો ઉપરના કાર્યક્રમો થોડાક કલાક પૂરતા જ આવતા. એમાં મુખ્યત્વે સમાચાર અને સંગીતના કાર્યક્રમો સમય રોકી લેતા હતા. રેડિયો એ સાંભળવાનું માધ્યમ હતું. ટેલિવિઝન દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ છે. હવે ટેલિવિઝનની ૪૦ થી ૫૦ ચેનલો ઉપર જાતજાતની સિરિયલો જોવા મળે છે. તમે અચાનક કોઇને ઘેર જઇ ચડો એ જ સમયે લોકો કોઇ સિરિયલ જોતા હોય તો યજમાન ડિસ્ટર્બ થઇ જાય છે. મનુષ્યજીવન આટલી હદે કૃત્રિમ બની ગયું છે. ટેકનોલોજીએ સમાજજીવનની સમગ્ર સમતુલા જ ખોરવી નાખી છે.
એપોઇન્ટમેન્ટ લઇને જાઓ તો પણ પેલાનું ધ્યાન તો ઘડિયાળ ઉપર ચોંટેલું હોય છે. તમને ફાળવેલો સમય પૂરો થઇ જાય એટલે તમને ગેટઆઉટ નહીં કહે, પણ એના ચહેરા ઉપર અણગમો જરૃર ઊપસી આવે છે. સમય અહીં જીવનને ઉપયોગી થવાને બદલે અવરોધક બની જાય છે.
માર્શલ મેકલુહાનની કલ્પના મુજબ આજની દુનિયા ગામડામાં ફેરવાઇ જાય છે. પણ બે દેશો વચ્ચેનું ભૌગોલિક અંતર ઘટી ગયું અને બે વ્યક્તિ વચ્ચેનું માનસિક અંતર વધી ગયું છે. વિમાનમાં બાજુબાજુમાં બેસીને પ્રવાસ કરનાર બે માણસો વચ્ચેનું ભૌગોલિક અંતર એકાદ ફૂટનું હોય છે પણ એ બે વ્યક્તિઓ વચ્ચેનું માનસિક અંતર તો અનેકગણું વધુ હોય છે. બે ફ્લેટમાં વરસોથી રહેનાર પડોશીઓએ એકબીજાનું મોઢું પણ ન જોયું હોય એવા દાખલા અનેક જોવા મળશે. મોટાં શહેરોના રસ્તા માણસના મેળાથી ઊભરાતા હોય છે, પણ એ મેળામાં પણ માણસ તો એકલો જ હોય છે. જૂની ફિલ્મ 'મેલા'માં એક ગીત હતું, 'મેલે મેં હમ અકેલે.'
૧૮૯૫માં ફિલ્મોની શોધ થઇ ત્યારે આખી દુનિયામાં સનસનાટી ફેલાઇ ગઇ હતી એ પછીના ૧૦ જ વરસમાં હોલિવુડમાં સંખ્યાબંધ ફિલ્મો ઊતરવા માંડી હતી. આમાં ખૂબીની વાત એ છે કે લુમિયર બ્રધર્સે સિનેમાની શોધ મૂળ તો જીવનના યાદગાર પ્રસંગોને કચકડે મઢી લેવા માટે કરી હતી. આજના જેવી રંગીન અને સંગીતમય ફિલ્મો બનશે એવી તો એમને કલ્પના જ નહોતી. સિનેમા એ વિજ્ઞાાને કરેલી સૌથી કલાત્મક શોધ હતી.
આજે હવે સિનેમાનું સ્થાન ટી.વી. સિરિયલોએ લઇ લીધું છે. આ સિરિયલોમાં પણ જે પ્રકારનો સમાજ દર્શાવાય છે એ તદ્દન અવાસ્તવિક હોય છે. અત્યારની સિરિયલોમાં મોટે ભાગે ખટપટ, પ્રપંચ અને કાવાદાવા જોવા મળે છે. એમાં ક્યાંય લાગણી સ્વાભાવિકતા શોધ્યે જડતી નથી. આની સીધી અસર સમાજ ઉપર થાય છે. ભવિષ્યનો સમાજ કેવો હશે એની કલ્પના આસાનીથી થઇ શકે છે. એનું વાસ્તવિક ચિત્ર મેળવવું હોય તો કોઇ સંશોધન પ્રોજેક્ટ હાથ ધરવો પડે.
સંગીતને નામે રિમિક્સ થયેલા ગીતોની ભરમાર જોવા મળે છે. એમાં નૃત્યના નામે કસરતનાં દાવ દેખાય છે. કમ્પ્યુટરની મદદથી દર સેકંડે દ્રશ્ય બદલાતું હોય છે. એમાં પણ મૌલિકતાના અભાવે જૂનાં ગીતો નવા સ્વરૃપે રજૂ થાય છે. નૃત્યના નામે જાતજાતનાં અટકચાળાં કરવામાં આવે છે. એમાં પણ અશ્લીલતા ભારોભાર ઠાંસોઠાંસ ભરી દેવાય છે. એક જમાનામાં ભવાઇ જેવા લોકમાધ્યમોમાં સ્થાનિક સંસ્કૃતિની અનેરી ઝલક જોવા મળતી. આજના રિમિક્સ ગીતોમાં કોઇ સંસ્કૃતિ કે કોઇ સંદેશો હોતો નથી. કમ્પ્યુટરની મદદથી નાના પડદા ઉપર ચમત્કાર સર્જી શકાય. ભારત જેવા દેશમાં વિકાસના કાર્યક્રમો પણ આપી શકાય. એમાં શરત એ છે કે ટેકનોલોજીનો સફળ ઉપયોગ કરતાં આવડવું જોઇએ. આજનું ટેલિવિઝન નકલી ઘીદૂધની જેમ જ ભેળસેળિયું થઇ ગયું છે.
આજના સમારંભો પણ તદ્દન કૃત્રિમ થઇ ગયા છે. રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન આવવાના હોય ત્યારે એરપોર્ટ ઉપર લેવા માટે કોણ જશે, કેવી રીતે હાથ મિલાવશે, ભાષણમાં શું બોલશે એનું પણ રિહર્સલ કરવામાં આવે છે. ભાષણ કરનારા પોપટની જેમ ગોખેલું બોલી જાય છે. બધું અગાઉથી ગોઠવેલું હોય છે. કશું સાહજિક હોતું જ નથી. પ્રોટોકોલને નામે એક પ્રકારની યંત્રવત સ્થિતિ આવી ગઇ છે. ધીમે ધીમે માણસ પોતે જ ચાવી દીધેલો રોબોટ બની જશે.
ટી.વી. ઉપરની જાહેરખબરો પણ જીવનને કૃત્રિમ બનાવવાના આ ક્રમમાં ઉમેરો કરે છે. જેની જીવનમાં કોઇ ઉપયોગીતા જ ન હોય એવી ચીજોનો સતત પ્રચાર કરીને એક પ્રકારનો મનોવૈજ્ઞાાનિક હુમલો કરવામાં આવે છે. પરિણામ એ આવે છે કે ગૃહિણીઓ અને બાળકો જાહેરખબરો જોઇને ઢગલાબંધ બિનઉપયોગી ચીજો ખરીદવાની હઠ પકડે છે. ઉપભોક્તાવાદની આ નબળી કડી છે. માણસ એક સમયે ગુફામાં વસતો હતો અને શિકાર કરીને ગુજરાન ચલાવતો હતો. ધીમે ધીમે એ ગુફામાંથી ઝૂંપડાંમાં વસતો થયો. આજે માણસ મોટાં શહેરોમાં સિમેન્ટ ક્રોંક્રિટના જંગલોમાં વસે છે. પ્રકૃતિ અને સંસ્કૃતિ વચ્ચે આસમાન જમીનનું અંતર છે. આજનો માણસ સંસ્કૃતિ તરફ વધુ પડતો આકર્ષાયો છે. પરિણામે પ્રકૃતિથી એ ખૂબ દૂર થઇ ગયો છે.
ઔદ્યોગિક ક્રાંતિને પગલે દુનિયાની સમગ્ર સુરત બદલાઇ ગઇ. હવે ધીમે ધીમે માણસ ઉદ્યોગ અને યંત્રનો ગુલામ બની ગયો છે. દરેક વસ્તુને આજે પૈસાથી માપવામાં આવે છે. કોઇ માણસ બીજા માણસને સલાહસૂચન આપે તો એના પૈસા માંગે છે. આને એક પ્રકારની સાંસ્કૃતિક કટોકટી ગણી શકાય. ઔદ્યોગિક ચીજો ઉપર વધુ પડતો આધાર રાખવો એ એક પ્રકારની આપત્તિ છે. આખી દુનિયા આજે એક પ્રકારની બજારમાં ફેરવાઇ ગઇ છે. આ બજારના ફાયદા એટલા જ ગેરફાયદા પણ છે.
આજે માણસ સતત પ્રવૃત્તિશીલ રહે છે. થોડી ફુરસદ મળે ત્યારે એ કંટાળી જાય છે અને તરત જ ગામની બહાર આવેલી કોઇ હોટલમાં મજા કરવા ઉપડી જાય છે. એ સમજતો નથી કે ફુરસદમાં એકલા બેસીને વિચાર કરવાનો પણ અનેરો આનંદ હોય છે. વિચારો અનેક પ્રકારના હોય છે. વિચારો કરવાથી ભવિષ્યનું આયોજન પણ કરી શકાય. ઈવાન ઈલિચે 'યુઝ ફુલ અનએમ્પલોયમેન્ટ' નામનું રસપ્રદ પુસ્તક લખ્યું છે. એમાં એણે ફુરસદનો જ મહિમા ગાયો છે. આપણે ત્યાં કહેવત છે કે નવરો માણસ નખ્ખોદ વાળે. પણ એની સામે એ પણ હકીકત છે કે જીવનમાં નવરાશ પણ જરૃરી છે. ફુરસદે માણસ વિચારે તો એને સમજાય કે અંતરાત્માનો અવાજ કોને કહેવાય.
આજે સી.ડી.ના ઘોંઘાટમાં લોકસંગીત તણાઇ ગયું છે. દાંડિયારાસમાં પણ ડિસ્કોની ભેળસેળ થઇ ગઇ છે. એક નવા પ્રકારની લોકપ્રિય સંસ્કૃતિ આકાર લઇ રહી છે. સંસ્કૃતિના ત્રણ પ્રકાર છે. (૧) ઉચ્ચ સંસ્કૃતિ (૨) પરંપરાગત સંસ્કૃતિ (૩) લોકપ્રિય સંસ્કૃતિ. શાસ્ત્રીય સંગીત પ્રથમ પ્રકારમાં આવે, ભવાઇ બીજા પ્રકારમાં આવે અને રિમિક્સ ગીતો ત્રીજા પ્રકારમાં આવે. આજે લોકપ્રિય સંસ્કૃતિના જબરદસ્ત આક્રમણમાંથી આપણે પસાર થઇ રહ્યા છીએ. પ્રગતિની આ ખરાબ આડપેદાશ છે.
જીવન સ્વાભાવિક અને સાજહિક પણ હોય છે અને કૃત્રિમ પણ હોય છે. આજની ટેકનોલોજીએ જીવનને કૃત્રિમ બનાવી દીધું છે. માણસ સ્વેચ્છાથી ફુરસદ મેળવે એને આપણે આળસ કહીએ છીએ. વાસ્તવિકતા એ છે કે આવી સ્વેચ્છાથી મેળવેલી આળસ સ્વાભાવિક અને સાહજિક જીવન માટે અનિવાર્ય છે. માણસ થોડો આરામ કરીને ફરી કામે વળગે એને સાહજિક પ્રક્રિયા ગણાય. એ સતત કામ કરતો રહે તો યંત્રમાનવ બની જાય. યંત્ર પાસેથી વધુને વધુ કામ લેવા માટે માણસ અવનવા નુસખા શોધે છે પણ એ ભૂલી જાય છે કે માણસ એ યંત્ર નથી.