20140526

લયસ્તરો : ગુજરાતી કવિતા આસ્વાદ

પ્રેમની લાંબીલચક વ્યાખ્યા ન કર,
‘હું’ અને ‘તું’ એટલું કાફી નથી ?
કિરણ ચૌહાણ
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

કાન ઓળખાતા નથી – હરીન્દ્ર દવે

અમે સાંભળ્યું એ વાંસળીને વાતા નથી
કે આજ કેમે કર્યા કાન ઓળખાતા નથી.
હવે મધુવન તો જાણે કોઈ શમણાની વાત,
હવે યમુનાને તીર ઝૂરે એકલી ન જાત,
વહે વાસંતી વાયરો ને શાતા નથી,
આજ કેમે કર્યા કાન ઓળખાતા નથી.
ક્યાંક આછો મલકાટ જાણે ખખડે છે પાન,
હોઠ ફફડે ને તોય નથી સંભળાતું ગાન,
ફૂલ ઉપવનની ભીડમાં સમાતાં નથી,
આજ કેમે કર્યા કાન ઓળખાતા નથી.
- હરીન્દ્ર દવે
નખશિખ નઝાકતથી ઓપતું મધુરું ઊર્મિકાવ્ય……એકદમ લાક્ષણિક હરીન્દ્ર દવે……

અવળો હિસાબ છે – બરકત વિરાણી ‘બેફામ’

દુનિયામાં પુણ્યકર્મનો અવળો હિસાબ છે,
સારા બનીને જીવવું એ પણ અજાબ છે…
બીજું શું આફતાબ અને માહતાબ છે,
કેવળ કોઇ રૂપાળા વદનના નકાબ છે…
ઓ નિંદકો, તમારી સમજફેર છે જરા,
હું નહિ પરંતુ મારું મુકદ્દર ખરાબ છે…
કાંટા ખૂંચે છે એનું કશું દુઃખ નથી મને,
સંતોષ છે કે હાથમાં સાચું ગુલાબ છે…
દિવાનગીનો કેફ નહીં ઊતરી શકે,
એકવારની નથી એ સદાની શરાબ છે…
ખૂદ એ જ એક સવાલ બનીને રહી ગયાં,
મારી તમામ જીંદગીનો જે જવાબ છે…
બસ એટલું કે એના ઉપર હક નથી મને,
મારો નહી તો સૌથી સરસ ઇન્તેખાબ છે…
રસ કોઇનેય ક્યાં છે નિખાલસ મનુષ્યમાં,
મારું જીવન નહીં તો ઉઘાડી કિતાબ છે…
કિન્તુ મરણની ઊંઘમાં જોઇ નહીં શકો,
બેફામ જીન્દગી હવે સાચે જ ખ્વાબ છે…
-બરકત વિરાણી ‘બેફામ’

ગીત તારાં જ ગાઉં – ગિરિન ઝવેરી

હૈયે થાતું ગીત તારાં જ ગાઉં
તૃષાઘેર્યાં નૈને ભવભવ હતો હું ભટકતો,
અને ભગ્નાશાની કજલ રજની ડારતી હતી.
તું આવી તે ટાણે,
અને તારે ગાણે
ઉછાળ્યા આ હૈયે ઉદધિ મુદના, તેજ પ્રકટ્યાં;
નાચે હૈયું, ગીત ગાઉં મદીલાં !
કો જાણે શું ગીત કેવાં મદીલાં !
પરંતુ એ શીળા રસસમુદરે લીન થઉં ત્યાં
સુમન ડગલે તું વિલિન થૈ,
પગથી પર બે બે પગલી રહૈ,
ઋતુરાણી જાણે કુસુમ અદકાં બે ભૂલી ગઈ -
અભાગી માટે, હા, રુદનધન આજે મૂકી ગઈ !
આંસુ લો’યાં ગીત તારાં જ ગાઉં !
- ગિરિન ઝવેરી
(જ: ૧૬-૦૩-૧૯૨૩ ~ મૃ: ૧૩-૦૧-૧૯૫૧)
માત્ર અઠ્ઠાવીસ વર્ષની કુમળી વયે આ વિશ્વ ત્યાગી જનાર રૂપેણ કાંઠાના ઉમતા ગામના ગિરિન ઝવેરી બર્માના મોલમીન ખાતે મોટા થયા. બીજા વિશ્વયુદ્ધ પૂર્વે એ વતનભેગા થયા. અમદાવાદમાં બી.એ. થયા ને પછી એમ.એ.માં મુંબઈ યુનિવર્સિટિમાં પ્રથમ ક્રમે ઉત્તીણ થયા. સૂરતની એમ.ટી.બી. આર્ટ્સ કોલેજમાં બી.એ.ના પ્રાધ્યાપક થઈ એવી ચાહના મેળવી કે એમનો વર્ગ બંક કરવાની વાત તો અલગ, બીજા વર્ગના વિદ્યાર્થીઓએ પણ એમને સાંભળવા વર્ગમાં ઘુસી જતા. ૨૮ની નાની વયે ઝેરી મેલેરિયા (સેરિબ્રલ મેલેરિયા)ના કારણે આપણે એક પ્રતિભાશાળી કવિ, વિવેચક, ભાષાશાસ્ત્રી તથા ઊંડા અભ્યાસી ગુમાવ્યા… કલાપી (૨૬), નર્મદ (૩૩), મણિલાલ દેસાઈ (૨૭), રાવજી (૨૮)ની પંગતમાં જઈ બેઠા..
ગિરિન ઝવેરીની આ રચના ટાગોરની યાદ ન અપાવે તો નવાઈ.

રીડગુજરાતી. કોમ કોમામાં….

રીડગુજરાતી. કોમ… મૃગેશ શાહ…
જે મિત્રો ઓનલાઇન ગુજરાતી સાહિત્યજગતમાં વિહાર કરવાનો થોડો પણ શોખ ધરાવે છે એ લોકો આ બે નામથી ભાગ્યે જ અજાણ હોવાના. ગુજરાતી સાહિત્યની કદાચ સહુથી વિશાળ વેબસાઇટ રીડગુજરાતી. કોમના સંચાલક મૃગેશ શાહ ઘણા વરસોથી એકલા હાથે ગુજરાતી ગદ્ય અને પદ્યનો અમૂલ્ય ખજાનો આપણને વિના મૂલ્યે અનવરત પીરસી રહ્યા છે.
કમનસીબે માત્ર પાંત્રીસ વર્ષની નાની વયે મૃગેશ બ્રેઇન હેમરેજનો શિકાર થઈ લકવાગ્રસ્ત અને કોમાગ્રસ્ત થયા છે. ગણતરીના દિવસો પહેલાં જ વડોદરાની મેટ્રો હૉસ્પિટલ ખાતે એમના પર ન્યુરોસર્જરી કરવામાં આવી અને હેમરેજ દૂર કરવામાં આવ્યું પણ દુર્ભાગ્યે એ હજી કોમામાં છે.
ગુજરાતી સાહિત્યની સેવાનો ભેખ લેનાર આ યુવામિત્રને આજે આપણા સહુ તરફથી દુઆ અને વિશેષ તો આર્થિક સહાયની ખાસ જરૂર છે… લયસ્તરોના તમામ વાચકમિત્રોને નમ્ર અપીલ છે કે મદદનો હાથ લંબાવે…
બેંક ખાતાની માહિતી આ મુજબ છે.
Name : DHANANJAY THAKORLAL SHAH
Bank : CENTRAL BANK OF INDIA, KARELIBAUG BRANCH BARODA – 390018
A/C No : 00000001324943292
IFSC : CBINO280486
જે મિત્રો આર્થિક સહાય કરે એ મિત્રોને વિનંતી કે અહીં કોમેન્ટ બોક્સમાં પણ આપનું નામ લખી જરૂરથી જણાવજો કે આપે દુઆ સાથે મદદનો પણ હાથ લંબવ્યો છે, જેથી અન્ય મિત્રોને પણ પ્રોત્સાહન મળે…
*
વહાલા મૃગેશ ! જલ્દી કર… અમે સહુ તારી અને રીડગુજરાતી. કોમની રાહ જોઈ રહ્યાં છીએ…
*
readgujarati

તળિયું – દિલીપ શ્રીમાળી

ખૂબ ઊંચે છે એ જળ ને જળનું તળિયું
ક્યાંથી દેખાડું તને વાદળનું તળિયું ?
ચિત્રમાં દોરી નદી ખળખળ વહેતી
ભીનું ભીનું થઈ ગયું કાગળનું તળિયું.
રણને આખુંય ઊથલપાથલ કર્યું પણ
ક્યાંય દેખાયું નહીં મૃગજળનું તળિયું.
ખુશબૂ લપસી ગઈ ફૂલોના શ્વાસ પરથી
લીલ બાઝેલું હતું ઝાકળનું તળિયું !
- દિલીપ શ્રીમાળી
ચાર જ શેરની આ ગઝલ આમ તો તળિયાની વાત કરે છે પણ એનું પોત પકડવા જાવ તો અતાગ લાગે એવી ઊંડી !
એક બીજું આશ્ચર્ય લયસ્તરો પર કવિનું નામ ઉમેરવા ગયો ત્યારે થયું. એક, બે, ત્રણ નહીં, લયસ્તરો પર એક ડઝન ‘દિલીપ’ મળી આવ્યા… !

શતદલ – દેવિકા ધ્રુવ

IMG_1950
શતદલ પંખ ખીલત પંકજ પર,
         હસત નયન જ્યમ શ્યામ વદન પર.
શત શત બુંદ સરક દલ વાદળ, 
        ભીંજત બદન નર નાર નવલ પર.
ઘનન ઘનન ગરજત નભમંડળ,
         કરત ક્યાંક કલરવ ખગ તરુવર.
   છલ છલ છલકત જલ સરવર પર,
         નાચત મંગલ મયૂર મનોહર.
સર સર સૂર સજત દિલ મોહક,
          ભૂલત ભાન વનરાવન ગોપક.
  પલપલ શબદ લખત  મનભાવન,
           ઝરત પ્રીત મન કરત પાવન.
લીલ રંગ ધરા ધરત અંગ પર,
           સોહત સુંદર સદ્યસ્નાત સમ.
   મસ્ત મસ્ત  બરસત અવિરત ઝર,
               ઝુલત ઝુમત શતદલ મધુવન પર.
- દેવિકા ધ્રુવ
ખુલ્લા આકાશમાં અનાયાસ વિહરતા પંખી જેટલી સહજતાથી આ ગીતનો લય મનને મોહી લે છે. મોટેથી બે વાર વાંચતા તો મને સુન્દરમના ગીતોની ( 1, 2 ) યાદ આવી ગઈ. ગીતનો સશક્ત લય તમને પણ ‘ભીંજવી’ નાખશે એની પૂરેપૂરી ગેરેન્ટી છે. મોટેથી, લય સાથે વાંચતા જાવ:, ‘સદ્યસ્નાત’ જેવો ભારે શબ્દ પણ જીભ પરથી માખણની જેમ સરકી જશે ત્યારે લયની તાકાત અને ભાષાની ઋજુતા પર મોહી પડ્યા વગર રહેવાશે નહીં.

સુરાહીમાં ખાલી – શૂન્ય પાલનપુરી

અમો પ્રેમીઓના જીવનમાં વસી છે આ સૌંદર્ય સૃષ્ટિની જાહોજલાલી
ધરા છે અમારા હ્રદય કેરો પાલવ, ગગન છે અમારા નયન કેરી પ્યાલી
અમે તો કવિ, કાળને નાથનારા, અમારા તો આઠે પ્રહર છે ખુશાલી
આ બળબળતું હૈયું, આ ઝગમગતા નૈનો, ગમે ત્યારે હોળી, ગમે ત્યાં દિવાળી
મને ગર્વ છે કે અમારી ગરીબી અમીરાતની અલ્પતાઓથી પર છે
સિકંદરના મરહુમ કિસ્મતના સૌગંદ, રહ્યા છે જીવનમાં સદા હાથ ખાલી
તને એકમાંથી બહુની તમન્ના, બહુ થી મને એક જોવાની ઇચ્છા
કરે છે તું પ્યાલામાં ખાલી સુરાહી, કરું છું હું પ્યાલા સુરાહીમાં ખાલી
-શૂન્ય પાલનપુરી
આ ગઝલ પ્રસ્તુત કરવાનો હેતુ એનો છેલ્લો શેર છે…….

નહીં ફાવે – ખલીલ ધનતેજવી

તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.
કહો તો માછલીની આંખમાં ડૂબકી દઇ આવું,
પણ આ છીછરું ખાબોચિયું આપણને નહીં ફાવે.
તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને,
ઘરે આવી, તારું પાછું જવું, આપણને નહીં ફાવે.
તને ચાહું, ને તારા ચાહનારાઓને પણ ચાહું ?
તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે
તમાચો ખાઈ લઉ ગાંધીગીરીના નામ પર હું પણ,
પણ આ પત્નીને બા સંબોધવું, આપણને નહીં ફાવે.
- ખલીલ ધનતેજવી
વાતમાં ખુમારી છે પરંતુ………..

ખાતરી – એડવિન મૂર (અનુ. વિવેક મનહર ટેલર)

હા, તારો જ, મારી પ્રિયે ! છે સાચો માનવ ચહેરો,
મેં મારા મનથી અત્યાર સુધી રાહ જોયા કરી,
ખોટું જોતો રહ્યો અને હતો સત્યની તલાશમાં,
ત્યારે જ તું જડી એમ જેમ કોઈ પથિકને જડી જાય એક સ્થળ
સ્વાગત ભર્યું, ખોટાં ખીણ-પર્વતો અને વાંકળિયાળ રસ્તાઓમાં.
પણ તું, હું શું કહું તને ?
વગડામાંનો ફુવારો ?
ઉષર દેશમાં પાણીનો કૂવો?
અથવા કંઈ પણ જે પ્રામાણિક અને સારું છે, એક આંખ
જે વિશ્વ સમસ્તને પ્રકાશિત કરે છે.
આપવાના ઔદાર્યથી સરળ તારું વિશાળ હૃદય, બક્ષે છે આદિ કાર્ય.
સૌપ્રથમ સારી દુનિયા, વસંત, પ્રફુલ્લિત બીજ,
સગડી, અવિચળ ભૂમિ, ભટકતો દરિયો,
બધી રીતે સુંદર કે વિરલ નહીં
પણ તારી જેમ જ, જેમ એ હોવા જોઈએ એમ જ.
- એડવિન મૂર
(અનુ. વિવેક મનહર ટેલર)
જરા ધીરે રહીને ઊઘડતું મજાનું કાવ્ય. “જે શોધવામાં જિંદગી આખી પસાર થાય, ને એ જ હોય પગની તળે એમ પણ બને” (મ.ખંડેરિયા) જેવી વાત… પોતાના પ્યારનો ચહેરો જ સાચો ચહેરો છે એની ખાતરી કવિને કેવી સરસ રીતે થાય છે અને આપણને પણ કરાવવામાં આવે છે ! કશું જ સમગ્રતયા સુંદર કે વિરલ હોતું નથી. જે છે એ જેમ હોવું જોઈએ એમ જ હોય એમાં જ એનું સાચું સૌંદર્ય છે.
*
The confirmation
Yes, yours, my love, is the right human face,
I in my mind had waited for this long.
Seeing the false and searching the true,
Then I found you as a traveler finds a place
Of welcome suddenly amid the wrong
Valleys and rocks and twisting roads.
But you, what shall I call you?
A fountain in a waste.
A well of water in a country dry.
Or anything that’s honest and good, an eye
That makes the whole world bright.
Your open heart simple with giving, give the primal deed.
The first good world, the blossom, the blowing seed.
The hearth, the steadfast land, the wandering sea,
Not beautiful or rare in every part
But like yourself, as they were meant to be.
- Edwin Muir

ગઝલ – ઉદયન ઠક્કર

વાતેવાતે શેનું મોડું થાય છે ?
ઘાસ, તુર્ત જ, દૂધ થોડું થાય છે ?
મેઘની પાછળ ને પાછળ કુંજડી
ને મને પણ દોડું-દોડું થાય છે.
થાય સીધાં કામ આ વરસાદમાં ?
જો, કિરણ પણ જળમાં ખોડું થાય છે
શેરને તું શ્લોક માફક બોલ મા !
રેડિયમ કંઈ સૂર્ય થોડું થાય છે ?
રોકતાં રોકી તો લીધી આ ગઝલ,
ફેફસાંમાં વાવાઝોડું થાય છે
- ઉદયન ઠક્કર
સાયન્ટિફિક ગઝલ એમ કહીને સંબોધવાનું મન થાય એવી ગઝલ… પહેલા શેરમાં બાયોલોજી… બીજામાં ઝૂલોજી… ત્રીજા-ચોથામાં ફિઝિક્સ… છેલ્લા શેરમાં વિજ્ઞાનની કોઈ શાખા ભલે નથી, પણ ફેફસાં તો આવી જ ગયા…
જો કે આવું કશું ન વિચારો તો પણ આ ગઝલ સાવ અનૂઠી ફ્લૅવરવાળી અને વારંવાર વાગોળવાનું (બાયોલોજી!) મન થાય એવી છે !