20130731

આરોપી ફરાર છે

Durga Kavach
http://youtu.be/rqgvyF9LBHk


આરોપી ફરાર છે.
દુનીયાનું સૌથી હીંસક પ્રાણી કયું ?
દુનીયાનું સૌથી લુચ્ચું પ્રાણી કયું ?
દુનીયાનું સૌથી સુંદર અને બુદ્ધીશાળી પ્રાણી કયું ?
માનો યા ના માનો પણ આ ત્રણે પ્રશ્નોનો જવાબ એક જ છે– માણસ !
આ પૃથ્વીલોકમાં હેવાનીયત અને ઈન્સાનીયતના બધા ઍવોર્ડ માણસે અંકે કરી લીધા છે. માણસ સાડા પાંચ ફુટનો જટીલ કુટપ્રશ્ન છે અને માણસ જ એ કુટપ્રશ્નોનો જવાબ છે. (બચુભાઈના મત મુજબ માણસ આ દુનીયાનો મેનેજીંગ ડીરેક્ટર છે. માણસે અવનવી શોધખોળો દ્વારા જે કુનેહથી દરેક કુદરતી રહસ્યની બાંધી મુઠી ખોલવા માંડી છે તે નીહાળી મને હીન્દી ફીલ્મના વીલનનું સ્મરણ થાય છે. એ વીલન પ્રારમ્ભમાં તેના માલીકનાં બધાં ધંધાકીય રહસ્યો જાણી લે છે. પછી ચાલાકીપુર્વક માલીક પાસેથી તેની સમગ્ર મીલકત પડાવી લે છે. માણસે પણ ભગવાન જોડે એવી દગાબાજી કરી હોય એવો વહેમ પડે છે.)
અલબત, જીવન અને મૃત્યુ જેવી કેટલીક મહત્ત્વની મેઈન સ્વીચો હજી ઉપરવાળાએ પોતાના હસ્તક રાખી છે. જો કે એમ કહેવુંય સંપુર્ણ સાચું નથી. જન્મની ચાવી માનવીએ ઈશ્વરના જુડામાંથી સેરવી લઈ, કુટુમ્બનીયોજનની ખીંટીએ લટકાવી દીધી છે. આ પૃથ્વીલોકમાં, અસલના કોઈ જુલમખોર જાગીરદાર જેવી દાદાગીરી મૃત્યુની હતી. પરંતુ ‘પેસમેકર’ની શોધ પછી હવે માણસે મૃત્યુના ગઢમાંય ગાબડું પાડી દીધું છે. એટલેથી જ એ અટક્યો હોત તો ધુળ નાખી; પણ એણે આ દુનીયાના શીલ્પી એવા ભગવાનને જ મંદીરની જેલમાં એવો પુરી દીધો છે કે બીચારો પેરૉલ પર પણ છુટી શકતો નથી ! અને એથી જ મૃત્યુ બાદ ભગવાન પોતાના ગુનાનો શો ફેંસલો કરશે તે વાતની માણસને ચીંતા સતાવે છે. પણ માણસ જેનું નામ ! મૃત્યુ બાદ ભગવાનને લાંચ આપી કેવી રીતે ફોડી કાઢવો તે ઉપાય પણ એણે વીચારી રાખ્યો છે. આ રહ્યો એ ઉપાય–
                            ‘લે ચલ છુપા કે કફન મેં બોતલ
                            કબ્ર પે બૈઠ કે પીયા કરેંગે…
                            ઔર જબ ખુદા કરેગા ગુનાહોં કા ફેંસલા…
                            તો દો દો જામ ઉસે ભી દીયા કરેંગે…!’
ક્યારેક માણસ એવો દુષ્ટ બની રહે છે કે એને માથે હથોડો ઝીંકવાનું મન થાય છે. ક્યારેક એ એટલાં સારાં કામો કરે છે કે ગદ્ ગદ્ બની વીચારી રહીએ છીએ– ભગવાન તે વળી આનાથી જુદો કેવોક હોતો હશે !  ટુંકમાં, માણસ જ મધર ટેરેસા અને માણસ જ મેમણ બ્રધર્સ…! સમુદ્રમંથનમાંથી નીકળેલું ઝેર એટલે માણસ…! અને શંકરની જટામાંથી પ્રગટતી પ્રેમની ગંગોત્રી એટલે પણ માણસ…! માણસ નામનું કોડીયું, પુરુષાર્થનું તેલ અને બુદ્ધીની જ્યોત… આ ત્રણેના ત્રીવેણી સંગમથી દુનીયાનો ચોક પ્રગતીના પ્રકાશથી ઝળહળી ઉઠ્યો છે. ભગવાનને ખોટું ન લાગે તે માટે માણસ કહેતો ફરે છે – ‘ઈશ્વરની ઈચ્છા વીના એક પાંદડુંય હાલતું નથી.’ પણ બીજી રીતે એણે જ્ઞાન–વીજ્ઞાનના અને ટૅકનૉલૉજીના વીકાસ વડે દુનીયામાં એવું ચક્રવર્તી સામ્રાજ્ય સ્થાપ્યું છે કે એની ઈચ્છા વીના એક પાંદડુંય ઉગી શકતું નથી.
ધુળમાં ગબડી પડેલું બાળક ધુળ ખંખેરીને બેઠું થઈ જાય, એમ વીક્રમસર્જક ભુકંપમાંથીય માણસ ઝડપથી બેઠો થઈ ગયો છે. અભુતપુર્વ જળસંકટ હોય, કારમો દુષ્કાળ હોય કે ભયંકર રોગચાળો હોય… માણસને હવે મચ્છરની જેમ મસળી નાખવાનું સહેલું રહ્યું નથી. ભલું થજો માણસનું કે એણે કુદરત રુપી ઉંટના ઢેકા પર બુદ્ધીપુર્વકના કાંઠા કર્યા છે. પુનરોક્તીનો ભય વહોરીનેય કહું કે માણસને સો વર્ષનું આયુષ્ય આપીને કુદરતે 42 વર્ષે જ એને આંખે આંધળો બનાવી દીધો. માણસે ચશ્માં ના શોધ્યાં હોત તો અડધી દુનીયા હાથમાં લાકડી લઈ સુરદાસ બની ઘુમતી હોત. બે વર્ષની બેબીની આંખોમાં મોતીયો હોય એવું નજરે જોઈએ ત્યારે વીચાર આવે છે – આ તે ઈશ્વર છે કે આતંકવાદી ? (માણસની આંખનો મોતીયો કાઢી આપતો ડૉક્ટર એટલે મારે મન ભગવાને રચેલી અંધાપાની જેલમાંથી માણસને જામીન પર છોડાવતો ફરીસ્તો !)
ભગવાને માણસને બહેરો બનાવ્યો તો માણસે ઈયરફોન બનાવ્યું. ભગવાને માણસને લંગડો બનાવ્યો તો માણસે કૃત્રીમ પગ બનાવ્યો. દેહની નાની મોટી બીમારીથી માંડી હૃદય અને મગજ જેવાં નાજુક અવયવોનાં ઓપરેશનો કરવાની ત્રેવડ હાંસલ કરીને માણસે માણસની લાજ રાખી છે. ભગવાન ડાળે ડાળે ચાલ્યો તો માણસ પાંદડે પાંદડે ચાલ્યો ! કલ્પના કરી જુઓ, પેટમાં ઍપેન્ડીક્સનો દુ:ખાવો ઉપડ્યો હોય તે ટાણે રામનામનાં મંજીરાં વગાડવાથી દુ:ખાવો દુર થઈ શકે ખરો ? માણસે શસ્ત્રક્રીયાની શોધ કરવાને બદલે જીવનભર પ્રભુભજન જ કર્યા કર્યું હોત તો વધેરાતા બકરા જેવી ચીસો પાડતા માણસને શી રીતે દર્દમુક્ત કરી શકાયો હોત ? કુદરત આડી ફાટે અને સ્ત્રીના ગર્ભમાં બાળક આડું થઈ જાય અથવા કોઈ કારણસર બાળક નોર્મલ રીતે ન અવતરી શકે ત્યારે શું કરી શકાય ? સીઝેરીયન ઓપરેશનની શોધ નહોતી થઈ તે જમાનામાં એવી સ્ત્રીઓએ તો એડી રગડી રગડીને મરવું જ પડતું હશેને ?
અમારા બચુભાઈ અને ભગવાન વચ્ચે કોંગ્રેસ અને ભાજપ જેવું ચાલે છે. તેઓ ભગવાન વીશે બહુધા હળવાશમાં તો ક્યારેક ગંભીરપણે વાતો કરતા રહે છે. તેઓ કહે છે : ‘લાખ વાર કબુલ કે માણસને એ બધી શોધખોળ કરવાની બુદ્ધી ભગવાને આપી છે; પણ કોઈ મને એ સમજાવો કે ભગવાનની એ કેવી વીચીત્ર નીતી; કે પહેલાં તે સ્ત્રીના પેટમાં બાળકને આડું કરી દે છે અને પછી માણસને સીઝેરીયન કરવાની બુદ્ધી આપે છે ! એ મહાશયનું ટીખળ તો જુઓ પ્રથમ માણસને દાઢનો દુ:ખાવો આપે છે પછી શાનમાં સમજાવે છે – ‘હવે લવીંગનું તેલ ઘસ અને ફટકડીના કોગળા કર !’ એમ સમજો કે ચોરને ચોરી કરવા ઉશ્કેરે છે અને શાહુકારને એ જાગતા રહેવાની સલાહ આપે છે ! સાચું કહું, મને ચશ્માંની શોધથી એટલો આનન્દ થતો નથી, જેટલું દુ:ખ 45 વર્ષે માણસની આંખ નબળી થઈ જાય તે વાતથી થાય છે !’
હમણાં ડૉક્ટર મીત્રે એક વીચીત્ર કીસ્સો કહી સંભળાવ્યો. એમની પાસે લગભગ વ્યંઢળ પ્રકારનો એક દરદી આવ્યો. એ ભયંકર જાતીય આવેગથી પીડાતો હતો. જે શક્ય નહોતું તેની તીવ્ર તલબ જાગી હતી. એમ સમજો કે જેનું ગર્ભાશય કાઢી નાંખવામાં આવ્યું હોય એવી સ્ત્રીને માતૃત્વ ધારણ કરવાની ઈચ્છા જન્મે તેવો ઘાટ થયો હતો. પગ વીનાના પુરુષને ભગવાને પર્વત ચઢવા ઉશ્કેર્યો હતો. ફાંટાબાજ કુદરતનું આ કેવું કરુણ ટીખળ ? બચુભાઈ કહે છે: ‘ભગવાન માણસને ક્યારેક એવી હાસ્યાસ્પદ સ્થીતીમાં મુકી દે છે માનો કોઈ વ્યક્તીને જુલાબની દશબાર ગોળીઓ ખવડાવી દીધા પછી તેના જાજરુમાં પાણીનો પુરવઠો બંધ કરી દેવામાં આવે !’
જરા વીચારો, ભગવાનની એ કેવી મેન્યુફેક્ચરીંગ ડીફેક્ટ કે એણે માણસને પુરાં સો વર્ષનું આયુષ્ય આપ્યું હોય અને બેતાલીશ વર્ષે જ આંખે બેતાલા આવી જાય ! એરોપ્લેનની ટાંકીમાં એક જ લીટર પેટ્રોલ સમાઈ શકે એવી ટુંકી બુદ્ધીની વ્યવસ્થા કરનાર એન્જીનીયરને આપણે કહીએ તો શું કહીએ ? માણસ કોઈ વાહન બનાવે છે ત્યારે તેના વારંવારના પરીક્ષણ બાદ તેને અદ્યતન અને સંપુર્ણ ક્ષતીરહીત બનાવીને રોડ પર દોડતું કરે છે. પણ ઉપરવાળા એન્જીનીયરે માણસની ડીઝાઈન એવી નબળી ઘડી છે કે પચાસ–સાંઠ વર્ષે જ તે પેટ્રોલ વીનાના સ્કુટરની જેમ ડચકાં ખાવા લાગે છે. ભગવાન જેવો ભગવાન થઈ આવી નબળી ક્વૉલીટીનો માલ પૃથ્વીલોકમાં સપ્લાય કરે એમાં ભલે એના ધંધાને ખોટ ના જતી હોય; પણ જેઓ એનો ભોગ બને છે તેનું જીવન તો સો ટકા બરબાદ થાય છે. નબળી આંખવાળા, નબળા હૃદયવાળા કે નબળા મગજવાળા કેટલાય કમનસીબ માણસો કુદરત સામે ગ્રાહક સુરક્ષામાં જઈ શકતાં નથી. મૃત્યુલોકની અદાલતમાં ઈશ્વર અપરાધી ઠરે તોય પ્રશ્ન એ છે કે એને કયે સરનામે સમન્સ મોકલવો ? શી રીતે એની ધરપકડ કરવી ? આરોપી સદીઓથી ફરાર છે !!!
-દીનેશ પાંચાલ
‘ગુજરાતમીત્ર’દૈનીક, સુરતની તા. 06 એપ્રીલ, 1997ની રવીવારીય પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘જીવનસરીતાના તીરે’માંથી, લેખકના અને‘ગુજરાતમીત્ર’ના સૌજન્યથી સાભાર…
લેખક સમ્પર્ક: શ્રી. દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી - 396 445 ફોન: 02637 242 098 સેલફોન: 94281 60508