20130620

આપણે ટાંટિયાખેંચને લીધે ટીમ નથી બનાવી શકતા, અને માગણી ઠુકરાવાય તો લાગણી દુભવીએ છીએ!

ઈગોઈસ્ટિક ઈન્ડિયા : માઠું લાગી જવાની માથાકૂટ!

- આપણે ટાંટિયાખેંચને લીધે ટીમ નથી બનાવી શકતા, અને માગણી ઠુકરાવાય તો લાગણી દુભવીએ છીએ!

''મેં જોયું છે કે ભારતમાં બધાનો સેલ્ફ એસ્ટીમ ઈઝ વેરી ફ્રેજાઈલ. એવરીબડી ઈઝ રેડી ટુ બી હર્ટ. આ દેશમાં બધાને ખોટું બહુ લાગી જાય છે. એઝ એ રિઝલ્ટ ઓફ ફ્રેજાઈલ સેલ્ફ એસ્ટીમ, વી કેન નોટ ફોર્મ ટીમ્સ. કારણ કે, ટીમમાં એકબીજાનું માન રાખવાનું હોય. તમે બોસ હોવ, એટલે તમને બધું જ દરેક વસ્તુમાં દરરોજ આવડે એ વાત વાજબી નથી. કોઈકે બોસને કહેવું પડે કે ઃ લૂક, યુ ડુ નોટ મેઈક સેન્સ ટુડે. એ ઈન્ડિયામાં બહુ પ્રોબ્લેમ થઈ જાય છે. બોસને ખરાબ લાગી જાય, બોસની વાઈફને ય ખરાબ લાગી જાય! ગાંધી હેડ બેસ્ટ સેલ્ફએસ્ટીમ. યુ કુડ નોટ હર્ટ હિમ. નો વન કુડ ઈન્સલ્ટ ગાંધી. નો બડી કેન હર્ટ યુ, યુ ગેટ હર્ટ. ઈફ યુ ડિસાઈડ નોબડી કેન હર્ટ યોરસેલ્ફ. વી ગેટ હર્ટ બિકોઝ વી ડોન્ટ હેવ ઈનફ.''
આ શબ્દો જાણીતા ટેકનોક્રેટ અને ખરા અર્થમાં ગ્લોબલ ગુજરાતી એવા સામ પિત્રોડાએ મોરારિબાપુના 'અસ્મિતાપર્વ'માં ગયા વર્ષે એમના અફલાતૂન પ્રવચનમાં કહ્યા હતા.
* * *
ભારતના ઐતિહાસિક વારસા માટે બધાને ગર્વ બહુ થયા કરે છે. પણ વાસ્તવમાં કોઈ ધ્યાન અભ્યાસ કરે તો બઢિયા ફિલોસોફીની વચ્ચે ઘટિયા આચરણની આપણે જગતમાં બેજોડ મિસાલ છીએ. અંગત ચારિત્ર્ય પરની ગંદી કૂથલીને રામનું તેજ ન અટકાવી શક્યું અને અંદરોઅંદર લડીઝગડીને કપાઈ મરવાની યાદવાસ્થળીને કૃષ્ણની ચતુરાઈ ન રોકી શકી. બેઉ કિસ્સામાં દુશ્મનો લંકા કે મગધ/હસ્તિનાપુર ખાતેથી આવેલા નહોતા. પોતાના જ લોકો હતા. સાક્ષાત જીવતા રામ કે કૃષ્ણ પણ મહાન લડાઈઓ જીતીને અંતકાળે સામે હોવા છતાં એમને સુધારી ના શક્યા, તો એમના નામે તો કોણ કેટલા બદલાશે એ રામ-કૃષ્ણ જાણે.
પણ ભારતના જન્મજાત જીન્સની દાસ્તાન ઈગો અને એના રિએકશનમાં વિભાજીત થઈને ખતમ થઈ જતાં ખુદના જ ઘરની કથાઓ છે. જે મહાન પરિવારભાવના આપણામાં જ હોવાનું અભિયાન લઈને આપણે ફરીએ છીએ, એમાં આ સૂક્ષ્મ અહમને લીધે પડેલી તિરાડો આપણને કદી દેખાઈ જ નહિ, એટલા આપણે અંજાઈ ગયેલા હોઈએ છીએ. બબ્બે ફેમિલી આગ એની સાક્ષી પૂરે છે. રામાયણ અને મહાભારત.
રામાયણમાં રામનો વનવાસ રાવણને લીધે નહિ, ઘરના જ સભ્યોને લીધે થાય છે. કૈકેયીના ઈગો પર એ 'સેકન્ડરી સીટિઝન' બનશેની ચોટ કરી મંથરા ચાલાકી કરે છે. એવી જ રીતે પહેલા વાલીનો ઈગો સુગ્રીવ એને છોડીને જતો રહ્યો એ ગેરસમજમાં હર્ટ થાય છે, અને પછી પોતાના સાથના બદલામાં રામના હાથે સુગ્રીવ સગા ભાઈ વાલીને મરાવી નાખે છે. ડિટ્ટો, શૂર્પણખાનો ઈગો ઘવાતા રાવણ લેવાદેવા વિના સીતાનું હરણ કરે છે, એ જ ઈગોમાં વિભીષણને અપમાનિત કરે છે, એ જ વિભીષણ બદલામાં રાવણને મારવામાં અને (સંજીવનીથી) રામને જીવાડવામાં મદદરૃપ થાય છે. અંતે સીતાત્યાગ પણ લંકાવાસીઓને લીધે નહિ, અયોધ્યાવાસીઓને લીધે જ કરવો પડે છે ને!
ડિટ્ટો મહાભારત. ગંગા હર્ટ થઈ શાંતનુને મૂકીને જતી રહી. સત્યવતી હર્ટ ના થાય માટે ભીષ્મે સેક્રિફાઈસના નામે ઈગોબૂસ્ટિંગ પ્રતિજ્ઞાા લેવી પડી. એવા જ ઈગોમાં થયેલા અંબા, અંબાલિકા, અંબિકાના કિડનેપિંગ અને રિજેકશનથી શિખંડી સર્જાયો. કર્ણનો ઈન્સલ્ટેડ ઈગો એને દુર્યોધનની છાવણીમાં લઈ ગયો, દુર્યોધનનો અપમાનિત ઈગો ઈન્દ્રપ્રસ્થવાળા સમાધાન પછી પણ કુરૃક્ષેત્ર સુધી પહોંચ્યો. ધૃતરાષ્ટ્રને માઠું લાગી જવાના પરિણામો પાંડવોએ ભોગવ્યા. ગાંધારીના આંખે પાટા બાંધવાને લીધે હર્ટ થયેલા શકુનિએ કંઈક દેવતાઓની આંખો આંજી નાખી. અરે, દ્રુપદ પાસેથી અપેક્ષા ન સંતોષાતા હર્ટ થયેલા દ્રોણાચાર્યે અંતે ધૃષ્ટદ્યુમ્નના હાથે પોતાનું અને આફટરઈફેકટમાં માઠું લગાડી ક્રોધે ભરાયેલા અશ્વત્થામાના હાથે પાંડુપુત્રોનું મોત નોતર્યું! દ્રૌપદીની હર્ટ ફીલિંગ્સની પરવા વિના જ વસ્ત્રાહરણ થયું, એ બહારના દુશ્મનોએ નહિ- ઘરના જ સભ્યોએ કર્યું હતું! કૃષ્ણને મારવાના પ્રયાસો જેટલા સગા મામા કંસે કર્યા એટલે હરીફ જરાસંઘ/ નરકાસુરે નથી કર્યા! રૃકિમ કે શિશુપાલ જેવા સ્વજનો/સગાઓ ગણાતા લોકોએ જેટલી કૃષ્ણને ગાળો આપી એટલી તો કદી દુર્યોધન/શકુનિએ પણ નથી આપી! સત્યભામા કે રૃકિમણીના ઈગો ય ટકરાય, ને માઠું લાગી જાય! કૃષ્ણની કેપેસિટી અને કાબેલિયત હતી વિરાટરૃપ ધારણ કરવાની, પણ એનાથી ભયભીત થઈ કે ઈર્ષામાં જલીબળીને જીવતેજીવ એમની સામે ટીકા, ખટપટ, શ્રાપ, આરોપ, ભાગાદૌડીનું ચેઈન રિએકશન ચાલતું જ રહ્યું!
ક્યાં છે આમાં ફેમિલી? ક્યાં છે સમજણવાળા સગપણનું ગળપણ? હા, જરૃર આદર્શની અદભુત વાતો છે. પણ બહુ ઓછા તબક્કે એનું આચરણ છે. કુછ તો ગરબડ હૈ. આ બતાવે છે કે અંદરોઅંદરની ટાંટિયાખેંચ, એકબીજા સામે દ્વેષથી ઝેર ઓકવાનું, પહેલા જેમને પસંદ કર્યા હોય એમને પોતાનો ઈગો સંતોષાય નહિ તો પછાડવાનું, કોઈના હથિયાર બની કોઈની નિંદામાં જીંદગી બરબાદ કરવાનું, ઘરના જ લોકો સામે બદલો લઈ ઘરને જ ખતમ કરતા ફરવાનું. અભિમાનથી છલોછલ થઈ નવું શીખવાને બદલે આત્મસન્માનના નામો જૂનાને વળગી રહેવાનું, અને કોઈ બે સાચી વાત કહેવા કે કરવા જાય તો એ સ્વીકારીને સુધરવાને બદલે એને જ કરડવા દોડવાનું આપણા ખૂનમાં છે. લોહીમાં આ સ્પેશ્યલ 'ઈગો ઈન્સ્પાયર્ડ સેલ્ફ ડિસ્ટ્રક્ટિવ જીન' વડે છે. બ્રહ્મા - વિષ્ણું - મહેશ કે દેવ-દાનવ (જે વાસ્તવમાં એક જ કુટુંબના કહેવાય કારણ કે એ પણ એક જ મૂળિયાના ફાંટા હતા!) સંગ્રામના પુરાણોથી લઈને આજના ફેસબુક સુધીનું કાળચક્ર આ વાત પર રેડ અન્ડર લાઈન કરે છે કે આપણો અહમ બહુ નાજુક અને બટકણો છે. વાતવાતમાં આપણને અણી અને ટણી લાગી જાય છે. અને કપટ કરીને, જૂઠ બોલીને, નિંદા કરીને, ટોળી બનાવીને પારકાં શત્રુઓ કે દોનો સામે લડવાને બદલે પોતાનાને જ ખતમ કરીને અંદરોઅંદર જ્ઞાાતિથી ખાણીપીણી સુધીના વિભાજન ઉભા કરી 'આઈ એમ ધ બેસ્ટ' લલકારવામાં આપણો જોટો જડે તેમ નથી! (ભારતના જ જીન્સ લઈ જન્મેલા અફઘાનિસ્તાન પાકિસ્તાનનું પણ ડિટ્ટો એવું જ).
સેડ મેડ બટ બ્લડી રેડ મિસ્ટરી ઓફ હિસ્ટરી!
* * *
આપણા જેવા જ મુઘલો - ગુલામવંશ વગેરે શહેનશાહો નવાબો (અફ કોર્સ, અપવાદો બાદ કરતા) અંદરો અંદર આમ જ કપાઈ મૂઆ. નબળા થતા ગયા. ઉત્તર - દક્ષિણ, આર્ય - દ્રવિડ, સવર્ણ - દલિત, હિન્દુ - મુસ્લિમ આ બધા ભેદ ઉભા કરીને, માઠું લગાડી લગાડી પેઢી દર પેઢી વેરઝેરના પાળિયા બનાવતા જવાની પૂર્વની આદત બહુ પુરાણી છે. અરબસ્તાન હોય, ચીન હોય, શ્રીલંકા હોય, નેપાળ (કેમ? રાજકુટુંબને માર્યું કોણ?) હોય, રશિયા હોય કે ભારત કદાચ આદર્શવાદી તત્વજ્ઞાાનના અતિરેક અને વ્યવહારૃ પારદર્શકતા - નિખાલસતાના અભાવને લીધે સર્જાતા દંભને લીધે આવું થતું હશે. દુનિયામાં દરેક જગ્યાએ ઈગો કે હર્ટના બનાવો તો હોય - પણ વાત અહીં દાળમાં મીઠું કે મીઠામાં દાળ જેવા પ્રમાણની છે.
કદી સ્કૂલોમાં ગોખણીયો ઈતિહાસ ભણતી વખતે એવું વિચાર્યું છે કે આજે સેકન્ડોમાં દુનિયાના કોઈ પણ ખૂણે મોબાઈલ પર વાત થાય કે ટીવી પર દ્રશ્ય દેખાય કે નેટ પર ડિસ્કશન થાય એ કનેકટેડ ગ્લોબલ વર્લ્ડમાં પણ હજુ આપણે ત્યાં જયલલિતાથી મમતા, અડવાણીથી રાજ ઠાકરે, માયાવતીથી મુલાયમ, યેદીરૃપ્પાથી જગન રેડ્ડી, બાદલથી ચૌટાલા, કેશુબાપાથી નીતિશ, શરદ પવારથી શરદ યાદવ તમામને માઠું લાગ્યા કરે છે. બધાના રિસામણા - મનામણામાં કામ કરવાની અડધોઅડધ ઊર્જા ખર્ચાતી જાય છે. સંકળાયેલા હોવા છતાં આપણે જોડાયેલા નથી. કોઈ અશોક, કોઈ અકબર, કોઈ ગાંગુલી, કોઈ ધોની પોતાના વ્યક્તિવના પ્રભાવથી દાબમાં ન રાખે તો આપણે કોઈ પણ ક્ષેત્રે ટીમ ઈન્ડિયા બની શકતા નથી. અંબાણી બંધુઓ ધંધાના બે કટકા કરી નાખે છે. શાહરૃખ ખાન- સલમાન ખાન સાથે બેસી શકતા નથી.

અને જે વખતે આવી કોઈ ટેકનોલોજી નહોતી. લડવા માટે સૈનિકો પણ મોકલવા પડે તો વહાણમાં આવતા મહીનાઓ જતા રહેતા પ્લેન કે ફોનની કલ્પના પણ નહોતી ત્યારે ઉપરથી આદેશ આવતા પણ જમાનો થઈ જતો ત્યારે ઓલમોસ્ટ બસ્સો વર્ષ સુધી વતનથી સાત સમંદર અંગ્રેજોએ લંડનના રાજા / રાણી કે સંસદના ઈશારે આ દેશ પર રાજ કર્યું, એમાં કદી બળવો થયો/ કોઈ વાઈસરોય અસંતુષ્ટ કે દગાખોર નીવડીને ભારતના રાજને પોતાના અંગત ગજવા ભેગું કરવા મેદાને પડયો? ૫૬૫ રજવાડાંઓ છેક સુધી માંહોમાંહ લડયા કર્યા, પણ બે ઉચ્ચ અંગ્રેજ સત્તાધીશો કદી અંદરોઅંદર લડીને ક્રાંતિકારીઓના હાથા બન્યા? કોઈ જયચંદ - મીરજાફર - આંતરી - માનસિંહ એમાં પેદા થયા?
તાળવામાં કારેલાની કડવાશ ચોંટી જાય તો ય કબૂલવું પડે (એના વિના તો સુધરવાનો ચાન્સ જ નથી) એવું આ નગ્ન અને નક્કર સત્ય છે. એક વરસમાં તો અન્ના- અરવિંદના અહીં વગર સત્તાએ ઈગોના ટકરાવમાં માઠું લાગતા બે ફાડિયા થઈ જાય છે - અને સામસામે વિશ્વયુધ્ધ લડેલા દેશો 'યુરોપિયન યુનિયન' બનાવી એક કરન્સી ટકાવવા પ્રયત્નો કરે છે! પશ્ચિમની સકસેસનું રાઝ છે ઃ ટીમવર્ક. એકબીજા સાથે હળીમળી, પર્સનલ ઈગો સાઈડ પર રાખી, કોમન ગોલ પોતાનું બેસ્ટ આપવાનું આરણ એકબીજા પરનો ભરોસો અને મજાક કે દલીલોને અંગત કડવાશને બદલે જાહેર હળવાશથી લેવાનું વલણ!
આપણે ટોળું છીએ, ટીમ નથી!
* * *
આપણા જેવા જ મુઘલો - ગુલામવંશ વગેરે શહેનશાહો - નવાબો (અફ કોર્સ, અપવાદો બાદ કરતા) અંદરો અંદર આમ જ કપાઈ મૂઆ. નબળા થતા ગયા. ઉત્તર - દક્ષિણ, આર્ય - દ્રવિડ, સવર્ણ - દલિત, હિન્દુ - મુસ્લીમ, આ બધા ભેદ ઉભા કરીને માઠું લગાડી લગાડી પેઢી દર પેઢી વેરઝેરના પાળિયા બનાવતા જવાની પૂર્વની આદત બહુ પુરાણી છે. અરબસ્તાન હોય, ચીન હોય, આજે ય ઘણાને લગ્નમાં કંકોત્રી ન મળે, તો માઠું લાગે છે. મારી જ કેમ બાદબાકી? પછી એમના મંડપમાં મનામણા ચાલે છે. તો વળી ઘણા વ્યસ્ત હોય કે મૂડ ન હોય ને કોઈ પ્રસંગે હાજરી ન પુરાવે તો આમંત્રણ આપનારને ય માઠું લાગી જાય છે.'' થઈ ગયો મોટો માણસ, અભિમાની!'' જેવા લેબલ ચિપકાવતી વખતે એમને અહેસાસ પણ નથી થતો કે આ એમનો ઘવાયેલો ઈગો બોલી રહ્યો છે, કારણ કે સામે ચાલીને આમંત્રણ એમણે આપ્યું હતું, પેલી વ્યક્તિએ માંગ્યુ નહોતું! તમે કોઈકના ઘરમાં ઘૂસો કે એને ફોન - મેસેજીઝ તમારા કામ માટે કર્યા કરો, અને વિવેક મૂકીને પરેશાન માણસ મોં પર તમને ચોખ્ખું કહે કે આ બરાબર નથી - તો માઠું લાગીને જાહેરમાં ભેંકડો તાણે!
વાતવાતમાં લાગણી દુભાઈ જવી એ આપણો રાષ્ટ્રીય રોગ છે. પેલી ચેતવવા ગયેલી સુગરીના પીંછા ખેરવી લેતા તોફાની વાંદરાઓની માફક જે કોઈ રોકડું સત્ય આકરી ભાષામાં પરખાવે (જે કામ કાનૂન અને શિક્ષણની વ્યવસ્થાએ કરવાનું હોય, પણ એ કયારેય નથી કરતી હોતી એટલે કોઈક હૈયાફૂટો પરોપકારે કરવા જાય!) એના પીછાં ખેરવી લેવા માટે પેટબળ્યાઓ તૈયાર જ હોય છે. ટેકનોલોજીને કારણે અભિપ્રાયશૂરાઓનો કોલાહલ વધી ગયો છે, એમાં સત્યની સૂરાવલિઓ ખોવાઈ જાય છે. લાયકાત વિના, અભ્યાસ વિના, સજ્જતા વિના ભિન્ન મત (ડિફરન્સ ઓફ ઓપિનિયન)ના નામે વાહિયાત મત (ઓપિનિયન ઓફ ડમ્બ ડફર) આપવા જાવ અને કોઈ રોકે-ટોકે તો ઈગો ઘવાતા માઠું લાગી જાય! કોઈની પર્સનલ બાબતમાં જાણ્યા સમજયા વિના કૂતુહલ કે કિન્નાખોરીથી નાક ખોસવા જાવ, કોઈ ઔકાત કે હૈસિયત વિના પોતાના ચુકાદા આપવા જાવ અને સામો એવો જ વળતો જવાબ યોગ્ય રીતે 'શઠમ પ્રતિ શાઠમ'ની શૈલીમાં મળે, તો પોતાની ભૂલની આંતરખોજ કરવાને બદલે કાયમી માઠું લાગી જાય!
ગર્લફ્રેન્ડનો બર્થ ડે ભૂલો કે હસબન્ડની ગરમ રોટલી ભૂલો તરત અહમની ધમાધમ થવા લાગે. કોઈ પોતાની ટેલન્ટ, તપ અને તૈયારી પર લોકપ્રિય થાય તો ઈર્ષાને લીધે અન્ય સહધર્મીઓનો ઈગો ઘવાઈ જાય અને એ એની વિરૃધ્ધ પડવા લાગે. કલાસમાં ટીચરને કે ઓફિસમાં બોસને તેજસ્વી અને સમજુ સ્ટુડન્ટ કે એમ્પ્લોયી જરાક એમની માન્યતાથી જુદી સાચી હકીકત કહેવા જાય, એમાં તો ઉપરીઓ એને દુશ્મન માનીને આજીવન દાઢમાં રાખે! સતત આજ્ઞાાંકિત રોબોટ બનીને નીચી મૂંડીએ હાએહા કરી ચરણોમાં બેસો તો ગુરૃજીઓ, શેઠિયાઓ, આગેવાનો વાહ વાહ કરી ખભો થાબડે - પણ જરાક ખુશામત છોડી ખુલ્લા દિલથી વાત કરો કે સમકક્ષ બેસવાની કે પોતાની જાતમહેનતે પણ આગળ નીકળવાની કોશિશ કરો તો શામત આવી જાય તમારી! બરડા પર ધબ્બો પડવાને બદલે પીઠ પર ખંજર ભોંકાઈ જાય!
કોન્સ્ટેબલ નિયમ મુજબ બાઈક રોકવા જાય તો બાઈકસવારનો ઈગો ઘવાતા 'હું કોણ છું?' ના રાજાપાઠમાં આવી જાય ગાડીવાળો ખોટી રીતે તોડ કરતા પોલિસ અફસરને સભ્યતા શીખવાડવા જાય તો ઓફિસરની કમાન છટકતા એ ગરમ ભજીયું થઈ જાય!
જરાક ટકોર કરો તો પાડોશીને માઠું લાગે, થોડીક છૂટછાટ લો તો પ્રેમીને માઠું લાગે, થોડાક અંદરથી હો એવા બોલ્ડ-રંગીન બનો તો પ્રેમિકાને માઠું લાગે. મજબૂરી હોય ને કોઇનું કામ કરવાની ના પાડો કે દબાણ-ટેન્શનમાં માનવસહજ રીતે એ ભૂલી જાવ તો ભાઇબંધને માઠું લાગે!
મિત્રો હોય ત્યાં અપેક્ષાઓ વધુ હોય એ સ્વાભાવિક છે. પણ એ જ મિત્રને એની બધી મર્યાદા સહિત પરાણે નહિં, પણ પ્રેમથી સ્વીકાર્યો હોય- એના માટે દોડાદોડીને સેલ્ફલેસલી દસ કામ કર્યા હોય એ એને યાદ ન આવે- પણ એક સોંપેલુ કામ આપણા પોતાના કામની માફક જ એનું રહી જાય તો સેલ્ફિશલી એ યાદ રાખી એની બળતરાના ધુમાડા ફેલાવી મોં ફુંગરાવ્યા કરે. માઠું લાગી જાય એ મિત્ર કેવો? ને મિત્રતા હોય તો એમાં સ્વમાન હોય- અભિમાન ટકે જ કેવી રીતે?
કોઇ દેશની નબળાઇઓ અંગે પ્રામાણિક ફરિયાદ કરે તો (એ ખામી બદલાવવાને બદલે) દેશભકતો માઠું લગાડે, કોઇ ધર્મની જડ પરંપરામાં આધુનિક સુધારાની માંગ કરે તો અતિશ્રદ્ધાળુ ભયભીત ઘેંટાઓ માઠું લગાડે. કોઇ ફિલ્મ કે નાટકની સાચી સમીક્ષા કરે તો ઇગો ઘવાઇ જતાં મેકરને માઠુ લાગી જાય અને ખાર રાખે. કોઇ ખોટી વાતની મજાક ઉડાડે તો ખોટી વ્યકિતને  વળી સાચું માઠું લાગે! વાચક લેખક માટે એલફેલ બોલી જાય, પણ લેખક  વળતો જવાબ આપે તો વાચકને માઠું લાગે! બધા જ ખેલદિલીની વાતો બીજાઓ  માટે કરે, પણ પોતા પર જરાક કટાક્ષની ધાર ફરે કે લોહી ફૂટી નીકળે  આંખોમાં અને કૂતરાઓ જેવી ભસાભસ કરતા કરડવા દોડી પડે! ટૂંકમાં, અહીં  ઓનેસ્ટી એટલે બેસ્ટ સ્યુસાઇડલ પોલિસી. દંભમુક્ત થયા કે ગયા ગાજતા!  ગોળ ગોળ વાતો કરવાની, સુષ્ઠુ સુષ્ઠુ વિનયની આમાન્યા રાખવાની.  વડીલોની વાહવાહ કરી પગે લાગવાનું અને નવીનતાને વખોડયા કરી તાળીઓ  મેળવવાની. એટલે બધાનો ઇગો સંતોષાય અને બધાની ગુડબુકમાં તમે રહો.
આપણે આમ જ બીજાઓના જજમેન્ટ લીધા કરતી જજ-મેન્ટલ સોસાયટીનું પાગલખાનું ખોલી નાખ્યું છે, સવા અબજ અ-સભ્યો ધરાવતું!
બધા જ જખ્મોને પંપાળ્યા કરવાની જરૃર નથી હોતી, એને ભૂલીને, હસીને રૃઝાવી દેવા પડે. મુળ આપનો ખાલીપો કે ભૂલ કબુલ નથી કરવી, એનો રોષ ઉતાર્યા કરવો છે. માઠું લગાડયા કરવામાં આપણે જ સમય બરબાદ થતો હોય છે, આપણો જ વિકાસ રૃંધાતો અને આનંદ કપાતો હોય છે. કોઇ આપણા દિમાગમાં આપણા ઘવાયેલા ઇગોના સમપ્રમાણમાં જગ્યા રોકી વગર ભાડે પડયુ રહે છે. હર્ટ થવાની રાડારોળમાં આપણે વગર વાંકે બીજાઓને હર્ટ કરતા ફરીએ છીએ. અને કદી એક-બીજાના ગુણદોષ સ્વીકારી, નાની નાની વાતોમાં હર્ટ થઇ જતાં કરોળિયાના જાળા જેવા સેન્ટિમેન્ટસ બાજુએ મૂકી એક બનીને સંગઠ્ઠિત દેશ બની શકતા નથી! કોઇક આગળ નીકળે, એને પાછળ રાખવામાં જ બહારને બદલે અંદરના આક્રમણથી ખતમ થઇએ છીએ.
સે ગો ટુ સચ ઇગો. થોડુંક મીઠું ય લગાડી જુઓ જીંદગીમાં. પેલા ખારા-કડવા માઠાં લગાડવાના સ્વાદ કરતા સારૃં લાગશે! ભસો નહિં, હસો! અને પોતાની ભૂલ હોય તો એ કબૂલ કરી આઘા ખસો!
ફાસ્ટ ફોરવર્ડ
સંસારના દરેક પિતામહે પોતાના જ માનસપુત્રે તૈયાર કરેલી બાણશય્યા પર સુવાનું હોય છે. (ચિંતન પટેલની આ કોમેન્ટ મહાભારતમાં આદિપર્વમાં યયાતિ વાંચવાનું ચુકી ગયેલા તાતશ્રીને અર્પણ!)

સ્પેકટ્રોમીટર - જ્ય વસાવડા

ઈગોઈસ્ટિક ઈન્ડિયા : માઠું લાગી જવાની માથાકૂટ!