20130314

સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક અને ઐતિહાસિક નગરી દ્વારકા


લોકજીવનનાં મોતી - જોરાવરસિંહ જાદવ

- ૨૦મી સદીની છેલ્લી પચ્ચીસીમાં થયેલા દરિયાઈ પુરાતત્ત્વની શોધખોળ આજની આપણી દ્વારિકાના દરિયામાં ડૂબેલા અવશેષો આશરે દસ હજાર વર્ષ જેટલા જૂના હોવાનું જાણવા મળે છે


મોતીના લુમખા જેવો ચાર ચરણનો દુહો એ લોકસાહિત્યની આગવી ઓળખ છે. આવા નાનકા એવા દૂહા સૌરાષ્ટ્રના લોકો, નગરો, પંથક અને પ્રદેશોનો સરસ મજાનો પરિચય કરાવે છે.
ઝાઝાં ઝાળાં ઝાંખરાં, પથ્થરાનો તો નંઈ પાર
જ્યાં રત્નાકર સદાય ઘૂઘવે, ત્યાં રાજ કરે રણછોડ
અહીં આજે વાત કરવી છે શ્રી કૃષ્ણની ઐતિહાસિક અને સાંસ્કૃતિક નગરી દ્વારકાની. એનો એક પ્રચલિત શ્લોક છે ઃ
અયોધ્યા મથુરા માયા કાશી અવંતિકા પુરી
દ્વારાવતી ચૈવ સપ્તૈતા મોક્ષદાયિકા
ભારત દેશમાં આવેલી મોક્ષદાયક મનાતી સાત નગરીઓમાંની એક પુરાણપ્રસિદ્ધ શ્રીકૃષ્ણની નગરી દ્વારકા છે. દેશના ૬૮ તીર્થો પૈકીનું એક તીર્થ અને ચાર ધામ યાત્રા પૈકીનું એક ધામ દ્વારકા છે. શંકરાચાર્યજીએ ભારતની ચોદિશે સ્થાપેલી પીઠો પૈકીની શારદાપીઠ અહીં આવેલી છે. આનર્તો, કુશ અને યાદવોની પૌરાણિક કર્મભૂમિ તરીકે ઓળખાતી આ નગરી જૂના કાળે કુશસ્થલી, દ્વારાવતી, ઉષામંડલ, બરાકે, વારિદુર્ગ, ધર્મસભાસની, કુશદ્વિપ, કુશાવર્ત, યદુપુરી, હરિગૃહ અને દ્વારકર્ક તરીકે ઓળખાતી હતી. આજે એ દ્વારકા કે દ્વારિકા તરીકે દેશભરમાં સુવિખ્યાત છે. સોમનાથ શિવાલયની માફક દ્વારકાના મંદિરોને અનેક વખત વિધર્મીઓ તથા પ્રાકૃતિક ઉથલપાથલના એરુ આભડી ગયાનું જણાય છે. શ્રીકૃષ્ણે વસાવેલી દ્વારકા પર આજની હયાત દ્વારકા એ છ છ વખત વિનાશ ઉત્થાન પછીનું પરિણામ છે. આજની અડીખમ દ્વારકા કૃષ્ણની યાદોને તાજી રાખવા હજારો ભાવુકોને સાદ દઈને બોલાવી રહી છે. આવો, અહીં હજુ યુગપુરુષ કૃષ્ણના સાત્ત્વિક સ્પંદનો મોજૂદ છે, એને અનુભવો. અહીં મીરા, નરસિંહ, સોમેશ્વર, કવિ ભીમ, ઇશરદાનજી બારોટ ભગવાનના ગુણગાન ગાઈ ગયા છે, જેનાથી પુલકિત વૈષ્ણવ સંપ્રદાયની ફૂલવાડી ચોમેર સુગંધ પ્રસરાવી રહી છે અહીં હજારો દેવતાઓ ગોમતી માતાના નિર્મળ નીરમાં પાદપ્રક્ષાલન કરી રહ્યા છે. અહીં રત્નાકરની મહેર છે. અહીં તુલસીનું પવિત્ર પાન હાજરાહજૂર છે, એમ તાજેતરમાં પ્રગટ થયેલ દ્વારકા ઐતિહાસિક અને સાંસ્કૃતિક ગ્રંથમાં શ્રી સવજી છાયા નોંધે છે.
૨૦મી સદીની છેલ્લી પચ્ચીસીમાં થયેલા દરિયાઈ પુરાતત્ત્વની શોધખોળ આજની આપણી દ્વારિકાના દરિયામાં ડૂબેલા અવશેષો આશરે દસ હજાર વર્ષ જેટલા જૂના હોવાનું જાણવા મળે છે. ભગવાન શ્રીકૃષ્ણની પહેલાં અહીં 'કુશસ્થલી' નામની એક પ્રાચીન નગરી હતી જેના ખંડરો ઉપર આજની દ્વારકા વસાવવામાં આવી છે એવી પૌરાણિક માન્યતા છે, તેને આ અવશેષોથી ટેકો મળે છે. હિન્દુ પુરાણકથાઓ ગપગોળા નથી પણ પોતાની રીતે લખાયેલા ઇતિહાસગ્રંથો છે. વડલાનો વિશાળ ઘટાટોપ એના લાલ લાલ ટેટાના નાનકડા બીજમાં હોય છે તેમ ઇતિહાસના બીજમાંથી પાંગરેલા હરિવંશ, વિષ્ણુપુરાણ, ભાગવતાદિ છે, એમ શ્રી નરોત્તમ પલાણ નોંધે છે.
પ્રાચીન રાજધાનીઓમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા દ્વારકાની ગણતરી સૌરાષ્ટ્રના પાંચ રત્નોમાં થાય છે એમ રસકૌમુદીના કર્તા શ્રીકંઠ કહે છે ઃ
સૌરાષ્ટ્રે પંચરત્નાની, નદી, નારી, તુરંગમ્;
ચતુર્થે સોમનાથશ્ચ, પંચમમ્ હરિદર્શનમ્.
અર્થાત્ ઃ સૌરાષ્ટ્રના પાંચ રત્નોમાં નદી, નારી, અશ્વ, સોમનાથ મંદિર અને દ્વારકા છે. નદી સૌંદર્યનું પ્રતીક છે, નારી સમૃદ્ધિનું પ્રતીક છે. અશ્વ શક્તિનું અને સોમનાથ તથા દ્વારકા ભક્તિનું પ્રતીક છે. દ્વારકામાં થયેલા સંશોધનો દ્વારકાની ઇ.સ. પૂર્વેની પ્રાચીનતાને પ્રસ્થાપિત કરે છે. ઇ.સ.પૂર્વે પ્રથમ સદીમાં લખાયેલ ગ્રીક સાગર કથા 'પેરિપ્લસ'માં દ્વારકાનો ઉલ્લેખ 'બરાકે' તરીકે સાંપડે છે. તે અનુસાર પૌરાણિક દ્વારકા તીક્ષ્ણ ખડકાળ કિનારાવાળા સાત ટાપુના સમૂહનો પ્રદેશ હતો જે કાળક્રમે રેતી તથા પરવાળાના ભરાવાથી તેમજ ધરતીકંપ કે સુનામીની આપત્તિથી એક ટાપુમાં પરિવર્તિત થતો રહ્યો. તેના પર વસેલી કૃષ્ણની નગરીનું સર્જન વિસર્જન તથા પુનઃ સર્જનની પ્રક્રિયા સતત ચાલ્યા કરી છે. અગાઉ અહીં ગોમતી, ઓખા, મીઠી- ખારી, ચરણગંગા અને ચંદ્રભાગા જેવી નદીઓ વહેતી હતી. એમાંની કેટલીક નદીઓ નામશેષ થઈ ગઈ છે અને બાકીની ખારાશના કારણે સમુદ્રનો કેટલોક ભાગ બની ગઈ હોવાનું શ્રી છાયા નોંધે છે.
સૌરાષ્ટ્રનું પ્રાચીન તીર્થ જૂના સોરઠ અને કાઠિયાવાડ દ્વિપકલ્પના છેક પશ્ચિમ નાકા પર આવેલું છે. મથુરામાંથી કંસના મરણ પછી જરાસંધની બીકથી કૃષ્ણે સૌરાષ્ટ્રમાં આવી દ્વારકા નગર સ્થાપ્યું. પ્રભાસ અને ગિરિનગર જેટલું આ શહેર જૂનું છે એમ ભગવદ્ગોમંડલ નોધે છે ભાગવત અનુસાર બાર યોજનાના ઘેરાવાની નગરી સમુદ્રની વચ્ચે કૃષ્ણે બાંધી હતી જેની શિલ્પકળા અદ્ભુત હતી. આ નગરીમાં અંદર અને બહાર અનેક બગીચાઓ હતા જેમાં ગગનસ્પર્શી અટારીઓ, સુવર્ણકળશો અને સ્વચ્છ અગાસીઓવાળા નવ લાખ પ્રાસાદો હતા જ્યાં ખીલેલા કમળોવાળાં અનેક સરોવરો હતા. જેમાં છપ્પનકોટિ યાદવો વસતા હતા તે દ્વારાપુરી ક્યાં ને આજની અબોટી બ્રાહ્મણ, વાઘેર, રાજગોર બ્રાહ્મણ, ખારવા, રબારી, ચારણ, આહીર, લોહાણા, ગુગળી બ્રાહ્મણો, મુસ્લિમ ભડાલાની માનવ વસ્તીવાળી દ્વારકા નગરી ક્યાં ?
પુરાણો કહે છે તેમ જૂના કાળે જ દ્વારકાનો સમુદ્રથી કે બીજા કોઈ કારણથી નાશ થયો હોવાનું કહેવાય છે. આ રીતે સમુદ્રની હદ આગળ પાછળ થયાના બીજા દાખલા કાઠિયાવાડના ઇતિહાસમાંથી મળી આવે છે. ઇ.સ. ૫મા શતકમાં વલ્લભીપુર સુંદર બંદર હતું. આજે એ સ્થળ સમુદ્રથી ઘણે માઇલ દૂર છે. દીવ આજે બેટ છે બારસો વરસ ઉપર એ દ્વિપ મુખ્ય જમીન સાથે જોડાયેલો હતો. સમુદ્રના આવા ફેરફારોમાં જૂનું દ્વારકા આવી ગયું હોય તો એ સંભવિત છે. સાહિત્યના પુરાવાના આધારે જણાય છે કે વિ.સં. ૧૨૦૦ પછી દ્વારકા વૈષ્ણવ તીર્થરૃપે સવિશેષ પ્રસિદ્ધિ પામ્યું હોવાનું જણાય છે. જૂનું મૂળ દ્વારકા ગિરનાર પાસે જૂનાગઢની જગ્યાએ હતું એમ કેટલાકનું માનવું છે. શ્રીમદ્ ભાગવત સ્પષ્ટ કહે છે કે, હરિએ તજેલી દ્વારકાને સમુદ્રે એક ક્ષણમાં ડૂબાડી દીધી, માત્ર ભગવાનનું ઘર બાકી રાખ્યું. એમ પણ કહેવાય છે કે ભગવાન મનુના પુત્ર યયાતિને સુકન્યા નામની એક પુત્રી અને ઉત્તાનબર્હિ, આનર્ત અને ભૂરિષેણ નામના ત્રણ પુત્ર થયા. આનર્તના પુત્ર રેવતે સમુદ્રની વચ્ચે નગર સ્થાપીને તેમાંં પોતાની રાજધાની કરીને આનર્ત દેશ ઉપર રાજ્ય કર્યું. આ રેવતે સ્થાપેલી નગરી કુશસ્થલી તે જ દ્વારકા પુરી. ભગવદ્ ગોમંડલ નોંધે છે કે આધુનિક ઐતિહાસિક દ્રષ્ટિએ વિચાર કરીએ તો એમ લાગે છે કે આનર્તમાં આર્યો આવ્યા ત્યાર પહેલા રેવત તરફ ગયા. રેવત એ ગિરનારનું એક નામ છે. કાઠિયાવાડમાં ઘણા જૂના કાળથી ગિરનાર પ્રસિદ્ધ છે. પહેલી વસ્તી રેવત એટલે ગિરનારની તળેટીમાં થઈ હશે અને ત્યાંથી વસ્તી રેવતી કે દ્વારકા ગઈ હશે ! ત્યાં સઘળા યાદવો સહિત કૃષ્ણ અને બળરામ રહેતા હતા. પ્રથમ તો આ નગરી જમીન ઉપર હતી પણ જરાસંધ અને કાળયવન આવી આવીને ઉપદ્રવ કરતા હતા. તેથી કૃષ્ણે વિશ્વકર્માની પાસે એને સમુદ્રમાં કરાવી દીધી. એનો વિસ્તાર બાર યોજન હોઈને શોભાયમાન નગરી હતી. કૃષ્ણના સ્વધામ સિધાવ્યા પછી સાતમે દિવસે એને સમુદ્રમાં બોળી દીધી હતી એમ મનાય છે.
દ્વારકામાં વહેતી નદી દ્વારકાધીશના પાદપ્રક્ષાલન કરતી વહે છે. આ નદી જે સ્થળે સમુદ્રને મળે છે તે સ્થળને ગોમતી તીર્થ કે સંગમ તીર્થ કહે છે. દરિયામાં ભરતી આવે છે ત્યારે ગોમતીમાં પાણી ચડે છે એ વખતે તેનો દેખાવ સરોવરસમ બની જાય છે, અને જ્યારે ઓટ આરંભાય છે ત્યારે ગોમતી નદીની જેવી વહેતી નદી બની જાય છે. નદીને શહેર તરફને કાંઠે પથ્થરનો એક સુંદર ઘાટ બાંધેલો છે. મંદિરના પાછળના ભાગેથી પગથિયા ઉતરીને ઘાટ પર સ્નાન દર્શન માટે જઈ શકાય છે. આ ઘાટ ઉપર દેવદેવીઓના મંદિરો આવેલા છે. દ્વારકામાં જોવા લાયક દર્શનીય સ્થળોમાં મુખ્ય રણછોડરાયજીનું મંદિર છે. આ મંદિર શ્રી કૃષ્ણના પૌત્ર વજ્રનાભે બંધાવ્યાનું કહેવાય છે. દંતકથા એમ પણ કહે છે કે એ મંદિર વિશ્વકર્માએ પોતે એક રાત્રિમાં આવીને બાંધી દીધું હતું.
દ્વારકાના દરિયાકાંઠે આવેલું રણછોડરાયનું મંદિર ૨૫૭ ફૂટની ઉંચાઈ ધરાવે છે. જેના શિખરની ઉંચાઈ ૧૦૦ ફૂટ ઉપર છે. કોઈ એને જગતમંદિર તરીકે ઓળખે છે તો કોઈ એને ત્રૈલોક્ય સુંદર મંદિરના નામે ઓળખે છે. મંદિરના સ્થાપત્ય કાળ વિશે વિદ્વાનોમાં મતભેદ પ્રવર્તે છે. મંદિરનો મૂળ ભાગ મૈત્રકકાલીન હોવાનું જાણીતા ઇતિહાસવિદ્ ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી માને છે. તો માથા પર મોરમુગટવાળા શિલ્પોમાં શ્રી પુષ્કર ગોકાણી આર્યશૈલીની અસર જુએ છે. ઇ.સ. ૧૪૫૯માં સુલતાન મહમંદ બેગડાની ચડાઈ વખતે દ્વારકાના અનેક મંદિરોનો નાશ કરવામાં આવ્યો હતો ત્યારે આ મંદિરના શિખરનો પણ ધ્વંસ કર્યાનું બની શકે. પછીના કાળમાં આ શિખર બંધાયું હશે તેમાં કોઈને અકબરકાલીન સ્થાપત્યનું સ્વરૃપ દેખાય છે તો કોઈને ગુજરાત રાજસ્થાનના રાજપૂત સ્થાપત્યની ઝલક જોવા મળે છે એમ શ્રી સવજી છાયા નોંધે છે.
વૈષ્ણવ સંપ્રદાયના આ સ્થાપત્યએ સૌરાષ્ટ્રની રાજપૂત શૈલીનો સુવર્ણયુગ જોયો છે. પુરાતત્ત્વવિદો મંદિરને બે ભાગમાં વહેંચે છે. ૧. નિજમંદિર અને ૨. લાડવાદહેરુ. નિજમંદિર ૭ માળ ધરાવે છે, જ્યારે લાડવા દહેરુ પાંચ માળનું છે. મંદિર ઉગમણે આથમણે ૯૦ અને ઓતરદખ્ખણે ૭૨ ફૂટનો ઘેરાવો ધરાવે છે. મંદિરના સમગ્ર બાંધકામમાં ક્યાંય લાકડું કે કમાનનો ઉપયોગ થતો નથી. કમાનની જગ્યાએ લીન્ટલ લેવલે ૨ ટનની શિલાનો ઉપયોગ થયો છે. મંદિર સ્થાપત્ય વિદ્યાની એક અજાયબી ગણાય છે. મંદિરની બહારની જંઘામાં વૈષ્ણવ સંપ્રદાયના અનેક અવતારોના શિલ્પ જોવા મળે છે. મજાની વાત એ છે કે કેટલાક શિલ્પો ગ્રીક અને ઇરાનના સ્થાપત્યની અસરો પણ ધરાવે છે. મંદિરના ગર્ભગૃહમાં ઘેરા લીલા પારેવા રંગની દ્વારકાધીશની અઢી ફૂટની ઉંચાઈ ધરાવતી ચતુર્ભુજ મનમોહક પ્રતિભા આરૃઢ છે હાલમાં પૂજાતી આ પ્રતિમા શંકરાચાર્ય અનિરુદ્ધાચાર્યે ડુંગરપુરથી લાવીને પધરાવેલી છે. દ્વારકાના જગતમંદિરમાં પ્રથમ પૂજાયા બાદ અન્ય ત્રણ પ્રતિમાઓ સ્થળાંતર થઈ હાલ જુદા જુદા મંદિરોમાં પૂજાઈ રહી હોવાની કિંવદંતીઓ વૈષ્ણવોમાં કહેવાય છે. ઇ.સ. ૧૧૫૬માં ડાકોરના વતની રાજપૂત વિજયસિંહે (ભક્ત બોડાણા) દ્વારકાધીશ મંદિરના ગર્ભગૃહની પ્રતિમા લઈ ડાકોરના રણછોડરાયજીના મંદિરમાં પ્રસ્થાપિત કરી હતી. તે સૌથી વધુ પ્રાચીન ગણાય છે. બીજી પ્રતિમા ઈ.સ. ૧૪૪૪માં ભક્તકવિ નરસિંહ મહેતાના કાકા પર્વત મહેતાએ દ્વારકાધીશના ગર્ભગૃહેથી લઈ માંગરોળમાં સ્થાપિત કરી હતી. ત્રીજી મર્તિ ૧૫૦૫માં શ્રીમદ્ વલ્લભાચાર્યની દ્વારકા પરિક્રમા દરમ્યાન લાડવા ગામની સીમમાંથી મળેલી તે દ્વારકા મંદિરમાં પ્રથમ સ્થાપિત કરેલી એ આજે બેટ શંખોદ્વારના નવનિર્મિત મંદિરમાં પધરાવવામાં આવી છે.
દ્વારકાધીશની પૂજા કરાવવાનો અધિકાર ગૂગળી બ્રાહ્મણો ધરાવે છે. મંદિરની ધજા ચડાવવાની વિધિ અને પૂજા અને ગોમતી તીરે યાત્રાળુઓને સ્નાન સંકલ્પ ગૂગળી બ્રાહ્મણો દ્વારા જ કરાવાય છે. માતા ગોમતી મનવાંચ્છિત ફળ આપનાર મનાતી હોવાથી જૂના કાળે કોલવા ભગત, નરસિંહ મહેતા, મીરાંબાઈ, કબીર, ભક્ત બોડાણા, પીપા ભગત અહીં આવીને ગોમતી સ્નાન કરી  ગયા હતા એવી લોકમાન્યતા પણ જાણીતી છે.
જગત મંદિરના પરિસરમાં ત્રિવિક્રમરાયજી, માધવરાયજી, દેવકીજી, બલદેવજી, ગુરૃ દત્તાત્રેય, પુરુષોત્તમરાયજી, ગાયત્રીજી, અંબાજી, કલ્યાણરાયજી, વેણી માધવરાયજી, ગોમતીજી, સમુદ્ર નારાયણ, ચક્ર નારાયણ, શામળશા, નૃસિંહજી, બળદેવજી, સત્યનારાયણ, હનુમાનજી વગેરેના મંદિરો આવેલા છે. અહીં દ્વારકાધીશજીની પૂજા જુદી જુદી રીતે બે પ્રકારે કરવામાં આવે છે. ૧. વૈષ્ણવ વૈદિક શાસ્ત્રોક્તવિધિ પ્રમાણે અને બીજી દ્વારકાના રાજાધિરાજ તરીકે. તેમાં રણછોડરાયજીને રજવાડી સાફો, ઢાલ, તલવારના શણગારો ચડાવવામાં આવે છે. દ્વારકા રાજાધિરાજનું આ સુંદર સ્વરૃપ ભક્તોના હૃદયમાં આનંદના ઓઘ ઉછાળે છે.
ભગવાન શ્રીકૃષ્ણના સમયની દ્વારકાનું નિશ્ચિત સ્થાન કયું હતું તેની શોધખોળ ચાલુ છે. કેટલાક પુરાતતત્ત્વવિદો એવું અનુમાન કરે છે કે યાદવો પ્રભાસ ક્ષેત્રમાં શાપના નિવારણ અર્થે જાય છે ત્યારે દ્વારકાથી પ્રભાસ જવા માટે સમુદ્ર અને ભૂમિમાર્ગ હતો. બલભદ્રની ખાસ પસંદગીનું સ્થાન ગિરનાર પ્રદેશ હતો ત્યાં અવારનવાર પોતે સહકુટુંબ નિવાસ કરતા તેથી તેવું માનવામાં આવે છે કે દ્વારકાની નજદીકમાં ગિરનાર પર્વત હોવો જોઈએ. શ્રીકૃષ્ણે રુક્મિણીનું હરણ કર્યા પછી દ્વારકામાં લગ્ન કર્યા તેવો ઉલ્લેખ છે. આજે ય માધવપુરમાં સમુદ્રકિનારે શ્રીકૃષ્ણ- રુક્મિણીના લગ્નનો ઉત્સવ મેળારૃપે ઉજવાય છે.
છેલ્લે દ્વારકા સાથે જોડાયેલી કહેવતો પર એક નજર. ૧. અઠે દ્વારકા. અહીં જ ધામા નાખવા ૨. દ્વારકાની છાપ - એકાદ સારા કામની નિશાની. દ્વારકાની જાત્રા કર્યા બદલની નિશાની. જૂના કાળે દ્વારકાની યાત્રાએ આવતા યાત્રાળુઓ ગોમતી નદીમાં નાહીને મંદિરમાં જઈ હાથે દ્વારકાની છાપ લેતા. એ છાપ મારવા લોઢાના છાપા રહેતા તેના ઉપર શંક, ચક્ર, પદ્મ એવા આકારો રહેતા. એ છાપને તપાવીને હાથ ઉપર દાબે એટલે ડામ પડી જતો એ કોઈ દિવસ જતો નહીં. ખાસ કરીને વેરાગી લોકો આવી રીતે છાપ લેતા એ બતાવવા માટે કે અમે દ્વારકાની જાતરા જુહારી આવ્યા છીએ.
દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષપદે આવ્યા પછી શ્રી પરિમલ નથવાણીએ મંદિરના પરિસરમાં અદ્યતન સુવિધા ઉભી કરી હોવાથી યાત્રાળુઓની સુવિધા ખૂબ વધી છે. મંદિર દર્શનીય રમણીય યાત્રાસ્થળ બની રહ્યું છેેે.

-Gujarat Samachar