20130317

પ્રેમનો પગરવ – ડૉ. આઈ. કે. વીજળીવાળા


[1] સ્વ-મૂલ્યાંકન
અગિયારેક વરસનો એક છોકરો પરદેશના એક સ્ટોરમાં દાખલ થયો. દુકાનદાર સાથે નમ્રતાથી વાત કરીને સિક્કાવાળો ફોન વાપરવાની મંજૂરી માગી. દુકાનદારે હા પાડી. છોકરાના હાથ મેલા અને ખરાબ હતા એટલે એ સ્પીકર ફોન પર વાત કરતો હતો. અન્ય કોઈ ગ્રાહક એ સમયે સ્ટોરમાં હાજર ન હોવાથી દુકાનદાર એની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો. સામા છેડે કોઈ સ્ત્રી વાત કરી રહી હતી.
છોકરાએ કહ્યું : ‘મૅડમ ! તમે મને તમારી લૉન કાપવાનું કામ આપી શકો ખરાં ?’
સામે છેડેથી સ્ત્રીનો અવાજ આવ્યો, ‘નહીં ભાઈ ! લૉન કાપવા માટે મેં માણસ રાખી લીધેલ છે.’
છોકરો બોલ્યો : ‘મૅડમ ! અત્યારે તમારે ત્યાં જે કોઈ કામ કરતું હોય એના કરતાં અડધી કિંમતે હું લૉન કાપી આપીશ !’
સામે છેડેથી સ્ત્રીએ કહ્યું : ‘ના ભાઈ ! હાલ મારી લૉન કાપવાનું કામ જે કરે છે તેનાથી મને કોઈ જ ફરિયાદ નથી !’
છોકરાએ કહ્યું : ‘મૅમ ! લૉન કાપવાની જોડાજોડ હું તમારો રસ્તો પણ વાળી આપીશ અને એ પણ કોઈ વધારાના ચાર્જ વગર !’
પેલી સ્ત્રીએ જવાબ આપ્યો : ‘ના ભઈ ! આભાર ! મારે હમણાં બીજી કોઈ વ્યક્તિની જરૂર નથી ! મારા રોકેલા માણસથી મને પૂરો સંતોષ છે.’
આટલી વાતચીત પતાવીને ખુશખુશાલ ચહેરે એ બાળકે ફોનનું સ્પીકર બંધ કર્યું. દુકાનદારનો ફરી એક વાર આભાર માનીને એ બહાર જવાની તૈયારી કરતો હતો એ જ વખતે દુકાનદારે એને પાસે બોલાવ્યો. એની બધી વાતચીત સાંભળીને એ પણ ખુશ થઈ ગયો હતો. પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી તો પણ છોકરાના ચહેરા પર નિરાશાની કોઈ રેખા નહોતી આવી કે એ જરાય ઉદાસ પણ નહોતો થયો. ટૂંકમાં, એની એ ખુમારી એને સ્પર્શી ગઈ હતી. છોકરો પાસે આવ્યો એટલે દુકાનદારે કહ્યું : ‘છોકરા ! પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી તો પણ તું ખુશ રહી શક્યો એ વાત જ મને ખૂબ સ્પર્શી ગઈ છે. એણે ભલે ના પાડી, પરંતુ હું તને કામ આપવા તૈયાર છું. બોલ, મારે ત્યાં કામ કરીશ ?’
પેલા છોકરાએ હસતાં હસતાં ના પાડી.
દુકાનદારને અત્યંત નવાઈ લાગી. એણે કહ્યું : ‘પણ દીકરા ! હમણાં તો તું પેલી સ્ત્રીને કામ માટે રીતસરની આજીજી કરી રહ્યો હતો ! કામ નહોતું જોઈતું તો પછી એવું શા માટે કરતો હતો ?’
છોકરો હસતાં હસતાં બોલ્યો : ‘નહીં સર ! હું જ એ મૅડમને ત્યાં કામ કરું છું. આ તો મારું કામ કેવું છે એ તપાસવા માટે જ મેં એમને ફોન કરેલો ! જેથી કરીને મારા કામ અંગે મને ખ્યાલ આવે !’ દુકાનદારને એક નિર્દોષ સ્મિત આપીને એણે વિદાય લીધી.
દુકાનદાર એને જતો જોઈ રહ્યો અને ક્યાંય સુધી એ છોકરાની સ્વ-મૂલ્યાંકનની રીતને બિરદાવતો રહ્યો !
[2] બિસ્કિટ્સનું પડીકું !
એક મોટા ઍરપૉર્ટની વેઈટિંગ લૉન્જમાં એક યુવતી બેઠી હતી. એની ફલાઈટને હજુ વાર હતી. કદાચ થોડા કલાક સુધી એમ જ બેસવું પડે એવું પણ બની શકે એમ લાગતું હતું. સમય પસાર કરવા માટે એ યુવતીએ ઍરપૉર્ટના સ્ટોલ પરથી એક પુસ્તક અને સાથોસાથ બિસ્કીટનું એક પડીકું પણ લઈ લીધું, જેથી વાંચતાં વાંચતાં બિસ્કીટનો સ્વાદ પણ માણી શકાય. ઍરપૉર્ટના વીઆઈપી રૂમમાં સરસ મજાની લાંબી ખુરશીઓ શોધીને એ બેસી ગઈ. પગ લાંબા કરીને પડ્યાં પડ્યાં એણે પુસ્તક વાંચવાની શરૂઆત કરી. પોતાનું પર્સ બાજુમાં મૂક્યું. એ જ વખતે બાજુની ખુરશીમાં એક યુવાન આવીને બેઠો. એના હાથમાં એક મૅગેઝિન હતું. લાંબા થઈને એણે પણ વાંચવાની શરૂઆત કરી.
પેલી યુવતીએ વાંચતાં વાંચતાં એક બિસ્કીટ ઉપાડ્યું. એની નવાઈ વચ્ચે પેલા યુવાને પણ પૅકેટમાંથી એક બિસ્કિટ લીધું. એ યુવાનની આ હરકતથી યુવતીને સખત ગુસ્સો ચડ્યો. એ કંઈ બોલી નહીં, પરંતુ મનમાં ને મનમાં બબડી, ‘કેવો નફ્ફટ છે ? બીજાના પૅકેટમાંથી બિસ્કિટ લેતાં પહેલાં પૂછતો પણ નથી !’ એણે ફરીથી એક બિસ્કિટ લીધું. પેલા યુવાને પણ એક બિસ્કિટ ઉપાડ્યું. હવે યુવતીને વધારે ગુસ્સો આવ્યો, પરંતુ એ પછી તો જાણે કે આ ક્રમ જ બની ગયો. પેલી યુવતી એક બિસ્કિટ લે અને તરત જ પેલો યુવાન પણ એક બિસ્કિટ ઉઠાવે ! પેલી યુવતીને અત્યંત ગુસ્સો ચડ્યો હતો, પરંતુ એ કંઈ બોલતી નહોતી. પૅકેટમાં જ્યારે છેલ્લું બિસ્કિટ વધ્યું ત્યારે પેલી યુવતીએ વિચાર્યું કે, ‘જોઈએ તો ખરા, હવે આ નફ્ફટ માણસ શું કરે છે ?’ પેલા યુવાને છેલ્લું બિસ્કિટ ઉપાડ્યું, બરાબર વચ્ચેથી એના બે ટુકડા કર્યા. એક ટુકડો પોતે લીધો અને બીજો એણે આ યુવતીને આપ્યો. હવે એ યુવતીથી ન રહેવાયું. એનાથી વધારે સહન થાય એમ નહોતું. એને લાગતું હતું કે પેલા યુવાને બેશરમીની બધી હદ વટાવી દીધી હતી, પરંતુ એણે નક્કી કર્યું કે ઝઘડો કરીને ભૂંડા લાગવા કરતાં પોતે જ ત્યાંથી જતા રહેવું. પોતાની ચોપડી, પર્સ તેમ જ અન્ય સામાન લઈને એ ઊભી થઈ ગઈ.
બરાબર એ જ વખતે એની ફલાઈટના પેસેન્જર્સને વિમાનમાં જવાનો આદેશ મળ્યો. સમગ્ર બનાવથી એ હજુ પણ ધૂંધવાતી હતી. જતાંજતાં એણે પાછળ જોયું તો પેલો યુવાન એની સામે જોઈને હસતો હતો, ‘નફફટ !’ એવું મનમાં જ બોલીને એ પોતાની ફલાઈટમાં જવાના ગેઈટમાં દાખલ થઈ ગઈ. વિમાનમાં પોતાની સીટ પર બેઠા પછી એને બારીની બહારનું દશ્ય જોવા માટે પોતાનાં ચશ્માંની જરૂર પડી. પર્સ ખોલીને ચશ્માં માટે એણે અંદર નજર નાખી તો એની આંખો પહોળી થઈ ગઈ. એના આશ્ચર્યનો પાર ન રહ્યો. એનું પોતાનું બિસ્કિટનું પૅકેટ તો એમાં જ પડ્યું હતું. સાવ એમ જ ! તોડ્યા વિનાનું !
હવે એને પોતાની જાત પર અત્યંત શરમ વછૂટી. અત્યારે છેક એને ખ્યાલ આવ્યો કે પેલો યુવાન પોતાનામાંથી નહીં, પરંતુ પોતે જ અત્યાર સુધી એના પડીકામાંથી ખાઈ રહી હતી. પોતે અત્યાર સુધી ઊંધું સમજીને પેલા યુવાન પર ગુસ્સે થતી રહી હતી. અરે ! મનમાં ને મનમાં એને ગાળો પણ ભાંડી લીધી હતી. જ્યારે પેલો યુવાન તો ગુસ્સે પણ નહોતો થયો. એણે અણગમો પણ નહોતો દેખાડ્યો. છેલ્લું બિસ્કિટ પણ એણે તો અડધુંઅડધું કરીને ખાધું હતું. એટલા સરસ માણસને પોતે બેશરમ અને નફફટ ગણી રહી હતી. હકીકતમાં તો પોતે જ કેટલી છીછરી પુરવાર થઈ હતી ! એને ખૂબ જ પસ્તાવો થઈ આવ્યો. દોડીને પેલા યુવાનની માફી માગવાનું મન થઈ આવ્યું, પણ હવે શું થાય ? ફલાઈટ ઊપડી ચૂકી હતી. સમય હાથમાંથી સરકી ગયો હતો. માફી માગવાનો સમય પણ !
[3] ફુવડ સ્ત્રી અને એક ગુલાબ !
એક ગામમાં એક અત્યંત ફૂવડ સ્ત્રી રહેતી હતી. એ એટલી બધી ગોબરી હતી કે કોઈ એના ઘરે જવાનું પણ પસંદ ન કરતું. એને જોઈને લોકો મોં બગાડતા, છતાં એ સ્ત્રીના વર્તનમાં કોઈ જ ફેરફાર થતો નહીં. એક દિવસ કોઈએ એ સ્ત્રીને એક ગુલાબ ભેટમાં આપ્યું. લાંબી ડાળખી સાથે એ ગુલાબનું ફૂલ ખૂબ જ સુંદર લાગતું હતું. એ ફૂવડ સ્ત્રીને પણ ગુલાબનું સૌંદર્ય અત્યંત આકર્ષી ગયું હતું. એણે એના ટેબલ પર પડેલા ફલાવરવાઝ (ફૂલદાની)માં એ ગુલાબને ગોઠવી દીધું, પરંતુ એ સાથે જ એક તકલીફ ઊભી થઈ. ગુલાબનું ફૂલ એટલું બધું સરસ લાગતું હતું કે પેલી ફૂલદાની એની પાસે ગંદી દેખાવા લાગી. એના પર દિવસોની ધૂળ જામી હતી એ સ્પષ્ટ દેખાવા લાગ્યું.
એ ફૂવડ સ્ત્રીએ થોડીક વાર સુધી તો એ જોયું ન જોયું કર્યું, પરંતુ પછી એનાથી ન રહેવાયું. ઘણાં વરસ પછી એણે એ ફૂલદાનીને બરાબર ધોઈને ચોખ્ખી કરી નાખી. ચકચકિત ફૂલદાનીમાં ડાંડલી સાથેનું એ ફૂલ એણે ગોઠવી દીધું. પછી એ કેવું લાગે છે તે જોવા એ બે ડગલાં પાછળ હટી, પરંતુ એ સાથે વળી એક ઉપાધિ ઊભી થઈ ! હવે ટેબલ ગંદું દેખાતું હતું ! આટલા સરસ ગુલાબની આજુબાજુ ટેબલ પર પડેલ કચરો એ સ્ત્રીથી સહન ન થઈ શક્યો. એણે આખું ટેબલ સાફ કરી નાખ્યું. એને એ પણ યાદ નહોતું કે છેલ્લે એણે એ ક્યારે સાફ કરેલું ! ટેબલ સાફ કરી, એના પર પેલી ગુલાબના ફૂલ સાથેની સ્વચ્છ ફૂલદાની ગોઠવતાં એને અત્યંત ખુશી થતી હતી. હવે એ સહેજ દૂર ઊભી રહીને આ દશ્ય જોવા લાગી. પરંતુ સૌથી મોટી ઉપાધિ તો બાકી જ હતી ! હવે એને ટેબલની સરખામણીમાં આખો રૂમ જ ગંદો લાગવા માંડ્યો હતો ! જોતજોતામાં એ સ્ત્રીએ પોતાનું ઘર તેમ જ આંગણું વાળીને ચોખ્ખું ચણાક કરી નાખ્યું !
જિંદગીના એકાદ ખૂણે થોડોક જ પ્રકાશ ફેલાય તો આપણે સમજી પણ શકીએ એ પહેલાં આપણા જીવનનો ખૂણેખૂણો પ્રકાશિત અને ઊજળો બની જતો હોય છે. બસ, જરૂર હોય છે એક કિરણને અંદર આવવા દેવા જેટલી જગ્યા કરવાની !
( ‘મોતીચારો’ શ્રેણીના  પ્રકાશિત થયેલા પુસ્તક ‘પ્રેમનો પગરવ’માંથી સાભાર.)