20130306

વાસ્તવિક પ્રાર્થનાનું સાચું સ્વરૂપ


વાસ્તવિક પ્રાર્થનાનું સાચું સ્વરૂપ :
દરેક માનવી શાંતિ ઈચ્છે છે, ચિર શાંતિ, પરંતુ એવી શાંતિ છે ક્યાં? સંસારમાં તો અશાંતિનું જ સામ્રાજ્ય છે. શાંતિનો ભંડાર તો એક જ ફકત શક્તિપુંજ સર્વેશ્વર ભગવાન જ છે. એ જ પરમગતિ છે અને તેની નજીક પહોંચવા માટે સાચા હ્રદયથી કરેલી પ્રાર્થના જ પાંખોનું કામ કરે છે. તેના અક્ષય ભંડારમાંથી જ સુખશાંતિ મળે છે.
પ્રાર્થના કરો. પોતાના હ્રદયને ખોલીને પ્રાર્થના કરો. ભલે ગમે તે રૂપમાં કરો, જ્યાં ઈચ્છા હોય ત્યાં ઈચ્છા હોય ત્યાં કરો, એકાંતમાં કરો, પોતાની તૂટીફૂટી ભાષામાં કરો, કારણ કે ભગવાન સર્વજ્ઞ છે. તેઓ તરત જ આપની તોતડી ભાષાને સમજી લેશે. પ્રાત:કાળે પ્રાર્થના કરો, બપોરે કરો, સાંજે કરો, બધે જ કરો અને બધી જ અવસ્થાઓમાં કરો. યોગ્ય તો એ જ છે કે આપની પ્રાર્થના સતત થતી રહે. એટલું જ નહીં, આપ સંપૂર્ણ પ્રાર્થનામય બની જવા જોઈએ.
પ્રભુ પાસે કાંઈ જ માગશો નહીં. તે તો બધાનાં માબાપ છે. બધાની જરૂરિયાતોને તે સારી રીતે જાણે છે. આપ તો તેમણે આપેલા કલ્યાણકારી નિર્માણને દ્રઢતાપૂર્વક સંપૂર્ણપણે સ્વીકારી લો. એમની ઈચ્છા સાથે પોતાની ઈચ્છાને જોડી એકરૂપ બનાવી દો.  ભગવાનની ‘હા’ માં ‘હા’ મિલાવતા રહો, ત્યારે જ સાચી શાંતિનો અનુભવ કરી શકશો.
જ્યારે જે પણ પરિસ્થિતિ આવે, ભલે તે પ્રતિકુળ હોય, છતાં પણ ભગવાનને ધન્યવાદ આપો અને ખરા હ્રદયથી કહો,”હું તો આવું જ ઈચ્છતો હતો.”