20130319

અકાળે સફેદ થતા વાળ


યુવક વર્ગમાં આજકાલ 'વાળ સફેદ' થઈ જવાની ફરિયાદ ખૂબ જ સાંભળવા મળે છે. વાળ સફેદ થઈ જવાની વિકૃતિને આયુર્વેદમાં'પલિત' કહેવામાં આવે છે. આયુર્વેદીય મતે આ વિકૃતિમાં પિત્તની પ્રધાનતા ગણાવાય છે. આયુર્વેદમાં સ્થાનભેદથી પિત્તના પાંચ પ્રકાર પાડવામાં આવ્યા છે. આમાંથી 'ભ્રાજક' નામનું પિત્ત ત્વચાની નીચે રહેલું હોય છે અને તેની વિકૃતિથી વાળ સફેદ થવા લાગે છે. ભ્રાજકનો અર્થ થાય છે. 'પ્રકાશવું' શરીરનો રંગ, આભા, ક્રાંતિ, સ્નિગ્ધતા આ બધું ત્વચાની નીચે રહેલા ભ્રાજક પિત્તને આભારી છે. આ ભ્રાજક પિત્ત હોવું જોઈએ એ કરતાં વધી જાય ત્યારે તે વાળ અકાળે શ્વેત કરી નાખે છે. ત્વચામાં રહેલા આ ભ્રાજક પિત્તની વિકૃતિ તીખા, ખારા, ખાટા, ઉષ્ણ, તીક્ષ્ણ, સૂક્ષ્મ ગુણધર્મોવાળા આહારના સતત કે વધારે પડતા સેવનથી થાય છે. વાળના મૂળમાં વાળને કૃષ્ણ રંગ આપનાર દ્રવ્યનો જ આ 'ભ્રાજક પિત્ત' નાશ કરે છે. પિત્ત વધારનાર ઉપર્યુક્ત આહાર સિવાય ક્રોધ, શોક અને ભયથી પણ ભ્રાજક પિત્ત પ્રકૃપિત્ત થઈને વાળને શ્વેત કરે છે.
ઉપચાર
આ વિકૃતિમાં ઉપચાર ખૂબ જ ધ્યાનપૂર્વક કરવો જોઈએ. સૌ પ્રથમ રોગનો કેસ હિસ્ટ્રી જાણી રોગોત્પાદક મૂળભૂત કારણો શોધી તેને દૂર કરવાં જોઈએ તથા આ કારણોને અનુરૂપ ઔષધ યોજના ગોઠવવી જોઈએ.
* આ વિકૃતિમાં એક દોષના પ્રકૃપિત્ત થવાથી અન્ય દોષો પણ પ્રકૃપિત્ત થઈ જાય છે. કારણ કે ક્રોધ, ભય, શોકાદિ કારણો તથા તીક્ષ્ણ અને ઉષ્ણ આહારના સતત કે અતિ ઉપયોગથી ભ્રાજક પિત્ત અન્ય દોષોને પણ પ્રકૃપિત્ત કરે છે. આ વખતે જે દોષની વૃદ્ધિ થઈ હોય તે દોષને શાંત કરવા માટે વમન વિરેચનાદિ પંચકર્મ દ્વારા શરીરશુદ્ધિ કરાવવી જોઈએ.
* જો વાળ સફેદ થવાની ઉત્પત્તિ એ કોઈ બીજા રોગની ઉત્પત્તિને લીધે થઈ હોય તો આ બંનેની ચિકિત્સા એક સાથે જ કરવી જોઈએ. પ્રતિશ્યાય એટલે કે જેમને વારંવાર શરદી થયા કરતી હોય એવા દર્દીઓમાં વાળ સફેદ થઈ જવાની શક્યતા વધારે હોય છે. આવા દર્દીઓને લક્ષ્મીવિલાસ રસ, વર્ધમાન પીપ્પલી પ્રયોગ, ષડ્બિંદુ તેલ, ચ્યવનપ્રાશ વગેરે ઔષધ તથા દંડ, બેઠક, શીર્ષાસન વગેરે કસરત દ્વારા પ્રથમ શરદી મટાડવી જોઈએ.
* ભય, શોક, ચિંતા, ક્રોધાદિ માનસિક વિકૃતિઓ દૂર કરી ઉત્તેજક, ઉષ્ણ, તીક્ષ્ણ, ખારી, ખાટી, તીખી ચીજોનો ત્યાગ કરવો જોઈએ.
* માનસિક રીતે પ્રસન્ન રહી નિયમિત હરડેનો મુરબ્બો સવારે અને રાત્રે એકથી દોઢ ચમચી લેવામાં આવે તો વાળ શ્વેત થતા અટકે છે.
* જામફળના તેલમાં આમળાંનું ચૂર્ણ નાખી રોજ માલિશ કરવામાં આવે તો સફેદ વાળ ધીમે ધીમે કાળા થાય છે. એવી જ રીતે ભૃંગરાજ તેલ નિયમિત માથામાં નાખવાથી વાળ સફેદ થવાની પ્રક્રિયા અવરોધાય છે.
* નીલપત્ર, ભાંગરો, લોહચૂર્ણ, ત્રિફળા, અર્જુન છાલ, મોથ, રતાંજળી વગેરે ઔષધો સરખા વજને લઈ, લોખંડના પાત્રની અંદરની બાજુએ લેપ કરવો. ૧૫ દિવસ પછી તેમાં ભાંગરો અને ત્રિફળાનો ઉકાળો નાખવો. આ બધાં ઔષધથી બમણું તલનું તેલ નાખી,ધીમા તાપે તેલ સિદ્ધ કરવું. આ તેલના નિયમિત ઉપયોગથી સફેદ વાળ કાળા લાગે છે.