20130228

જુનો માણસ આઉટડેટેડ નવો માણસ કેવો?


હોરાઈઝન - ભવેન કચ્છી

- ઓશોથી માંડી આધુનિક દુનિયાના દ્રષ્ટાઓની આગવી નજર

- નવો માણસ આવશે એટલે જુના માણસને જવું જ પડશે. જુનો માણસ નહીં જવા માટે ભારે જોહૂકમી કરશે, પણ તેઓ ક્રમશઃ લઘુમતીમાં મુકાઈ જશે

'જૂનો માણસ મૃત્યુ પછીના જીવનમાં ને સ્વર્ગ પર નજર રાખીને જ જીવી ગયો. જ્યારે નવો માણસ મૃત્યુ પહેલાંના જીવનમાં જ માને છે. જૂનો માણસ ડરપોક હોઈ સામૂહિક આત્મહત્યા કરતું જીવન જીવી ગયો. નવો માણસ મૃત્યુમાં નહીં અસ્તિત્વવાદમાં માને છે. આ ધર્મ, શાસ્ત્રો, સંતોએ કેટલા કૃષ્ણ, બુદ્ધ, લાઓત્સે જેવા પુરુષો પાંચ હજાર વર્ષમાં પેદા કર્યા?'
જૂના માણસો માને છે કે અધર્મ ને અરાજકતા તેની ચરમસીમાએ હશે ત્યારે ઈસુ ખ્રિસ્ત, કૃષ્ણ જન્મ લેશે. નવો માણસ આવા કોઈ ભ્રમમાં નથી રહેવાનો. તેને આટલું જ જ્ઞાાન હશે કે આપણામાં અનુભવો, ડહાપણ ને સ્વસ્થતા સાથે જાગૃતિ લાવવી પડશે અને તે નવી દ્રષ્ટિ તે જ અવતાર સમાન ગણાશે. નવો માણસ આવશે એટલે જૂનાને જવું જ પડશે. જૂનો માણસ નહીં જવા માટે ભારે મથામણ ને જોહુકમી કરશે, પણ તેઓ ક્રમશઃ લઘુમતીમાં મુકાઈ ખુલ્લા પડી જશે.
નવી સદીમાં આપણે નવી અને જૂની પેઢીમાં સ્પષ્ટ રીતે વહેંચાઈ ગયા છીએ. આપણે પહેલાં તો ૭૦ વર્ષની ઉંમરના અને ૨૫ વર્ષની ઉંમરના વચ્ચે જ  જનરેશન ગેપ માનતા હતા. પણ હવે તો ૨૫ વર્ષની ઉંમર અને વીસ વર્ષની ઉંમરના વચ્ચે પણ જનરેશન ગેપ જેવું વાતાવરણ છે. ઓશો તરીકે ઓળખાતા રજનીશે અત્યારે જે દ્રશ્યો વિશ્વમાં દેખાય છે તેની સામે જરા પણ ભવાં ચઢાવવાની જરૃર નથી તેવી પ્રતીતિ કરાવી નવો માણસ જ વિશ્વનો ઉદ્ધાર કરશે તેવો શુભ સંકેત તેમનાં પ્રવચનોમાં અવારનવાર આપ્યો છે. નવા માણસ અંગેના તેમના ખ્યાલો તેમની સ્ટાઇલ પ્રમાણે જૂના દંભી માણસોને હલબલાવી મૂકે તેવા છે. રજનીશની નવા માણસની નવી દુનિયા અંગેની શુભેચ્છા સાચી છે કે નહીં તે સમય બતાવશે. પણ રજનીશની નજરે નવો માણસ કેવો હશે તે જોઈએ ઃ
કોઈ ધર્મનો નહીં ઃ
નવા માણસને કોઈ ધર્મ નહી હોય. તે હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્ત કે બૌદ્ધ જેવા લેબલમાં નહીં માનતો હોય, એટલું જ નહીં તે સામી વ્યક્તિને મળશે ત્યારે તે કયા ધર્મનો છે તે જાણવા સુધ્ધાંની ઇંતેજારી નહીં સેવે. તે વ્યક્તિલક્ષી હશે. ધર્મ કે જાતિના આધારે નહીં પણ પ્રત્યેક વ્યક્તિ વિશે તે આગવું તારણ કાઢીને સંબંધ રાખશે. અત્યારે બને છે તેમ અમુક જ્ઞાાતિ કે ધર્મની વ્યક્તિને મળતાં અગાઉ જ તેના વિશે મર્યાદિત ખ્યાલ કે પૂર્વગ્રહ સાથેની દ્રષ્ટિ નહીં કેળવાતી હોય. જુદા જુદા ધર્મો કે જ્ઞાાતિઓનાં લોકો પણ મહદ્ અંશે તેમની રહેણીકરણી, શૈક્ષણિક સંસ્કારના બેકગ્રાઉન્ડમાં વિકસિત થયા હશે જેથી આવા ધર્મ કે જ્ઞાાતિ આધારિત ખ્યાલનો અવકાશ નહીં રહે. નવા માણસોએ અનુભવના આધારે જોયું હશે કે પોતાની જાતને ઉચ્ચ જ્ઞાાતિ કે ધર્મના કેહવડાવતા લોકો પણ નિમ્ન કક્ષાની હરકત, વાણી-વર્તન કરી શકે છે અને કહેવાતા નિમ્ન લોકો પણ પ્રેરણાદાયક જીવન વિતાવી ચૂક્યા હશે એટલે તમે કયા ધર્મના કે જ્ઞાાતિના છો તે નહીં પણ વ્યક્તિ તરીકે કેવા છો તેના પર મદાર રહેશે. આના પરિણામે કોઈ જ્ઞાાતિપ્રથાનું વ્યવહાર-સંબંધોમાં મહત્ત્વ નહીં રહે.
કોઈ રાષ્ટ્રનો નહીં ઃ
નવો માણસ ભારતીય, અમેરિકન, ફ્રેંચ, જર્મન કે રશિયન જેવી તેમના દેશની ઈમેજ ઊભી નહીં કરે. કોમ્પ્યુટર, ટેકનોલોજી, ઈન્ટરનેટ સેવા, સુપરસોનિક વિમાનો તેમજ વિશ્વવ્યાપી ધંધાનું નેટવર્ક, કોમ્યુનિકેશન એટલી હદે આગળ નીકળી ગયું હશે કે બે દેશો વચ્ચેની સરહદો, વિચારસરણી કે સંસ્કૃતિનો ભેદ, અંતર જ નહીં રહે. વિશ્વ આખું એકબીજાના સંપર્કમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સતત કે મનફાવે ત્યારે ગણતરીના સમયમાં જ રહેતું થઈ જશે. જેને જે દેશના ફેશન, ખોરાક કે પાસામાં રસ પડશે તે ભોગવવામાં પળવારનો વિલંબ નહીં થાય. વેપાર-વાણિજ્યના સંદર્ભે પણ વિશ્વ આખું જ એક ગામ હોય અને આપણે તેના રહીશો હોઈએ તેવી રીતે 'ગ્લોબલ વીલેજ' જેવું વાતાવરણ હશે. અમદાવાદ-ગાંધીનગર કે અમદાવાદ-મોસ્કો વચ્ચેનું અંતર, વેપાર, સંસ્કૃતિ વચ્ચે સમાનતા હશે. મોટાભાગનું શોપિંગ, મનોરંજન, શિક્ષણ, કોમ્યુનિકેશન ઘેર બેઠાં વિશ્વને ડ્રોઇંગ રૃમમાં લાવતા ઈન્ટરનેટ વડે હોય, પછી 'હું ભારતીય' કે 'હું અમેરિકન' શબ્દ કેટલો બોદો લાગે?
આ નહીં, તે નહીંનું બંધન નહીં સ્વીકારે ઃ
જૂનો માણસ છેલ્લા પાંચ હજાર વર્ષથી ઉપનિષદ કે તેમના ધર્મોના ગ્રંથોમાં માનવીએ આમ ન કરવું જોઈએ તેવા પ્રસંગો, લાંબા ઉપદેશો થકી જ જીવતો આવ્યો છે, ધર્મના પ્રચારકો, સંતો, મહાત્માઓ આમ 'ના' કરવું જોઈએ તેવું સતત બ્રેઈન વોશ કરતા રહ્યા છે. ચોરી ન કરવી, પાપ ન કરવાં, પરસ્ત્રી જોડે સંબંધ ન રાખવો, દારૃ ન પીવો, વ્યસન ન રાખવું, વડીલોની સામે દલીલ ન કરવી તેવા સંસ્કૃત ભાષાના 'નેતિ' પર જ તમામ સંસ્કૃતિ, શાસ્ત્રો રચાયાં છે. જૂના માણસો એક ભયંકર દબાણ હેઠળ જીવ્યા, જો આમાંનું કંઈ કરીશું તો લોકોની નજરે ઊતરી જઈશું તેથી ઉપરથી કંઈક, અંદરથી જુદી દંભી મહોરવાળી જિંદગી વિતાવવા લાગ્યા. કેમ કે અનુભવ, જ્ઞાાન કે ડહાપણ વગર કામ, ક્રોધ, મોહ જેવી વૃત્તિઓ પર કાબૂ શક્ય જ નથી. જ્ઞાાની સામે નવો માણસ શાસ્ત્રો, સંતો, પ્રચારકોને અભરાઈએ મૂકી દેશે. આનો અર્થ એવો નથી કે તમામ દુર્ગુણો ધરાવતો હશે. પણ તેની દ્રષ્ટિ 'આ નહીં ને તે નહીં' જેવી પહેલેથી જ પાંજરામાં મૂકતી નહીં પણ 'આ પણ હોઈ શકે, આમ પણ કરવાની તક આપીએ' તેવી હશે. તે પ્રત્યેક ઘટના, પ્રસંગ, સંબંધ, વર્તનનો અનુભવ કરશે, તેનો સામનો કરશે. સમય, સંજોગો પ્રમાણે રહી પ્રેક્ટિકલ બનશે. તેનો એપ્રોચ ધર્મ કે શાસ્ત્રકેન્દ્રી નહીં પણ માનવકેન્દ્રી હશે. તે સેક્સ, ડ્રગ, અવિવેક, નિષ્ફળતાઓનો અતિરેક વહોરતાં કૃત્યો કરશે પણ અનુભવના આધારે તારણ પર આવશે કે આમાં કંઈ મઝા, સુખ, શાંતિ નથી. તે દંભી તો આ કારણે નહીં જ હોય કેમ કે તે ખુલ્લેઆમ આમ પણ કરી શકાય તેવી અજમાયશી વૃત્તિ ધરાવતો હશે. તે દંભી, ડરપોક વૈરાગી નહીં હોય પણ અનુભવી, પસ્તાઈ, જાતે જ ડહાપણ કેળવી સંસારમાં રહેવા છતાં વેરાગી દ્રષ્ટિ મેળવશે.
નેગેટિવ, ડરપોક નહીં હોય ઃ
જૂનો માણસ 'નેતિ'માં ને નવો માણસ ઈતિ - 'આમ છેની પોઝિટિવ દ્રષ્ટિ' - માં માનતો હશે. જૂના માણસે આખું જીવન શાસ્ત્રોના દમન ને બંધનભર્યા ઉપદેશોના આધારે જ વૃત્તિઓને દબાવીને વિતાવ્યું છે, જેના કારણે તે અંદરથી ગૂંગળામણ, હતાશામાં ગરકાવ થાય છે. મોટાભાગનાએ ખરાબ કામો કરીશું તો બીજા જન્મમાં ખરાબ યોનિમાં કે નર્કમાં જન્મ લઈશું ને સારાં કામ કરીશું તો સ્વર્ગ મળશે તેવા ખ્યાલથી જ જીવન વિતાવ્યું છે. તેના જીવનના પાયામાં જ ડર છે. આથી જ જાણે બીજું કંઈ કરવાનું જ ન હોય તેમ માનવે અત્યાર સુધીમાં છેલ્લાં ત્રણ હજાર વર્ષોમાં પાંચ હજાર નાનાં મોટાં યુદ્ધો કર્યાં છે. પાખંડી સંતો, ઉપદેશકોએ તેમનું વર્ચસ્વ ટકાવી રાખવા લોકોને સતત આ 'નેતિ'ના ડોઝ પીવડાવે જ રાખ્યા છે. એક તરફ સૃષ્ટિની સમૃદ્ધિ-પ્રકૃતિનું રસપાન કરવાનું કહેવાય છે ને બીજી તરફ પૈસા, સ્ત્રી, કીર્તિના ડરથી ભાગી છૂટી સંન્યાસ લેવાની વાત કરાય છે. કોઈ ધર્મગુરુઓ ઉપભોગની વિવેકવૃત્તિ નથી શીખવતા પણ પલાયનવાદી ને વૃત્તિઓને ડામી દેવાની જ વાત કરે છે. જ્ઞાાન ને ડહાપણ સાથે આવી શકે? બહાર શું આપણા ધર્મગ્રંથો, સંતો મહાન કહેવાતા હોય તો પાંચ હજાર વર્ષમાં બસ કૃષ્ણ, ઈશુ જેવા પાંચ-સાત ગણ્યાગાંઠયા મહાપુરુષો જ પેદા થઈ શકે? આપણે સદ્ગુરુઓની રીતે જવા દો, વૈચારિક પ્રગતિ પણ કેટલી કરી? જે સંકુચિતતા, નાત-જાતના ભેદભાવ, મોરલ, ગુનાખોરીનો ગ્રાફ ઊંચો જ જતો હોય તે માનસ કેમ વધતું જાય છે? દેખીતી ધાર્મિકતા તો તેની ચરમસીમાએ છે.
આની સામે વિશ્વએ છેલ્લાં ૫૦ વર્ષમાં જે પ્રગતિ ભણી કદમ માંડયાં છે તે નવા માણસો થકી શક્ય બન્યાં છે. નવો માણસ સ્વર્ગમાં કે નર્કમાં જવાની કલ્પના નથી કરતો, તેણે અનુભવ માણવાની વૃત્તિના આધારે સારા-નરસાનું ડહાપણ કેળવ્યું છે...
તે પોઝિટિવ હશે. તે ચાન્સ લેશે. એક વખત કોઈ પણ વ્યક્તિ કે ઘટનાને વિશ્વાસની એરણે મૂકશે. પોતાની ભૂલને સ્વીકારી તરત સુધારી લેશે. જો આદર આપવાનો હશે તો વડીલોને જ નહીં એક નાના બાળક તરફ પણ ઝૂકશે. તે કોઈ સામાન્ય ખ્યાલ કે નિયમોમાં બંધાશે નહીં. તેની મેન્ટાલિટી સંસાર ત્યાગવા માટે નથી, તેનું રસપાન કરવું જોઈએ તેવી મેન્ટાલિટી હશે.
ઓછી બચતવૃત્તિ, વધુ રચનાત્મકતા ઃ
જૂનો માણસ નેગેટિવ ને ડરપોક હતો. તેને જરૃરિયાતો ઓછી ને ત્યાગની જ દવા પીવડાવવામાં આવતી હતી. આથી નાણાંની બચતવૃત્તિ સહજભાવે જોવા મળતી હતી. કપડાં પહેરવાં, મોજશોખ કરવા, પ્રવાસ-પર્યટનની પ્રાથમિકતા જેમની પાસે પૈસા હતા તેમને પણ નહોતી. બંધિયારની જેમ જીવવામાં ફાવટ આવી ગઈ હતી. વિમાની સફર, ફેશન, રેસ્ટોરન્ટ, પ્રવાસ, વાહનો, આધુનિક બાંધકામ, ફર્નિચરનો શોખ નહોતો.
નવો માણસ આજનું જીવવામાં જ માને છે. જૂનો માણસ આજનું જીવતો નહોતો ને ભવિષ્યની બિનજરૃરી ચિંતા કરતો હતો. આજ તો જતી જ ને ભવિષ્યનો એ દિવસ આજની જેમ આવતો ને આજની જેમ જ ચાલ્યો જતો.
નવો માણસ બચત ઓછી કરતો. કાલની વાત કાલે, આજને કઈ રીતે મહત્ત્વ આપવું તેમાં તેને રસ છે. તેને બોંબ બનાવવામાં નહીં પણ કોમ્પ્યુટર, કોમ્યુનિકેશનના નવા નવા અપડેટ મોડલોમાં રસ છે. તેને બંધિયાર દ્રષ્ટિના જ્યાં પૈસા ખર્ચવા પડે ત્યાં અટકી જવાની વૃત્તિ નથી. તેને રેસ્ટોરન્ટમાં જવું છે. ફેશન, વ્હીકલ્સ, નવાં કોમ્પ્યુટરો વસાવવાં છે. તમામ મોજશોખ કેળવવા છે. એ યાદ રહે કે આનો અર્થ એવો નથી કે નવો માણસ ઉડાઉ, દેવાદાર કે સ્વચ્છંદી હશે. તેનું આયોજન જીવનની ગણતરી તથા સંપર્કો એવા વિશ્વવ્યાપી હશે કે તેને મુસીબત નહીં પડે, ઊલટાનું જૂના માણસો કરતાં તે વધુ સારું શિક્ષણ તેનાં બાળકોને આપશે. પત્નીને ખુશ રાખશે. મોજમઝા કરશે. સારામાં સારી તબીબી સારવાર મેળવશે. જૂના માણસોને ઘેર સાઈકલનાં ફાંફાં હતાં જ્યારે નવો માણસ કારમાં મોબાઈલ ફોન ને લેપટોપ કોમ્પ્યુટર સાથે ફરશે. જૂના માણસ આમ ન કરાયના પ્રભાવ હેઠળ હતો, નવો માણસ 'આ કરાય' તેવી પોઝીટીવ મેન્ટાલિટી સાથે જીવે છે તેનું આ પરિણામ હશે.
ચારિત્ર્યની વ્યાખ્યા બદલાશે ઃ
નવા માણસની ચારિત્ર્યની વ્યાખ્યા બદલાયેલી હશે. તે દારૃ પીતો હશે એટલે તેના અન્ય સારા ગુણો પર મીડું નહીં ફેરવી દેવાય. તે છોકરીઓ જોડેના સંબંધોમાં મુક્ત દ્રષ્ટિ રાખતો હશે પણ બીજી બધી રીતે કોઈ સંત પુરુષોના માનવીય ગુણો ધરાવતો હોય તેવું બને. અત્યારે ચારિત્ર્યની એકાદ ખામીને આધારે તે વ્યક્તિના નામે સંપૂર્ણ ચોકડી લગાડી દેવાય છે તેવું નહીં હોય. તેના બીજા ગુણોનો મહત્તમ ઉપયોગ લેવાશે.
રાજકારણમાં રસ નહીં ઃ
નવા માણસને રાજકારણમાં જરા પણ રસ-રુચિ નહીં હોય. સમાજનું ઘડતર કે વિકાસ નેતાઓ કે ખાતાઓના હાથમાં નહીં હોય પણ વ્યક્તિ, સંસ્થા કે કોર્પોરેટ જગત રસ લેશે. નવા માણસને કોઈ મહત્વાકાંક્ષા નહીં હોય. તે નિજાનંદમાં માનશે. સંગીત, કલા, નૃત્ય, પાર્ટી, રમત, મનોરંજનમાં તેને જે ગમશે તે દુનિયાને કેવું લાગશે તે વિચાર્યા વગર અપનાવશે. તે તેની મસ્તીમાં હશે. ફીટનેસમાં તેની વૃત્તિ કેળવાશે. તે માત્ર પૈસા કમાવા નહીં પણ પોતાનું કાર્ય, પ્રવૃત્તિ કે બિઝનેસ આત્મસંતોષ મેળવવા કરશે. બહુ પૈસા ખર્ચ કર્યા વગર પણ ખુશી મળે છે તેવું જ્ઞાાન પ્રાપ્ત કરશે.
નવા માણસની કોઈ ઉંમર નથી. આજે પણ ૭૦ વર્ષે તમે નવા માણસ બની શકો છો. ૨૫ વર્ષની વયે પણ જૂના માણસ બની શકો છો.

-Gujarat Samachar

__._,_.___