20130228

પેટમાં ગડબડ


- આહારવિહારની ખોટી પ્રથા અપચો અને બીજા ઘણા વ્યાધિ નોતરે છે
અપચો એ આધુનિક જમાનાની સામાન્ય ફરિયાદ છે. તેમ છતાંય આ વિશે લોકોને ખૂબ જ ઓછી જાણકારી છે. એનું ચોક્કસ નિદાન તો ખૂબ જ મુશ્કેલ છે, કેમ કે જુદા-જુદા લોકો માટે અપચાના જુદા-જુદા અર્થ છે. આ તકલીફમાં પેટમાં 'તાણ પેદા થાય છે. એમાં હળવો-હળવો દુખાવો થવા માંડે છે. મોંમાં પાણી આવવા લાગે છે, ખાટા ઓડકાર આવે છે, ભૂખ નથી લાગતી, જીવ ગભરાય છે. મોંનો સ્વાદ બગડી જાય છે અને માણસ બેચેનીનો અનુભવ કરે છે. ઘણીવાર પેટમાં થતી ઘરઘરાટી અને વધુ જમી લેવાના કારણે પેટમાં આવતી ખેંચને પણ અપચાની નિશાની ગણવામાં આવે છે. અપચાના મુખ્ય બે કારણ છે. એક તો પાચનક્રિયામાં વિકાર અને બીજો પાચક અંગોમાં વિકાર.
આયુર્વેદ કહે છે કે આહાર, ઊંઘ અને બ્રહ્મચર્ય આ ત્રણ સ્તંભ છે જેની ઉપર આપણું સ્વાસ્થ્ય ટકેલું છે. જો આમાંથી એક પણ સ્તંભ કમજોર થયો કે આપણી તંદુરસ્તીનો મહેલ પત્તાના મહેલની જેમ વેરાઈ જાય છે. આ ત્રણે વસ્તુઓમાં આહાર એટલે કે ભોજનને સૌથી પહેલા રાખવામાં આવ્યું છે, કારણ કે ભૂખ્યા પેટે કંઈ જ નથી સૂઝતું. આહાર વિશે કહેવાય છે કે એ પ્રાણીઓને નવું બળ અને દેહને ધારણ કરવાની નવી શક્તિ આપે છે. આહારથી જ આયુ, તેજ, ઉત્સાહ, સ્મૃતિ, ઓજસ અને શરીરાગ્નિની વૃદ્ધિ થાય છે. જો ભોજન સારી રીતે પચી જાય તો એના ત્રણ પરિણામ આવે છે. ભોજનનો સ્થૂળ ભાગ મળ બની જાય છે. સાર પૂર્ણ ભાગ માંસ બની જાય છે અને સૂક્ષ્મ ભાગ મનનું પોષણ કરે છે. પાણીનું બરોબર પાચન થાય તો એનો સ્થૂળ અંશ મૂત્ર, મધ્યમ અંશ લોહી અને સૂક્ષ્મ અંશ પ્રાણનું પોષણ કરે છે. જ્યારે ધૃત માખણ જેવા તેજસ પદાર્થોનો સ્થૂળ અંશ હાડકા બની જાય છે, મધ્યમ તત્ત્વ મજ્જા બની જાય છે અને સૂક્ષ્મ તત્ત્વ વાણીને પોષણ આપે છે. આમ અન્નથી મન, જળથી પ્રાણ અને તેજથી વાણીનું પોષણ થાય છે. અપચો થવાનું કારણ એ છે કે ગમે તેટલું ખાવો-પીઓ શરીર માટે એ કોઈ જ મતબલનું નથી. એટલા માટે આપણે અપચાને કોઈ મામૂલી વસ્તુ ન સમજવી જોઈએ.
તમે એ ટુચકો તો સાંભળ્યો હશે કે એક માણસ હોટેલમાં પાણી પીવા ગયો અને એનાથી પાણીનો ગ્લાસ ફૂટી ગયો. વેઇટરે કાઉન્ટર પર બૂમ મારી, 'ખાયા પિયા કુછ નહીં, ગ્લાસ ફોડા બાર આના.' અપચાના શિકાર લોકોની પણ આ જ હાલત થઈ જાય છે કે ખાવાપીવાથી શરીરને કંઈ ફાયદો તો થતો જ નથી. ઉલટાની શરીરમાં રહેલી શક્તિ વપરાઈ જાય છે. અપચાથી બચાવ કરવો જરૃરી છે. કારણ કે આપણું પાચનતંત્ર આખાય શરીરને બળ અને પોષણ પૂરું પાડે છે. જો આ તંત્ર જ બગડી દશે તો શરીરરૃપી મકાન કઈ રીતે કામ કરી શકશે.
અપચાના મુખ્ય કારણોને સૌથી રહેલા સમજી લેવા જરૃરી છે. જરૃરતથી વધારે ખાઈ લેવું, તંદુરસ્તી બગાડે એવું ભોજન, નિયમિત ભોજન કેટલાક પ્રકારનું ભોજન શરીરને માફક ન આવવું, શક્તિની માનસિક પરિસ્થિતિ, આશાની આદત બેઠાડું જીવન, ઊંઘની કમી, જુલાબ લાવનારી દવાઓનું સેવન એ બધા અપચાના મુખ્ય કારણો છે. સૌથી પહેલા તો જરૃર કરતાં વધારે ખાઈ લેવું એ અપચાનું મુખ્ય કારણ છે, પણ એનો અર્થ દરેક વ્યક્તિ માટે અલગ-અલગ છે. તેને બદલે એવું કહી શકાય કે સામાન્ય લિમિટ કરતા વધુ ખાઈ પીવાથી અપચો થાય છે. આવું ત્યારે બને છે જ્યારે લગ્નપ્રસંગ હોય, કોઈને ત્યાં મહેમાનગતિ માણવા જઈએ ત્યારે અથવા તો જમવામાં કોેઈ આવી વસ્તુ આવી જાય. એનાથી બચવાનો રસ્તો એ જ છે કે સ્વાદ શરીર નિયંત્રણ રાખવામાં આવે. જેથી શરીર અપચાની તકલીફથી બચી શકાય.
આપણા દેશમાં શહેરોમાં રેસ્ટોરાં અને લારીઓ પર એવા ચટાકેદાર ખાદ્યપદાર્થો મળે છે. જેમાં ગંદી અને ખાદ્ય વસ્તુઓનો ઉપયોગ કરવામા ંઆવે છે. આવી વસ્તુઓને લોકો વેચાતી લઈ લઈને ખાય છે. જેના લીધે અપચાની તકલીફ થઈ જાય છે. ચીકણી અને તળેલી વસ્તુઓ ખાવાથી પણ અપચાની તકલીફ થઈ જાય છે, કારણ કે આ વસ્તુઓ ખૂબ મોડી પચે છે.
આધુનિક સમયમાં અનિયમિત ભોજન એક સામાન્ય વાત બની ગઈ છે. સવારથી સાંજ સુધી દુનિયાભરના ટેન્શન લઈને ફરતો માણસ જમવામાં સમયની પાબંદી જાળવી શકતો નથી. આ અનિયમિતતાને કારણે ભૂખ મરી જાય છે અને ેશરીરની અંદરના પાચકરસોના સ્ત્રાવમાં ગરબડ થઈ જાય છે. ટાઇમ ન હોવાને કારણે અથવા તો ઉતાવળમાં ભોજન કરવાને કારણે પણ અપચો થાય છે. આ કારણે જમવાનું સારી રીતે ચાવી શકાતું નથી. પાચક રસો ખોરાકમાં ભળી શકતા નથી અને થઈ જાય છે અપચો.
જમવામાં ઉતાવળે ખાવું એ પણ અપચાને આમંત્રણ આપવા જેવું છે. આપણે જીવવા માટે ખાઈએ છીએ. ત્યાર ઘણા લોકો શું કરીએ? જમવાનો ટાઇમ જ મળતો નથી' એવું બહાનું કાઢીને ભોજનને જેમ-તેમ પેટમાં ઠૂંસી લે છે. ઘણા લોકો ચાવ્યા વગર જલદી-જલદી ખાઈ લે છે. જેને કારણે ખોરાક ચવાતો નથી. જે કામ દાંતને કરવાનું હતું તે પેટને કરવું પડે છે. જેને કારણે આંતરડા થોડાક સમયમાં જ નબળા પડી જાય છે. વારંવાર જમવું એ પણ પેટ સાથે દુશ્મની કરવા જેવું છે. બે ભોજન વચ્ચે ઓછામાં ઓછું છથી સાત કલાકનું અંતર હોવું જરૃરી છે.
જમતી વખતે આપણી માનસિક પરિસ્થિતિ કેવી છે એ વાત પર પણ ખોરાકનું પાચન આધાર રાખે છે. ટેન્શનમાં જમાયેલા ભોજનમાં પાચક રસો ભળી શકતા નથી અને અપચો થઈ જાય છે. ગુસ્સો, ડર, ટેન્શન, હીનભાવના વગેરેને કારણે મગજ પર એક જાતનો ભાર રહે છે, જેને લીધે ભૂખ લાગતી નથી અને અપચો થઈ જાય છે.
આલ્કોહોલ એટલે કે દારૃ વિશે એવું કહેવાય છે કે જો એ મર્યાદિત પ્રમાણમાં લેવામાં આવે તો ભૂખ વધારે છે, પણ જો વધારે પ્રમાણમાં લેવાથી પેટમાં બળતરા અને વિકાર પેદા થાય છે. ચા-કોફીનો વધુ પડતો ઉપયોગ પણ વ્યસન બની જાય છે ત્યારે શરીરની ભૂખ પર એની વધારે અસર પડે છે. ઊંઘ અને માનસિક સમતોલન ન હોવાને કારણે પણ પેટ અને આંતરડાને એટલો આરામ નથી મળતો જેટલો જરૃરી છે. એનાથી પણ અપચો થઈ જાય છે.
અપચો થવાના બીજા કેટલાક કારણો પણ છે. લીવર પર સોજો આવી જાય તો પણ અપચો થઈ જાય છે. કમળાની બીમારીમાં અપચો થઈ જાય છે. હૃદયરોગ પિત્તાશયમાં સોજો, પેન્ક્રિયાઝ (સ્વાદુપિંડ) પર સોજો વગેરે શારીરિક તકલીફોને કારણે પણ અપચો થઈ શકે છે.
અપચામાં પાણી ઔષધિનું કામ કરે છે. ભોજન પચી જાય એ પછી પાણી પીવું બળવર્ધક છે, ભોજનની વચ્ચે પાણી પીવું અમૃત છે, પણ એ જ ભોજન પછી જો પાણી પીવામાં આવે તો ઝેર જેવું છે. એટલે જમ્યાના એક કલાક પછી જ પાણી પીવું જોઈએ. ભોજનને પ્રેમપૂર્વક એટલું ચાવો કે એ પાણી જેવું બનીને જ પેટમાં ઉતરે, ઝાડો જો ચીકણો આવતો હોય તો એ વાતની ભયજનક નિશાની છે કે શરીરમાં પાચન બરોબર થઈ રહ્યું નથી. અપચાને દૂર કરવા માટેના આ સામાન્ય અને હાથવગા ઉપાયો છે.

-Gujarat Samachar