20130228

અગોચર વિશ્વ - દેવેશ મહેતા

દુનિયાની કોઇપણ ભાષામાં અપાતા વક્તવ્યને તત્કાળ ફરીથી બોલી જવાની ચૈતસિક ક્ષમતા ધરાવતો માનવી
અગોચર વિશ્વ - દેવેશ મહેતા
- મનથી મનના જોડાણનો એક અદ્ભુત ચમત્કાર બન્યો અમેરિકાના એક ફ્રેન્ક રેન્સ નામના વિદ્યાર્થીમાં અને તેનામાં પ્રકટ થઇ ગઇ એક અદ્ભુત અતીન્દ્રિય ક્ષમતા!

માનવ માનવ મન અનંત શક્તિઓનો ભંડાર છે. તે એક પળના અબજમા ભાગમાં આખા વિશ્વનું પરિભ્રમણ કરી શકે છે. તે જડ અને ચેતન બધા સાથે એકરૃપ થઇ એનું જ્ઞાાન ગ્રહણ કરી શકે છે. તે અદ્ભુત, અવર્ણનીય અને માન્યામાં ન આવે એવી શક્તિઓ પ્રકટ કરી શકે છે. એક વ્યક્તિનું મન બીજી વ્યક્તિના મન સાથે જોડાય ત્યારે અવનવી ઘટના બને છે. મનથી મનના જોડાણનો એક અદ્ભુત ચમત્કાર બન્યો અમેરિકાના એક ફ્રેન્ક રેન્સ નામના વિદ્યાર્થીમાં અને તેનામાં પ્રકટ થઇ ગઇ એક અદ્ભુત અતીન્દ્રિય ક્ષમતા!
ફ્રેન્ક રેન્સને એવી ઈન્દ્રિયાતીત શક્તિ પ્રાપ્ત થઇ હતી કે તે દુનિયાની કોઇ પણ ભાષા બોલતા માનવીનાં વાક્યોની તત્કાળ નકલ કરી શકતો હતો. આમ તો ફ્રેન્ક અંગ્રેજી સિવાય બીજી કોઇ ભાષા જાણતો નહોતો છતાં તે દુનિયાની કોઇપણ ભાષામાં ઉચ્ચારાયેલા વાક્યોને પુનઃ કડકડાટ બોલી શકતો હતો. શબ્દો ગમે તેટલા અઘરા હોય તોય તે સ્પષ્ટ ઉચ્ચાર અને તેના મૂળભૂત લહેકા સાથે તેની તત્ક્ષણ નકલ કરી શકતો.
અમેરિકાના અલાબામા રાજ્યના ગોડસ ડેન શહેરની પાસે આવેલા એક ગામમાં ફ્રેન્ક રેન્સને એના વિદ્યાર્થીકાળ દરમિયાન જ આ શક્તિનો પરિચય થઇ ગયો હતો. તેના મિત્રો જે કંઇ બોલે તેનું તે તરત જ અનુકરણ કરી બતાવતો. આશ્ચર્યની વાત તો તેમને એ લાગતી કે એમણે બોલેલા વીસ-પચીસ વાક્યોનો એક શબ્દ પણ તે ચૂકતો નહીં. વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો પણ તેની ક્ષમતાની કસોટી કરતા. વિદ્યાર્થીઓ અને શિક્ષકો જે ભાષણ કરતા અને ફ્રેન્ક તેનું તત્કાળ અનુકરણ કરતો. તેનું રેકોર્ડિંગ કરી લેવામાં આવતું અને બન્નેની સરખામણી કરવામાં આવતી ત્યારે જોવામાં આવતું હતું કે તે એકસમાન જ રહેતું. ફ્રેન્ક એક શબ્દ પણ આઘોપાછો બોલ્યો હોય એવું થતું નહોતું! ફ્રેન્કની આ શક્તિની જાણ આજુબાજુમાં ફેલાઇ. ધીરેધીરે આખા અમેરિકામાં અને વિશ્વભરમાં એની ખ્યાતિ ફેલાઇ.
વિદ્યાર્થીજીવન દરમિયાન જ ફ્રેન્કની શક્તિના પરીક્ષણ માટે અનેક જાહેર કાર્યક્રમો યોજાયા. અનેક વિજ્ઞાાનીઓ, મનોવિજ્ઞાાનીઓ અને વિશેષજ્ઞાો આમાં જોડાયા. તે બધા ફ્રેન્કની અદ્ભુત શક્તિ જોઇને દંગ રહી જતા. દુનિયાની કોઇપણ ભાષા બોલનાર વ્યક્તિના મનમાં જે શબ્દો બોલવાના વિચાર ઊઠે અને એ જીભથી ઉચ્ચારાય લગભગ એ જ વખતે જાણે તેમના વિચારો વાંચીને કહેતો હોય તેમ ફ્રેન્ક પણ લગભગ તેમની જોડેજોડે જ બોલતો. ટેલિપથીથી સામેની વ્યક્તિના વિચારોને જાણીને તે શું બોલવા માંગે છે તે સમાન ભાષા હોય ત્યારે તો તેનું અનુકરણ કરવું શક્ય બને પણ સાવ અજાણી ભાષાના શબ્દો બન્નેના હોઠ પર સાથે આવવાનું કેવી રીતે શક્ય બનતું હશે એનો જવાબ કોઇ નિષ્ણાતો આપી શક્યા નથી. એકવાર હાસ્ય અભિનેતા જેરી લ્યુબિરે એક કાર્યક્રમ રાખ્યો. તેમાં જિના લોલો બ્રિગેડા નામની એક મહિલાને પણ સામેલ કરવામાં આવી. બ્રિગેડા અનેક ભાષાઓ જાણતી હતી અને અસ્ખલિત રીતે તે બોલી પણ શકતી હતી. આ કાર્યક્રમમાં ફ્રેન્કની ભાષા અનુકરણ - ઉચ્ચારણ શક્તિનું પરીક્ષણ કરાયું. શરૃઆતમાં તો બ્રિગેડાએ સાવ અજાણી એવી ભાષાના અલગ અલગ વાક્યો ઉચ્ચાર્યા. ફ્રેન્કે તે બધાનું એવા જ સ્વરભાર અને લહેકા સાથે અનુકરણ કરી બતાવ્યું. તેનાથી તમામ પ્રેક્ષકો અને ખુદ બ્રિગેડા પણ આશ્ચર્યચકિત થઇ ગઇ. બ્રિગેડાએ કસોટી થોડી વધારે અઘરી બનાવવાનું વિચાર્યું. એક જ વક્તવ્યમાં અનેક ભાષાના શબ્દો ભેગા કરીને બોલવામાં આવે તો ફ્રેન્ક બોલી શકે છે કે કેમ તે પણ ચકાસ્યું. તેણે અંગ્રેજી, હિન્દી, રશિયન, જર્મન અને ફ્રેન્ચ ભાષાના શબ્દો વચ્ચે વચ્ચે વાપરી વક્તવ્ય આપ્યું. તેનાથી કોઇ ફેર ના લાગ્યો. ફ્રેન્કે તે ભાષાના ખીચડાવાળું વક્તવ્ય પણ નકલ કરી બતાવ્યું! આ કસોટીનો પ્રસંગ માર્ચ, ૧૯૬૮ના અંકમાં હિન્દી ડાયજેસ્ટમાં પણ છપાયો હતો.
એક વાર એક પ્રેક્ષકે કહ્યું કે ફ્રેન્ક બોલનારના હોઠોના હલનચલનથી બોલાનાર શબ્દનું અનુમાન કરીને ઉચ્ચારણ કરે છે. જો કે આ શક્ય જ નથી કેમ કે ફ્રેન્ક બોલનાર વ્યક્તિી એટલી સાથે સાથે સાથે બોલતો હોય છે કે તેના હોઠના હલનચલન પર વિચાર કરી અનુમાન કરવા જેટલો સમય પણ નથી હોતો. તેમ છતાં એ શંકાને નિર્મૂળ કરવા ફ્રેન્કે ત્યારથી બોલનાર વ્યક્તિના મોંથી વિરુદ્ધ દિશામાં પોતાનું મોં રાખી પ્રયોગો કરી બતાવ્યા હતા. ફ્રેન્ક બોલનાર વ્યક્તિનું મોં કે હોઠ જોઇ જ ના શકતો હોય તો હોઠના હલનચલન પરથી તે શબ્દનું અનુમાન ક્યાંથી કરી શકે?
એક વાર ન્યુયોર્કમાં એની બહુ જ આકરી પરીક્ષા લેવામાં આવી. આ કામ માટે વિજ્ઞાાનીઓએ એક ડૉકટરને નિયુક્ત કર્યા. એમને સૂચના આપવામાં આવી કે મેડિકલ ક્ષેત્રનો અત્યંત અઘરા વિષયને લગતો પુષ્કળ પારિભાષિક (ટેકનિકલ) અને અત્યંત કઠિન શબ્દોનો ઉપયોગ કરીને એક લાંબો લેખ તૈયાર કરો. તે લેખ પણ વિજ્ઞાાનીઓની હાજરીમાં ભારે ગુપ્તતા હેઠળ લખાવી સીલબંધ કવરમાં મુકાવી વૉલ્ટમાં રખાયો. તે નિષ્ણાત ડૉકટરે સૂચના પ્રમાણે અત્યંત અઘરા શબ્દોનો ઉપયોગ કરી મેડિકલ આર્ટિકલ લખ્યો જે વીસ પૃષ્ઠોમાં સમાયેલો હતો. એમાં એવા અસામાન્ય અને અઘરા શબ્દો વપરાયા હતા જેનો ઉચ્ચાર સામાન્ય વ્યક્તિ તો પ્રથમ પ્રયાસે કદી કરી જ ના શકે. અરે! મેડિકલ ક્ષેત્રનું જ્ઞાાન ધરાવનારાને બોલવામાં તકલીફ પડે એવા અપ્રચલિત શબ્દો એમાં વપરાયા હતા.
પ્રયોગના સમયે વિજ્ઞાાનીઓ પોતે જ વૉલ્ટના ૨૦ પાનાનો સીલબંધ કવરમાં મુકાયેલો એ લેખ લઇને તે લખનાર નિષ્ણાત તબીબને લઇને હૉલમાં આવ્યા. સીલબંધ કવર ખોલીને તે લેખ ડૉકટરને આપવામાં આવ્યો. તે હૉલના એક ખૂણામાં ઊભા રહ્યા. ફ્રેન્ક રેન્સને બીજા ખૂણામાં એવી રીતે ઊભો રાખવામાં આવ્યો કે જેથી તે બોલનાર તબીબનું મોં જોઇ ના શકે. એકનું મોં પૂર્વ દિશા તરફ રહે તો બીજાનું પશ્ચિમ દિશા તરફ રહે એમ ઊભા હોવાથી ફ્રેન્ક તબીબના હોઠના હલનચલન જોઇ શકે તેમ નહોતું. ફ્રેન્કની સામે એક ટેપરેકોર્ડર પણ મૂકવામાં આવ્યું જેથી તે જે બોલે તે રેકોર્ડ કરી લેવાય. પ્રયોગ શરૃ થયો. તે નિષ્ણાત તબીબે લેખના પાના વાંચવાના શરૃ કર્યા.. પેલી તરફ ફ્રેન્ક રેન્સે પણ સાથે સાથે તેમનું અનુકરણ કરી, લેખના પાના વગર જ બોલવાનું ચાલુ કર્યું. તે બધું જ ટેપ પર રેકોર્ડ થતું રહ્યું. પછી કાર્યક્રમને અંતે જ્યારે ટેપરેકોર્ડર પર ફ્રેન્કની સ્પીચ સાંભળવામાં આવી તો તે પેલા ૨૦ પાનાના લેખના શબ્દે શબ્દ સાથે મળતી આવતી હતી! એટલું જ નહીં, તે નિષ્ણાત તબીબે કરેલા અઘરા પારિભાષિક શબ્દોના સાચા ઉચ્ચારણોની જેમ જ ફ્રેન્કના ઉચ્ચારણો પણ સાચા અને સ્પષ્ટ હતા.
ફ્રેન્ક રેન્સ પર કરાતા પ્રયોગોનો પ્રકાર પણ બદલાતો રહ્યો છે. તેણે ટેલિવિઝન અને ટેલિફોનનો ઉપયોગ કરીને પણ પોતાની ક્ષમતા પુરવાર કરી છે. ટેલિવિઝન પર તેના લગભગ ૨૫ કાર્યક્રમોનું જીવંત પ્રસારણ થયું છે. એક સ્થળે ટેલિફોન પર કોઇ વ્યક્તિ ગમે તે ભાષામાં ગમે તે બાબત પર બોલતી જાય, હજારો માઇલ દૂર ફ્રેન્ક પણ ફોનનું રિસિવર કાને ધરી, તે સાંભળી તત્કાળ તેનું પુનઃ ઉચ્ચારણ કરતો જાય. આ પ્રયોગોમાં બોલનાર વ્યક્તિનું શરીર હજારો માઈલ દૂર રહેલું હોય છે એટલે હોઠના ફફડાટને જોઇને ફરી બોલવાની વાત ઊડી જાય છે. જેરી લ્યુવિસ જોન્સન અને જેક પાર સાથે ફ્રેન્ક રેન્સે 'આઈ હેવ ગોટ એ સિક્રેટ' અને 'ટુ નાઈટ' જેવા કાર્યક્રમોમાં ભાગ લઇ પોતાની અદ્ભુત શક્તિનું નિદર્શન કર્યું છે. તેની આ પ્રકારની ક્ષમતા ચૈતસિક શક્તિને જ આભારી છે.

-Gujarat Samachar