20130225

હું ધૈર્યવિહોણો, બેહાલ કે ગરીબ માણસ છું ?



જાણ્યું છતાં અજાણ્યું - મુનીન્દ્ર

- જેમ ખાણમાંથી નીકળેલી સુવર્ણરજને અનેક ભઠ્ઠીઓમાંથી પસાર થવું પડે છે, પછી જ એને શુદ્ધ સુવર્ણપણું પ્રાપ્ત થાય છે, એ રીતે જીવનની આ પાઠશાળામાં વિપરીત સંજોગોના પાઠો ભણ્યા પછી જ સારી રીતે ઉત્તીર્ણ થઈ શકાય

ખળખળ વહેતી નદીના કિનારે ઊભા હોઈએ, ત્યારે એના રૃમઝૂમ નાદે કલરવ કરતા વહેતા પાણી પર આપણી નજર જાય છે અને પછી જરા આંખો ઊંચી કરીને જળપ્રવાહને વીંધીને નદીના સામા કિનારાને જોઈએ છીએ. નદીના એક કિનારે ઊભા રહીને સામો કિનારો જોઈએ, ત્યારે સમગ્ર નદીપટને આપણી આંખો પામી લેતા હોય છે. એ જ રીતે જીવનસમગ્રને જાણવા માટે નદીના એક કિનારે ઊભેલા આપણે સામા કિનારાને જોવો જરૃરી બને છે.
જેને સ્વ-જીવનમાં, માનવ વ્યવહારમાં કે અધ્યાત્મમાં ઊર્ધ્વ પ્રગતિ સાધવી હોય, એણે સામા કિનારાનો વિચાર કરવો જોઈએ. એક અર્થમાં કહુ તો આ સફળ જીવનની મહાકૂંચી છે, જેના દ્વારા વ્યક્તિના પુરુષાર્થને પ્રગતિના સુસ્વાદુ ફળ સાંપડે છે.
સામા છેડાનો વિચાર એટલે શું ?
કોઈ દુઃખદ ઘટના બની હોય, એને સુખદ માનવાનો પ્રયાસ કરે છે. કોઈ વ્યાધિ કે વેદનાના અનુભવને જીવનના આનંદ અને સમાધિના અનુભવ તરીકે ઓળખો. જીવનમાં માતા-પિતા કે આપ્તજનનું મૃત્યુ થયું હોય, ત્યારે સામે છેડે જઈને એવું વિચારો કે મારો ખભો જીવનની જવાબદારીઓ ઊંચકવા માટે તૈયાર થાય તેવો આની પાછળ સંકેત છે. આમ આસપાસ જામેલા નિરાશા, હતાશા, નિષ્ફળતા, દુઃખ કે આઘાતના કાળા વાદળને દૂર હટાવીને ઉત્સાહરૃપી સૂર્યને જોવા માટે પ્રયત્ન કરીએ.
કારણ એટલું જ કે ઘણીવાર થોડા ગાઢ ધુમ્મસને કારણે વહેલી સવારે એની પાછળના ઊંચા પર્વતને આપણે જોઈ શકતા નથી. નાનકડું ધુમ્મસ આપણી આંખો આગળ રહે છે અને ઊંચો પર્વત અદ્રશ્ય બની જાય છે, પરંતુ એક કાળું વાદળું વિરાટ આકાશને ઢાંકી દેશે નહીં એવો મનમાં અહેસાસ રાખો. કાળાં વાદળાંની ગમગીનીને બદલે એને પાર રહેલા સૂર્યના પ્રકાશની ઉજ્જવળતાનો વિચાર કરીએ. એવું પણ વિચારીએ કે આ ધુમ્મસનું આવરણ તો થોડા સમયનું છે. હમણાં ક્ષિતિજમાંથી સૂર્ય સહેજ ઊંચે આવશે અને પ્રકાશનાં કિરણો ફેલાવશે એટલે ધુમ્મસ માત્ર વિખેરાઈ જ નહીં જાય, પરંતુ નજર સામેથી પણ અદ્દશ્ય થઈ જશે !
ઘણીવાર નાનકડું ધુમ્મસ આપણા મનને ઘેરી વળતું હોય છે. જીવનમાં સાંપડતી એકાદ નિરાશાને મન પર એવી સવાર થવા દઈએ કે આખું જીવન જ નિરાશામય લાગે. એ સમયે જીવનમાં આવતી એકાદ નિરાશા અને નિરાશામય જીવન વચ્ચેના વિશાળ ભેદને ભૂલી જઈએ છીએ. વ્યવસાયમાં આવતા એકાદ ઝંઝાવાતને એટલો બધો માથે ચડાવીએ છીએ કે પછી ઝંઝાવાત જ યાદ રહે છે અને પવન ભુલાઈ જાય છે.
પ્રણયની ભગ્નતા એ જીવનની ભગ્નતા નથી અને જીવનમાં આવતી નિષ્ફળતા એ જીવનભરની નિષ્ફળતા નથી. આપત્તિ, અજંપો, આઘાત કોના જીવનમાં આવતા નથી ? પરંતુ આવી નિરાશાના સમયે સામે કાંઠે વસતી આશાનો વિચાર કરવો જોઈએ. સંધ્યાની લાલિમાને જોઈએ ત્યારે સામે છેડે ઊગેલી સૂર્યોદયની લાલિમાનો વિચાર કરવો જોઈએ. રાતના અંધકારમાં ઊભા હોઈએ ત્યારે સામે છેડે રહેલા પ્રભાતનો વિચાર કરવો જોઈએ.
પણ બને છે એવું કે મોટા ભાગની વ્યક્તિઓ નિરાશાની સપાટીને જોવાનું ઓછું પસંદ કરે છે, પણ નિરાશાના સાગરમાં પોતાના જીવનને ડૂબાડવાનું વધુ પસદ કરે છે. એકાદ પરીક્ષામાં અનુત્તીર્ણ થતાં અભ્યાસ કરવાનું માંડી વાળે છે. પ્રણયમાં થોડો આઘાત આવતાં એ ભગ્નહૃદયી દેવદાસ બની જાય છે. વેપારમાં અસફળ થતાં હાથપગ જોડીને માથું કૂટતો બેસી રહે છે અને જિંદગીભર નસીબને દોષ આપીને વેપાર કરવાનું માંડી વાળે છે.
નિરાશાના કિનારે ઊભા રહીને તમે સામે કાંઠે વસતી આશાનો વિચાર તો કરો ખરા ? એમ વિચારો કે પ્રેમિકા સાથે ઝઘડો થયો, તેનું કારણ કદાચ મારો જ ઝઘડાખોર સ્વભાવ હોય ! કદાચ મારામાં સામી વ્યક્તિને સમજવાની શક્તિ ઓછી હોય ! જે બાબતમાં વાદવિવાદ થયો, તેમાં મારે જરા ખામોશી રાખવાની જરૃર હતી ! મહાન નાટયકાર વિલિયમ શેક્સપિયરે કહ્યું છે તેમ 'એ માણસો કેટલા ગરીબ છે કે જેની પાસે ધૈર્ય નથી. હું એવો ધૈર્યવિહોણો ગરીબ માણસ તો નથી ને !'
પહેલી દ્રષ્ટિએ એમ લાગશે કે આ ઝઘડો તો મારા વર્ષોવર્ષના ગાઢ સંબંધને તોડી નાખશે. સામે કિનારે એમ પણ વિચારી શકશો કે આ તો બે પ્રેમીજનો વચ્ચે થતો મીઠો ઝઘડો છે. આવી મીઠી ચડભડથી તો પ્રેમ વધુ ઉત્કટ બને છે. આમ સામા કિનારે જોવાથી મનની ધારા બદલાઈ જશે. વસ્તુ પરત્વેનો અભિગમ પલટાઈ જશે અને આવી વ્યક્તિ પ્રણયભગ્ન થતાં દેવદાસની જેમ ગમગીની ઓઢીને શરાબના સહારે જીવવાનું પસંદ કરશે નહીં.
કોઈ યુવાન પરીક્ષામાં અનુત્તીર્ણ થાય, તો સામે કાંઠે જઈને એમ વિચારશે કે મારી મહેનત ઓછી પડી, હજી જરા વધુ મહેનત કરવાની જરૃર છે. હવે બરાબર કેડ બાંધીને ભણીશ. આ એક વર્ષ મળ્યું છે, એમાં આખો વિષય બરાબર આત્મસાત કરી લઈશ.
વ્યાપારમાં નુકસાન થાય તો વ્યક્તિ બીજાને દોષ આપવાને પદલે પોતાની ભૂલ શોધવા પ્રયત્ન કરશે. એ વિચારશે કે આ વખતે જરા સોદો કરવાની થોડી ઉતાવળ થઈ ગઈ. થોડું ધૈર્ય દાખવવાની જરૃર હતી. એમ કહેવાય છે કે જેની પાસે ધીરજ છે તે જે કંઈ ઈચ્છા કરે છે તે પ્રાપ્ત કરી શકે છે. હવે સાવધ રહીને વેપાર કરીશ.
સામા કિનારે જોવાથી વ્યક્તિને એક જુદો જ અનુભવ થશે. હકીકત તો એ છે પરિસ્થિતિને જોવાની તમારી દ્રષ્ટિ જ તમારા જીવનને ઘડે છે. સામા કિનારે જોવાની દ્રષ્ટિનો એક અભિગમ પૂરો થયો.
હવે જરા બીજો અભિગમ જોઈએ. જીવનની નિષ્ફળતા સમયે વ્યક્તિ એમ વિચારતી હોય છે કે આની પાછળ કોઈ શુભ સંકેત રહેલો હોવો જોઈએ. આ વખતે આ કામ ન કરી શક્યો, પરંતુ એમાં આ કાર્ય વધારે સારી રીતે કરી શકું એવો સંકેત હશે.
કોઈ વ્યક્તિ સાથેનો સંબંધ પૂરો થતાં આઘાત પણ લાગે, પણ સામે એમ પણ વિચારી શકે કે મારો એની સાથેનો ઋણાનુબંધ પૂરો થયો છે એટલે આ સબંધ પૂરો થયો. પ્રણયમાં નિષ્ફળતા મળતાં એવો પણ વિચાર કરે કે હજી મારો પ્રેમ પૂર્ણરૃપે પરિપક્વ બન્યો નથી. એને હજી વધુ કસોટીની જરૃર છે. આ રીતે કેટલીક વ્યક્તિઓ જીવનની ઘોર નિરાશાને કોઈ સંકેતરૃપે જોતી હોય છે કે પછી સંજોગ રૃપે જોતી હોય છે. એ માને છે કે અમુક અનિવાર્ય સંજોગોને કારણે એ ભૂલ થઈ, પરંતુ હવે એવી ભૂલ ન થાય તે માટે વધુ જાગ્રત થવું.
સામા કિનારાની વિચારધારાનો ત્રીજો અભિગમ એ છે કે આ જિંદગી એ તો પાઠશાળા છે. આ નિષ્ફળતાના અનુભવને પરિણામે ઘણું શીખવા મળ્યું. મારી સાન ઠેકાણે આવી, મારી વિચાર-ક્ષિતિજ વધુ વિશાળ બની. અથવા તો એ એમ માનશે કે આવી અગ્નિપરીક્ષાથી જ આત્મકુંદન પ્રગટે છે. માટે હતાશાનો આ પાઠ કે પરિસ્થિતિનો આઘાત મારા ભવિષ્યના જીવનમાં ખૂબ કામમાં આવશે. આનાથી મારામાં નૈતિકતા જાગ્રત થઈ, મારી ભીતરની સમજ વધી અને આત્માની શક્તિ તૈયાર થઈ.
આ રીતે સામાન્ય માનવી હોય કે સાધક હોય, એ પોતાની આસપાસના સંજોગો, બહારની વ્યક્તિઓ કે સર્જાયેલી પરિસ્થિતિઓ માટે બીજા કોઈનો દોષ જોવાને બદલે પોતાનો જ દોષ જોશે. આને પરિણામે થાય શું ? કટુ કે દુઃખદ પરિસ્થિતિ સામાન્ય રીતે જિંદગીમાં વિષમ ભાવોની ઉત્પત્તિ કરે છે. આવો વિષમભાવ પ્રગટવાને બદલે પરિસ્થિતિને સમજવાનું ધૈર્ય એનામાં પ્રગટે છે.
ભર્તૃહરિએ કહ્યું છે કે, 'જે પુરુષ ખરો ધૈર્યશીલ છે, તેને દુર્દૈવ ગમે તેટલું પરેશાન કરે, તો પણ તેનો સત્ત્વગુણ મંદ પડતો નથી.'
આમ, આ સત્ત્વગુણને કારણે વ્યક્તિ એના જીવનમાંથી હતાશા, નિરાશા કે વૈમનસ્યને દૂર કરી શકશે. બીજા અર્થમાં કહીએ તો સર્જાયેલી પરિસ્થિતિને કે વિપરીત સંજોગોને કે મહાદુઃખોને એ શાંતિથી, સ્વસ્થતાથી સહન કરી લેશે અને એ રીતે એ માનશે કે જેમ ખાણમાંથી નીકળેલી સુવર્ણરજને અનેક ભઠ્ઠીઓમાંથી પસાર થવું પડે છે, પછી જ એને શુદ્ધ સુવર્ણપણું પ્રાપ્ત થાય છે, એ રીતે જીવનની આ પાઠશાળામાં આવા પાઠો ભણ્યા પછી જ સારી રીતે ઉત્તીર્ણ થઈ શકાય.


-Gujarat Samachar