20130225

સત્યને સમજવા, સ્વીકારવા અને જીવી જવા માટે માણસ પાસે છાતી જોઈએ



સ્પાર્ક - વત્સલ વસાણી

- માણસને ક્રૂરતાથી કોઈ પથ્થર મારે તો એટલો નથી વાગતો, જેટલો પ્રેમનો દેખાવ કરતાં કરતાં કોઈ ફૂલ ફેંકે તો વાગે છે

અલ હિલ્લાજ મંસૂરનું નામ સૂફી સંતોમાં શિરમોર જેવું છે. સત્યને સમજવા, સ્વીકારવા અને જીવી જવા માટે માણસ પાસે છાતી જોઈએ. મંસૂર પાસે તે હતી. એણે બિનધાસ્ત રીતે સત્યના પોતાના સ્વાનુભાવને સમાજ સામે મૂક્યો. મુસલમાન લોકો નારાજ થયા કેમ કે, મંસૂરે 'અનલહક'ની ઘોષણા કરી 'હું પોતે સ્વયં ખુદા છું, મારામાં અને ખુદામાં લેશમાત્ર ફરક નથી. કેમ કે, સત્યના સાક્ષાત્કાર પછી મેં મારા અહંકારને છોડી દીધો છે અને હવે મારા દ્વારા જે શક્તિ બોલે કે જે કંઈ કામ કરે છે તે સ્વયં ખુદા છે.'
ભારતમાં કોઈ આવું બોલે તો એને સહી લેવાય છે. કેમ કે યુગો યુગોથી કોઈ ને કોઈ આ વાત કરતું આવ્યું છે. 'ÌOA &{ÑT}N³ - હું સ્વયં બ્રહ્મ સ્વરૃપ છું.' આવું સૂત્ર ઉપનિષદ કાળથી આ દેશમાં કહેવાતું આવ્યું છે પણ મુસલમાન દેશોમાં કોઈ એમ કહે કે 'હું જ સ્વયં ખુદા છું' તો એ અસહ્ય વાત છે. આવું કહેનારને કાફર, જઘન્ય અપરાધી અને ગુનેગાર માનીને મારી નાખવામાં આવે છે. મંસૂરની સાથે પણ આવું જ થયું. સમ્રાટના કાન સુધી આ વાત પહોચી. મુસલમાન પંડિતો મંસૂરની આ ઘોષણાથી નારાજ હતા. એમણે સમ્રાટની કાનભંભેરણી કરી, 'મંસૂરના મગજની કમાન છટકી ગઈ છે ! એ મન ફાવે તેમ બોલે છે. કાફર જેવો વ્યવહાર કરે છે'- આવી બધી વાત સાંભળી સમ્રાટ પણ નારાજ થયો. એણે મંસૂરના ગુરુ જુન્નૈદને બોલાવી ચેતવણી આપી ઃ 'કાં તો તમે આવો બકવાસ કરતો બંધ કરો અથવા જાહેર કરો કે એ મારો શિષ્ય નથી. એનું મગજ છટકી ગયું છે અને એટલે એ મારા કહ્યામાં નથી. શિષ્યપદેથી હું એને બરતરફ કરું છું.'
જુન્નૈદે મંસૂરને બોલાવી ખૂબ જ પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન કર્યો કે, ''શું તું એમ માને છે કે માત્ર તને જ 'અનલહક'નો અનુભવ થયો છે ? શું મને આ વાતની પ્રતીતિ નથી ? પણ હું મૌન છું. મોં પર તાળું મારીને બેઠો છું કેમ કે એવું બોલવા જતાં જિંદગી ગુમાવવી પડે એવું છે. અને મને ખ્યાલ છે કે જેને પણ સત્યનો અનુભવ થયો છે તેની જિંદગી કિંમતી છે. એ નાનીસૂની જીદમાં વેડફી દેવા જેવી નથી. માટે તું મારું માન. જેને સત્યમાં રસ છે, પરમાત્મામાં રસ છે, જે તારી વાત સાંભળવા અને સમજવા માટે તૈયાર છે તેની સામે જ બોલ. બાકીના લોકો તો ઘેટા- બકરાં જેવા છે, એમની સામે સત્ય બોલવા જઈશ કે એમને છંછેડીશ તો જીવન ગુમાવ્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. સમાજ યુગોથી આ જ કરતો આવ્યો છે. માટે તું મારી વાત માન.''
મંસૂરે કહ્યું, ''મને ખૂબ દુઃખ થાય છે. આપના મોંએથી આવી વાત સાંભળવા મળશે એવી મને આશા ન હતી. તમે શું એમ માનો છો કે હું 'અનલહક'નો નાદ કરું છું તે મારા તરફથી કરું છું ? તમે પણ શું એમ માનો છો કે આની પાછળ મારો અહંકાર છે ? હું મજબૂર છું. મારાથી રહેવાતું નથી. એક એવી ખુમારી મારા અસ્તિત્વ પર છવાઈ જાય છે કે ખુદ એની મેળે જ આવી ઘોષણા થાય છે. અને સમાજથી ડરવાનો અર્થ શો ? જેમની પાસે કશી જ સમજ નથી એવા લોકોથી ડરી જઈને જીવન જીવવાનો મતલબ શો છે ? સત્યનો સ્વાનુભવ થયા પછી મૃત્યુનો ડર તો ચાલ્યો જ જવો જોઈએ. શરીર તો આજે નહીં ને કાલે મરવાનું જ છે. એના માટે સત્યનો સાથ ન છોડાય. જે સાચું છે તેની ઉદ્ધોષણા કરતાં કદાચ મરવું પડે તો મારી દ્રષ્ટિએ એ વરણીય છે. માટે મને માફ કરજો. મારા દ્વારા જે બોલાશે તે જ હું બોલીશ.''
જુન્નૈદે કહ્યું ઃ ''તું મારો અતિશય વહાલો શિષ્ય છે. હું જાણું છું કે, તું જે કહે છે તે સત્ય છે. તારી તમામ વાત સાથે હું સહમત છું. પણ સમાજમાં રહેવું હોય, એને ઉપયોગી થવું હોય, એમના સુધી સત્ય પહોંચાડવું હોય તો આક્રમક થવું યોગ્ય નથી. એમની વચ્ચે જઈને ધીમે ધીમે એ પચાવી શકે તેટલા પ્રમાણમાં પીરસવું જોઈએ. તું મને પ્રેમ કરતો હોય તો મારી એક વાત માન. કાબાની પરિક્રમા કરી આવ. થોડા સમય માટે તું અહીંથી દૂર ચાલ્યો જા.''
મંસૂર ઊભો થયો. જુન્નૈદની ચાર પરિક્રમા કરી. એમના ચરણમાં નમી માત્ર એટલું જ બોલ્યો, ''આપ જ મારા માટે કાબા, સર્વોત્તમ તીર્થ અને સ્વયં ખુદા છો. આપના ચરણ છોડીને હવે હું ક્યાંય દૂર ભટકવા નથી માગતો.''
જુન્નૈદે એને નિયતિ પર છોડી દીધો. એ પછીના થોડા દિવસોમાં જ મંસૂરની હત્યા કરવામાં આવી. એક લાખ લોકો એની હત્યાના તમાશાને જોવા હાજર હતા. લોકોએ એના પર પથ્થર ફેંક્યા. કીચડ ઉછાળ્યો. દેવાય એટલી ગાળો પણ દીધી. આમ છતાં એ હસી રહ્યો હતો. જગતમાં કોઈ પણ સિદ્ધ પુરુષને મારવામાં ન આવેલ હોય એ રીતે એને માર્યો. પહેલાં એના પગ કાપવામાં આવ્યા, લોહીના ફુવારા છૂટયા પછી એના હાથ કાપવામાં આવ્યા તો પણ એના હાસ્યમાં ફરક ન પડયો. મૃત્યુને એ માણસ મહોત્સવની જેમ માણી રહ્યો હતો. લોકોનો પથ્થરમારો પણ એના હાસ્યને શમાવી ન શક્યો પણ એવામાં એક ફૂલ એના શરીર પર જઈને અથડાયું. અને એની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. નજીક ઉભેલા લોકોએ પૂછ્યું કે, ''મંસૂર, તું તો બહાદુર છે. આટઆટલા પત્થર છતાં જે માણસ હસતો રહ્યો એ આ ફૂલ વાગવાથી શા માટે રડી પડયો ?''
મંસૂરે કહ્યું ઃ ''પથ્થર તો એવા લોકોએ મારેલા જે મને જાણતા ન હતા. હું શું છું અને મારી ચેતનાની સ્થિતિ શી છે એ વિશે આ લોકો જાણતા નથી. એટલે એ માફ કરવાને યોગ્ય છે. મને એમના પથ્થરનું કોઈ દુઃખ નથી પણ ફૂલ એક એવા માણસે ફેંક્યું છે જે મને જાણે છે. હું જે કહું છું એની સચ્ચાઈને એ માણસ અંદરથી પ્રમાણે છે અને છતાં સમાજના ડરથી, શાસનના ડરથી, સ્વયંના બચાવ માટે એ મારી સામે ફૂલ ફેંકે છે અને એથી મને રડવું આવે છે. એ આ ટોળામાં શામિલ છે અને મારવામાં એનો પણ સાથ છે એવું બતાડવા એેણે પથ્થરને બદલે ફૂલ ફેંક્યું છે. માણસને ક્રૂરતાથી કોઈ પત્થર મારે તો એટલો નથી વાગતો જેટલો પ્રેમનો દેખાવ કરતાં કોઈ ફૂલ ફેંકે તો વાગે છે.''
મંસૂરની હત્યા એ માણસ જાતની હેવાનિયતનું પ્રમાણ અને સત્યની વાત કરનારા લાચાર લોકોની હારનું પ્રતીક છે. મંસૂરની હત્યા વખતે કે હત્યા સામે નાસમજ લોકો કશું ન બોલે એ તો સમજાય છે પણ જુન્નૈદ જેવા સંબુદ્ધ સદ્ગુરુ પણ ચૂપ રહે એ આ નિષ્ઠુર જગતની બલિહારી છે.
હાથપગ કાપ્યા પછી ય હિંસાની આગ શમી નહીં. સળિયા મારીને એની આંખો પણ ફોડી નાખવામાં આવી. એક પછી એક અંગને કાપવામાં આવ્યા. તડપાવી તડપાવીને મંસૂરને માર્યો. 'અનલહક'ની એની ઘોષણા તો ચાલુ જ હતી. છેલ્લે એ ઘોષણાને કરનારી જીભનેય કાપી નાખવામાં આવી.
જગતનો ઇતિહાસ આવી અનેક હત્યાઓના રક્તથી લખાયો છે અને લખાતો રહેશે કેમ કે નવા નવા મંસૂર આવી વાસ્તવિકતા છતાં ય પેદા થતા રહેવાના.
ક્રાન્તિબીજ

જગતમાં સત્ય જ ઇશ્વર- પરમ નિયંતા છે; સત્યમાં જ ધર્મ સદા આશ્રિત છે. સમગ્ર માનવ અસ્તિત્વના મૂળમાં સત્ય છે, સત્ય કરતાં પરમ પદ બીજું કોઈ નથી.
- વાલ્મિકી રામાયણ (અયોધ્યા કાંડ)

-Gujarat Samachar