20130225

યુવાનો માટે આત્મઘડતરના આઠ ઉપાયો કયા?



જંગલમાં આવેલી એક ઝુંપડીમાં દીવો ટમટમી રહ્યો છે. તેમાં એક સંત શાન્તિથી બેઠા છે. લોકોને ધર્મોપદેશ આપીને આવ્યા છે, એટલે વ્યાખ્યાનને કારણે થોડો થાક અનુભવે છે. એમણે આજે યુવાનોને 'સુધરવા માટે' ખાસ્સો ઉપદેશ આપ્યો છે! એટલામાં તેમના કાને કોઈકના શબ્દો પડે છે ઃ
''હે યુવાન, હવે તને કાંઈક સારી વાતચીતની જરૃર છે. તને ઠપકાની નહીં, પ્રોત્સાહનની જરૃર છે. એ વાત સાચી છે કે તું ભટકી રહ્યો છું, તારા આદર્શો શિથિલ બની રહ્યા છે, સૌથી ખરાબ વાત તો એ છે કે તું થોડું કામ કરે છે, તારા પોષાકની બાબતમાં બેદરકાર છે, તારી રીતભાતની કાળજી રાખતો નથી, તેમ છતાં તને આ બાબતોનું જરા પણ દુઃખ નથી! આ વાત સારી નથી. જો તું પ્રમાદી અને શિથિલ બનીશ, કાળજી નહીં રાખે તો તારી કારકિર્દીને ગંભીર નુકસાન થશે. તું જેટલી પ્રગતિ કરવા ધારે છે તે કરતો નથી, એટલે ઉત્તમ તકો તારા હાથમાંથી સરી જાય છે. તારે તારા આદર્શોને અજવાળવાની જરૃર છે. તું સરળ કાર્યો કરવાનું પસંદ કરે છે માટે પડકારો ઝિલવાની તારી શક્તિ મંદ પડી રહી છે. હે યુવાન! જ્યાં સુધી તું તારી જાતને ન્યાય નહીં આપે, ત્યાં સુધી તું કોઈ પણ લક્ષ્ય સિદ્ધ નહીં કરી શકે. તારે તારી જાતને બારીકીથી તપાસવી પડશે! તું હાલ જે કાંઈ કરી રહ્યો છે, એનાથી ઘણું બધું સારું કામ કરવાને તું શક્તિમાન છે. તારે વિજેતા બનવું જોઈએ. તારો દિવસ સુવર્ણાક્ષરે લખાવો જોઈએ. તારા મસ્તિષ્કમાંથી કચરો કાઢી નાખ. તું ભીરૃ છે, કાયર છે એ વિચાર મનમાંથી કાઢી નાખ. પતનના વિચારો જ માણસને પતનના પંથે દોરી જાય છે. મનને નિર્બળ વિચારોના સૈનિકોને હવાલે કરવું એ પરાજયની પ્રથમ નિશાની છે.'' (સંકલિત)
પેલા સંત પર્ણકુટીમાં બહાર નીકળ્યા. શબ્દો પરથી તેમને લાગતું હતું કે તેમના જેવો ઉપદેશક યુવાન સમક્ષ ઉપદેશાત્મક પ્રવચન આપી રહ્યો હશે. પરંતુ પેલો યુવાન એકલો જ હતો અને હમણાં જ એણે બોલવાનું બંધ કર્યું હતું.
સંતે તે યુવાનને પૂછ્યું, ''હમણાં મોટેમોટેથી તું જ બડબડાટ કરતો હતો ?''
યુવાને કહ્યું ઃ ''મહારાજ, અહીં જ તમારી ભૂલ થાય છે. તમે ઉપદેશકો યુવાનોને સંભળાવો છો ઝાઝું, પણ યુવાનોની વાત સાંભળવાની તમને ફૂરસદ હોતી નથી! મેં નક્કી કર્યું છે કે મારે મારી નબળાઈઓ દૂર કરવા મારી જાત સાથે વાતચીત કરવી છે. જાતથી મોટો જગદ્ગુરૃ કોઈ નથી! જાત સાથે સંવાદ કરવો એટલે જગત સાથે લડવાની તાકાત કેળવવી. હું મારી જાત સાથે વાત કરીને મારી જાતને આશ્વસ્ત અને ઉત્સાહિત કરવા માગું છું કે હું વીર છું, બહાદુર છું અને એ વાત સાબિત કરી આપવાનો આ સમય છે.''
પેલા સંતને એ યુવાને કહેલી વાત પ્રત્યેક યુવાન માટે દીવાદાંડી સ્વરૃપ છે. બાળકથી માંડીને એ યુવાન બને ત્યાં સુધી વ્યક્તિ પર એક જ વાતનો મારો ચલાવવામાં આવે છે કે તેણે ઉત્તમ શ્રોતા બનવાનું છે. માતા-પિતાની સાચી કે ખોટી વાતો તેણે આંખો બંધ કરીને સાંભળી લેવાની, ઘરનાં વડીલોના આક્ષેપો વખતે મૌન ધારણ કરવાનું, શાળામાં શિક્ષક-શિક્ષિકા કે આચાર્યનો ઠપકો, સજા દલીલ કરવાની સ્વતંત્રતાને દફનાવીને સાંભળી લેવાનો, સત્સંગ-સભાઓમાં, કથાઓમાં અપાતા ઉપદેશ આજ્ઞાાંકિતભાવે સાંભળી લેવાના, શિબિરોમાં 'વ્યક્તિત્વ ઘડતર'ને બહાને ઠલવાતાં સૂચનો કેવળ શ્રોતાભાવે સ્વીકારી લેવાનાં.
'રોલ-મોડેલ'નો અર્થ કેવળ સાદાં વસ્ત્રો કે ધાર્મિક-આધ્યાત્મિક જીવનશૈલી નહીં, પરંતુ વર્તનમાં ઉદાત્ત મૂલ્યોને જીવી બતાવવાની પ્રતિબદ્ધતા. યુવાન પલાયન કરે ત્યાર બાદ તેની ચિંતા કરીએ છીએ, તેને બદલે એને પલાયન કરવાનું મન જ ન થાય, એવું વાતાવરણ શું પેદા ન થઈ શકે? ભારતીય માનસનો ભાગ્યવાદે એવો ભરડો લીધો છે કે સંતાન બગડયું કે સુધર્યું, તેને માટે પણ ભાગ્યને જ જવાબદાર માનીએ છીએ.
યૌવનને કોઈ નહીં ઘડી શકે, સિવાય કે એની પોતાની જાત. જાત સાથેનો સંવાદ જ એને પોતાની કુટેવો, મર્યાદાઓમાંથી મુક્ત થવાનો માર્ગ ચીંધી શકશે. એ માટે યુવાનોએ અપનાવવા જેવા કેટલાક ઉપાયોઃ
૧.    રાત્રે સૂતા પહેલાં આખા દિવસની ઘટનાઓ યાદ કરી તમે તમારી ઈચ્છાઓ-મજબૂરીઓ, ટેવો સામે ક્યાં હારી ગયા તેની યાદી કરો. બીજે દિવસે તેનું પુનરાવર્તન ન થાય તેનો સંકલ્પ કરો. ૨.    તમે કમજોર, બગડી ગએલા, ઉંધા રસ્તે ચઢી ગયા છો, એવું કદાપિ ન માનો. તમારામાં ઉન્નત થવાની ભરપૂર શક્યતાઓ અને શક્તિ છે, એવું તમારી જાતને ઠસાવો. ૩.    શાળામાં શિક્ષક-અધ્યાપકે કે ઘરમાં માતા-પિતાએ તમને ઠોઠ, આળસુ કે નઠોર કહ્યા તેનાથી વિચલિત ન થશો. તમારી જાતને ઠોઠ માનશો નહીં, આક્ષેપથી કમજોર કે હતાશ થવાને બદલે એને પડકાર રૃપે લઈ તમને મનગમતા ક્ષેત્રમાં તમારા સામર્થ્યનો ઉત્તમ ઉપયોગ કરી શ્રેષ્ઠતા સિદ્ધ કરો. ૪.તમારી જાતને લાડ લડાવવાને બદલે તમે જાતને યોગ્ય શિસ્ત માટે તમારા મનને તૈયાર કરો. સહુને સાંભળી યોગ્ય નિર્ણય જાતે લેવાની આદત કેળવો. ૫.પરીક્ષાઓનું પરિણામ એ જ માત્ર સફળતાનો માપદંડ નથી. જીવનનાં અનેક ક્ષેત્રો તમને સફળતા માટે સાદ કરી રહ્યાં છે. તેમાં તમારું આગવું પ્રદાન કરો. ૬.    આવેગોને સમજીને તેમને નિયંત્રિત કરવાનું શીખી લેવું જરૃરી છે. ૭.    સૌથી મહત્વની વાત છે 'જાત સાથે સંવાદ કરવાની, વાતચીત કરવાની. આત્મદર્શનનો અરીસો માણસની જિંદગીને ઉજળી બનાવનારો હાથવગો કીમિયો છે, એટલું યાદ રાખો.' ૮.    તમે કોઈએ તમારા વિશે બાંધેલી ધારણા કે કરેલા આક્ષેપોથી ચલિત-વિચલિત ન થશો. આ જગત આક્ષેપશૂરું છે, તેજસ્વીના તેજને હણવાની પરંપરા એની યુગજૂની છે.

-Gujarat Samachar