20130228

ગુજરાતી સાહીત્યમાં ‘દલીત સાહીત્ય’ શબ્દ શા માટે પ્રયોજાવો જોઈએ ?

http://www.youtube.com/embed/ik9AtJQXaHQ?rel=0


ગુજરાતી સાહીત્યમાં ‘દલીત સાહીત્ય’ શબ્દ શા માટે પ્રયોજાવો જોઈએ ?

–દીનેશ પાંચાલ
       સુરતમાં સાહીત્ય પરીષદના અધીવેશનમાં અનેક દીગ્ગજો પધાર્યા હતા. તેમના ચીંતનાર્થે અત્રે એકાદ બે પ્રશ્નો રજુ કર્યા છે. એ સર્વવીદીત સત્ય છે કે મા સરસ્વતીના પવીત્ર સાહીત્યક્ષેત્રમાં આજે સ્થીતી ખાસ ગૌરવ લઈ શકાય એવી રહી નથી. બધાં ક્ષેત્રોમાં મુલ્યોનું ધોવાણ થયું છે તેમ સાહીત્યમાંય થયું છે. જુની પેઢીના સર્જકો, પન્નાલાલ પટેલ, પીતામ્બર પટેલ, ઈશ્વર પેટલીકર, ગોવર્ધનરામ ત્રીપાઠી, રવીન્દ્રનાથ, શરદબાબુ વગેરેનું પ્રદાન સાત્ત્વીક અને ચીરસ્મરણીય રહ્યું હતું. તેમના સર્જનમાં જીવન ધબકતું હતું. આજના બહુધા સર્જકો વાડાબંધીના ભોગ બન્યા છે. મૈત્રી–વીવેચનોનું પ્રદુષણ વધ્યું છે. રોયલ્ટી લેખકની બુદ્ધીશક્તીનું પારીશ્રમીક ગણાય એથી લેખક રોયલ્ટી ઝંખે તે અનુચીત નથી; પરંતુ એથી આગળ વધીને એવોર્ડો મેળવવા માટે પેંતરા કરવા, પાઠ્યપુસ્તકોમાં પોતાની કૃતીનો સમાવેશ કરાવવો અથવા પોતાના પુસ્તકને પાઠ્યપુસ્તક તરીકે ઘુસાડવું, એવી બધી જ ‘મેલીવીદ્યા’માં આજનો લેખક પારંગત થઈ ગયો છે. કહેવાતા ટોચના ધુરંધર સાહીત્યકારો વીશે પણ ઘણાં ઘૃણાસ્પદ સત્યો બહાર આવે છે. સાહીત્યકારો સાથે સાધારણ માણસનો અંતરંગ સમ્બન્ધ તુટી રહ્યો છે. શ્રી. ગોવર્ધનરામ ત્રીપાઠી કૃત ‘સરસ્વતીચંદ્ર’નો લોકજીવન પર એવો ગાઢ પ્રભાવ હતો કે લોકો તેમની નવલકથાનાં પાત્રો પરથી સન્તાનોનાં નામ રાખતા. આજે લેખકની કલમ અને કલ્પનામાં એવું કૌવત રહ્યું નથી. પ્રયોગખોરીના નામે એબ્સર્ડ (દુર્બોધ) સાહીત્ય ઠઠાડવામાં આવી રહ્યું છે. શાળાઓની, ગ્રામપંચાયતોની કે શહેરોની લાયબ્રેરીઓમાં લાખો રુપીયાનાં એવાં પુસ્તકો ઘુસાડવામાં આવે છે. મા સરસ્વતીનું ક્ષેત્ર ‘લીયા… દીયા’ જેવું સ્ટૉક–એક્સચેન્જ બની ચુક્યું છે. સાહીત્ય પરીષદમાં ભેગા થનારા લેખકો કેવળ સાહીત્યની ક્વૉલીટીની જ નહીં; આજના લેખકોની પણ ચર્ચા કરે તે જરુરી છે. પરન્તુ દુ:ખની વાત છે કે તેમ થતું નથી.
       હવે દલીતો અને તેમના સાહીત્ય પર નજર કરીએ. ગાંધીજીનું એક સ્વપ્ન દલીતોનો ઉદ્ધાર કરવાનું હતું. આજે પણ દેશના અમુક ભાગોમાં દલીતોની સ્થીતી દયનીય છે. યેનકેન પ્રકારેણ તેમનું શોષણ કરવામાં આવે છે. દલીતોને થતાં અન્યાય અને સામાજીક શોષણને કારણે ન છુટકે તેમણે ધર્મપરીવર્તન પણ કરવું પડે છે. આપણા બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરે એ જ કારણે બૌદ્ધ ધર્મ અંગીકાર કરવો પડેલો. દલીતો આપણી વસતીનું જ એક અંગ છે. આપણી સંસ્કૃતીમાંથી તેમની બાદબાકી શક્ય નથી. તેમને જો વીકાસની યોગ્ય તકો આપવામાં આવે તો તેઓમાંથી પણ અબ્દુલ કલામ કે બાબાસાહેબ આંબેડકર પ્રાપ્ત થઈ શકે છે. દલીતોએ પણ એક વાત સમજી લેવી પડશે. તેમણે પોતાનાં રખોપાં માટે સામાજીક હમદર્દીની દયા પર જીવવાને બદલે આત્મબળથી ઘુંટણીયાભેર ઉભા થવાની ઉત્કંઠા દાખવવી પડશે. યાદ રહે, પ્રગતી અને વીકાસ માટે નીષ્ઠા અને લગનનો કોઈ વીકલ્પ નથી. દલીતો ખુદની ખુમારીથી  સ્વયમ્ સંકલ્પ કરશે તો એક દીવસ જરુર એવો આવશે કે દલીતોને પોતાને કુવે પાણી ન ભરવા દેતા ઉજળીયાતો, કોઈ દલીતે શોધેલા મીનરલ વોટરથીય ચઢે એવા શ્રેષ્ઠ જળ માટે તેમના આંગણામાં લાઈન લગાડશે. આજે વીકાસના જમાનામાં હવે સ્થીતી એવી રહી નથી કે દ્રોણગુરુ કહે અને એકલવ્ય અંગુઠો કાપી આપે ! બલકે દલીતોએ એવો સુંદર વીકાસ કર્યો છે કે આજે કેટલાંય એકલવ્યો ડૉક્ટર બની દ્રોણ ગુરુઓના અંગુઠાનું ઓપરેશન કરીને તેમની વીદ્યાને જીવતદાન આપે છે. આ કાંઈ જેવા તેવા આશ્વાસનની વાત નથી. એક વાત મીનમેખ છે. કોઈએ પણ પ્રગતી કરવી હશે તો ઉછીનો ઉત્સાહ કામે નહીં લાગે. પ્રેરણા સ્વયંભુ હોવી જોઈશે. અન્તરીક્ષમાં પહોંચ્યા વીના કલ્પના ચાવલાને કે સુનીતા વીલીયમ્સને દુનીયા ઓળખી ના શકતી હોય તો ખીણમાં ઉભેલા દલીતોનો ઉદ્ધાર તો સ્વયમ્ બાબાસાહેબ આંબેડકર પણ ના કરી શકે.
       આપણા દેશે શીક્ષણ, વીજ્ઞાન અને ટૅક્નોલૉજીના ક્ષેત્રે હરણફાળ પ્રગતી કરી છે. સૌને માટે વીકાસની એક જ શરત છે. દુનીયાના બજારમાં બુદ્ધીપ્રતીભા અને શીક્ષણનું ચલણ ચાલે છે. તે ચલણ તમારી પાસે હોવું જોઈશે. ભુતપુર્વ રાષ્ટ્રપતી અબ્દુલ કલામ દલીત વર્ગના છે. નાનપણમાં એ છાપાના ફેરીયા હતા. એમને દેશના સર્વોચ્ચ સ્થાને બીરાજતાં કોણ અટકાવી શક્યું ? એ ભણવામાં ‘ઢ’ નીકળ્યા હોત તો આટલી પ્રગતી કરી શક્યા હોત ખરા ?
       સમાજની એક રીત વખાણવા જેવી છે. તમારામાં કૌવત હશે તથા ભીતર ચેતનાનું અજવાળું હશે અને શીક્ષણ દ્વારા તમે સદીની સમકક્ષ વીકાસ સાધી શક્યા હશો તો સમાજ તમારા ચરણોમાં પડતા ખંચકાશે નહીં. તમે આત્મબળથી પ્રગતી કરશો તો તમારી દલીત જાતી તમારો વીકાસ રોકી શકશે નહીં. અને એ પણ એટલું જ સાચું છે કે આવડત નહીં હોય તો બ્રાહ્મણે, ક્ષત્રીયે કે વૈશ્યે પણ ભીખ માગવી પડશે. માણસની જાતી મહત્ત્વની નથી; ખ્યાતી મહત્ત્વની છે. અમીતાભ બચ્ચનની અટક પરમાર હોત તો પણ તે એટલી જ પ્રસીદ્ધી પામ્યા હોત. પ્રસીદ્ધી અમીતાભના નામમાં નથી અભીનયમાં છે. કૌવત હોય તો દલીતો પણ કોણી મારીને આગળ આવી શકે છે. દેશની સરકારી કે ખાનગી ઓફીસોમાં એક બે નહીં કરોડોની સંખ્યામાં દલીતો ઉંચેરાં સ્થાને બેઠા છે. દુનીયાના બજારમાં કાબેલીયતનું જ ચલણ ચાલતું હોય તો દલીતોએ ડરવાનું કોઈ કારણ નથી. આજે પણ સેંકડો દલીત નેતાઓ પાર્લામેન્ટની ખુરશી શોભાવે છે. તેમના વીકાસમાં ઉજળીયાતો કદી આડા આવ્યા નથી. સ્વ. સુરેશ જોષીએ સાહીત્યમાં દુર્બોધ સાહીત્યનો નવતર પ્રયોગ કરેલો.  એમની અટક ચૌહાણ હોત તો શું એ પ્રયોગ ન સ્વીકાર્યો હોત ? અખો અને કબીર શુદ્ર હતા; છતાં તેમનું તત્ત્વજ્ઞાન આજે કૉલેજોમાં ભણાવાય છે. કોઈ અનુસુચીતજાતીનો માણસ પાણીથી ચાલતા સ્કુટરની શોધ કરે તો શું ઉજળીયાતો તેને નહીં અપનાવશે ? અત્રે (સ્વપ્રસંશા માટે નહીં પણ ફક્ત) પુરાવા ખાતર એક વાત (થોડા સંકોચ અને ખાસ ક્ષમાયાચના સાથે) લખવી પડે છે. આ લખનારે ગુજરાતના મોટાભાગના છાપાઓમાં લખ્યું છે. કદી કોઈ તંત્રીએ એમ કહીને નીરાશ નથી કર્યો કે તમે શુદ્ર છો એથી તમને કૉલમ નહીં મળે. આ લખનારનાં પુસ્તકોને સાહીત્ય અકાદમીનો અને સાહીત્ય પરીષદનો, એમ બબ્બે એવોર્ડ મળ્યા ત્યારે નીર્ણાયક કમીટીમાં બ્રાહ્મણો પણ હશે જ; તેમણે મારી શુદ્રતાનું નહીં સાહીત્યીકતાનું જ મુલ્ય આંક્યું હતું. વળી કોઈ બ્રાહ્મણ સર્જકની નબળી કૃતીને તેમણે ઈનામ વંચીત રાખી હોય એવું પણ બન્યું હશે.
       એક વાત સમજાય છે. માણસે કયા કુળમાં જન્મ લીધો છે તેનું મહત્ત્વ નથી;  પણ જીવનમાં તે શું બની શક્યો છે તે વાત મહત્ત્વની છે. આફ્રીકાના જંગલમાં રહેતો માણસ ચન્દ્ર પર પહોંચી શકે તો આખી દુનીયાની આદરભરી નજર તેના તરફ મંડાયા વીના ના રહે. પછી લોકો આફ્રીકાના જંગલને ભુલી જાય છે. જો તમે કમળ બની શકશો તો કાદવ તમારું કાંઈ બગાડી શકશે નહીં. ગાંધીજી વાણીયા (ઉજળીયાત) હતા. પણ એમનો દીકરો હરીલાલ વેશ્યાગામી, જુગારી અને દારુડીયો બની ગયો હતો. કર્ણ (દાસીપુત્ર) કહેવાયેલો છતાં તેને ‘શ્રેષ્ઠ દાનેશ્વરી’ તરીકે આજે પણ ઓળખીએ છીએ.
       માનો કે ન માનો પણ સત્ય તો એ જ છે કે હવે હરીજન હોમમીનીસ્ટર બની શકે છે. કુંભારનો દીકરો કલેક્ટર બની શકે છે. સુથારનો દીકરો સાહીત્યકાર બની શકે છે અને લુહારનો દીકરો (શંકર–જયકીશનની જોડીનો જયકીશન) સંગીતકાર બની શકે છે. સમાજની અદાલતમાં ક્ષમતાનો આવો સુંદર પોએટીક જસ્ટીસ અમલી છે ત્યાં સુધી કોઈએ હીમ્મત હારવાની જરુર નથી. ચાલો, આપણે દુનીયાના એ દસ્તુરને માથે ચઢાવીએ અને એ વાતનો દૃઢપણે સ્વીકાર કરીએ કે કોઈ ઉંચ નથી કોઈ નીચ નથી. આપણે સૌ એક નીભાડામાં પાકેલા સંતાનો છીએ. વર્ષો પુર્વે આપણા પુર્વજો એ સત્ય સમજી શક્યા ન હતા. આપણે પણ એ સમજવામાં હજી અખાડા કરીશું તો બાવીસમી સદીમાં પણ અનામત આંદોલનો વેઠવાં પડશે. અનામત પ્રથાને ખતમ કરવાનો રામબાણ ઈલાજ એ જ કે કોઈને પછાત જ ન રહેવા દઈએ. ન રહેગા દલીત; ન હોગા કોઈ વ્યથીત…!
       દલીતો વીશે આટલી પેટછુટી વાત કર્યા બાદ સાહીત્ય ક્ષેત્ર માટે પણ દલીત સાહીત્ય સમ્બન્ધે એક ફરીયાદ રહી છે તેની ચર્ચા જરુરી અને ખાસ મહત્ત્વની છે. હમણા દલીતો વીશે એક પુસ્તક વાંચવા મળ્યું. ‘ટ્રુથ એબાઉટ દલીત: કાસ્ટ સીસ્ટમ એન્ડ અન્ટચેબીલીટી’ નામના એ પુસ્તકના લેખક ઓલીવર ડીસોઝા 20 વર્ષોથી દલીત ચળચળ સાથે સંકળાયેલા છે. તેમણે દલીતોનાં વીવીધ પ્રશ્નો અને સમસ્યાઓની વીગતે છણાવટ કરી છે. એકવીસમી સદીનાં આધુનીક અજવાળામાં પણ દલીતોનો ઈલાકો શા માટે અંધારીયો રહી ગયો છે તેની વાત એમણે કરી છે. પરન્તુ અત્રે આ લખનારની મુળ ફરીયાદ એ છે કે દલીતો દ્વારા રચાયેલા સાહીત્યને ‘દલીત સાહીત્ય’ તરીકે શા માટે ઓળખવામાં આવે છે ? મા સરસ્વતીના પવીત્ર સાહીત્યમન્દીરમાં આ તે કેવી આભડછેટ ? સમાજમાં તેમને હંમેશને માટે દલીત તરીકે જ સ્થાપી દેવાની એ કુચેષ્ઠા નહીં તો બીજું શું છે ? એ શબ્દ સાહીત્યમાં શી રીતે પ્રવેશી શક્યો તેનું આશ્ચર્ય થાય છે અને એ વાતે જાગૃત દલીતો એનો વીરોધ શા માટે નથી કરતા ? સાહીત્ય તો કેવળ સાહીત્ય જ હોઈ શકે. એમાં ‘દલીત– ઉજળીયાત’ જેવા ભેદ પાડી જ ન શકાય. શું જૉસેફ મેકવાનની નવલકથા ‘આંગળીયાત’માંથી દાલીત્યની ગંધ આવે છે ? ભુતપુર્વ રાષ્ટ્રપતી ડૉ. અબ્દુલ કલામની આત્મકથા ‘અગનપંખ’માંથી દલીતતા ડોકાય છે ? સાહીત્યનો એક જગસ્વીકૃત માપદંડ છે. એ ચકાસણીમાં જે ખરું ઉતરે તે સાહીત્ય કહેવાય. સાહીત્યની ઓળખ તેના લખનાર પરથી નહીં તેના સાત્ત્વીક ધોરણ પરથી જ થઈ શકે. (ગાંધીજીનું સાહીત્ય ‘વાણીયા સાહીત્ય’ અને ગોડસેનું સાહીત્ય ‘ગુંડા સાહીત્ય’ એમ ન કહેવાય.) વાલીયામાંથી વાલ્મીકી બનેલા ઋષીએ રામાયણ લખ્યું. એ ‘રામાયણ’ને ‘લુંટારા સાહીત્ય’ તરીકે ન ઓળખાવી શકાય. જરા કલ્પના તો કરો, ‘રામાયણ’ને ‘દલીત સાહીત્ય’ તરીકે ઓળખીશું તો કેવું લાગશે ?
       મુળ વાત એટલી જ, સાહીત્ય કેવળ અને કેવળ સાહીત્ય જ હોય. તેમાં ‘દલીત’ શબ્દ ઉમેરીને અસ્પૃશ્યતાના પેલા પુરાણા પોપડાને ઉખેડવા જેવો નથી. અનુસુચીત જાતીની માટેનો પ્રચલીત શબ્દ હવે જાહેરમાં બોલી કે લખી શકાતો નથી. કોઈ તેનો ઉપયોગ કરે તો તેના પર ‘એટ્રોસીટી એક્ટ’ મુજબ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. તે જ પ્રકારની સજાનું પ્રાવધાન આવા જાતીભેદ ઉભો કરનારા નામ માટે (અર્થાત્ ‘દલીત સાહીત્ય’ શબ્દપ્રયોગ માટે) પણ હોવું જોઈએ.
       ઉદાહરણો તો અનેક આપી શકાય. પણ માણસનું જ ઉદાહરણ લઈએ. કોઈ પણ જ્ઞાતી, કોમ કે ધર્મના લોકોની દૈહીક રચના સરખી હોય છે. સાહીત્ય પણ દેહ રચના જેવું છે. બહુબહુ તો બળવાન દેહ અને નબળો દેહ એવું વર્ગીકરણ કરી શકાય, તેમ ઉત્કૃષ્ટ કોટીનું સાહીત્ય અને નબળી કોટીનું સાહીત્ય એવો ભેદ (વ્યવસ્થા ખાતર) પાડી શકાય. પણ અહીં ખરો રંજ એ વાતનો છે કે ઉત્તમ, મધ્ય અને કનીષ્ઠની ગણતરીથી વર્ગભેદ પાડવામાં આવતો નથી. દલીત દ્વારા રચાયેલું સાહીત્ય સર્વશ્રેષ્ઠ હોય તો પણ તેને ‘દલીત સાહીત્ય’ના નામે જ ઓળખવામાં આવે છે. આવા અપમાનજનક જાતીભેદનો સૌથી મોટો વાંધો દલીત સમાજના અગ્રણીઓને હોવો જોઈએ. જરા વીચારો : સોનું (Gold) એટલે સોનું. એના પ્રકારો જરુર હોઈ શકે. જેમ કે વીસ કૅરેટ, બાવીસ કૅરેટ, ચોવીસ કૅરેટ વગેરે. પણ આ બધા તો ઓળખ માટે માણસે ઉભાં કરેલાં (વ્યવસ્થાપકીય) વર્ગીકરણો છે. સોનાનું મુળ ‘હેમતત્ત્વ’ તો એક જ હોય શકે ને ! કોઈ દલીત વ્યક્તી ચોવીસ કૅરેટ સોનું વેચતો હોય તેને ‘દલીત સુવર્ણ’ કહેવાની ભુલ કરાય ખરી ?
       આ લખનારને શ્રી. જૉસેફ મેકવાનની ‘આંગળીયાત’ નવલકથા એટલી જ ગમેલી, જેટલી શ્રી. ભગવતીકુમાર શર્માની ‘અસુર્યલોક’ ગમેલી. બન્ને ઉત્તમ અને પુરસ્કૃત કૃતીઓ છે. સ્વીકાર્યું કે સામાજીક વ્યવસ્થા ખાતર બન્ને લેખકોને અલગ તારવવા પડે. મતલબ મેકવાન સાહેબને બ્રાહ્મણ ન કહી શકાય અને શર્માજીને દલીત ન કહી શકાય. પણ તેમના સાહીત્યની એક સરખી ઉત્કૃષ્ટતાનું જાતી આધારીત વર્ગીકરણ શી રીતે થઈ શકે ? (શું એમ કહી શકાય કે બ્રાહ્મણની ગભાણમાં બાંધેલી ગાય દુધ આપે તે ઉજળીયાતનું પવીત્ર દુધ… અને દલીતની ગભાણમાં બાંધેલી ગાયનું દુધ અપવીત્ર ?) એક વાત નીશ્વીત છે. સાહીત્ય જગતમાં સૌની પેન ભલે નોખી હોય; પણ તેમાંથી નીપજતા સાહીત્ય વચ્ચે તો ઉંચનીચના ભેદ ન હોવા જોઈએ. આમ જ ચાલ્યું તો આગળ જતાં ઘણાં વીભાજન થશે.  સાહીત્યમાં પણ વર્ણવ્યવસ્થા પ્રવેશશે. પ્રશ્ન એટલો જ કે આપણે બ્રાહ્મણો દ્વારા રચાયેલા સાહીત્યને ‘બ્રહ્મ સાહીત્ય’ નથી કહેતા. ક્ષત્રીય દ્વારા રચાયેલા સાહીત્યને ‘વીર સાહીત્ય’ નથી કહેતા. વૈશ્ય દ્વારા રચાયેલા સાહીત્યને ‘વાણીજ્ય સાહીત્ય’ નથી કહેતા. તો દલીતો દ્વારા રચાયેલા સાહીત્યને ‘દલીત સાહીત્ય’ શા માટે કહીએ છીએ ? (એ રીતે તો આપણે છુતાછુતની અન્ટચેબીલીટી ઘુસાડી દઈશું.) ભવીષ્યમાં કોઈ દલીત જાતીના સાહીત્યકારને નોબેલ પારીતોષીક મળશે તોય આપણે  કહીશું – ભારતના ફલાણા દલીત સાહીત્યને નોબેલ પારીતોષીક મળ્યું. (સાહીત્ય નોબેલ પારીતોષીક કક્ષાનું હોય તો પણ તે દલીત ? ઉજળીયાતો દ્વારા આ તે કેવું ચતુરાઈપુર્વકનું શોષણ !)
       યકીન માનજો, ઐશ્વર્યા રાયની અટક ઐશ્વર્યા રાઠોડ હોત તો પણ તે ‘બ્યુટી ક્વીન’નો ઈલકાબ જીતી ગઈ હોત. ઉજળીયાતોએ વીચારવું રહ્યું કે ઐશ્વર્યા રાઠોડના સૌંદર્યને આપણે ‘દલીત સૌંદર્ય’ કહેવાની મુર્ખામી ના જ કરી હોત. તો સાહીત્યમાં ‘દલીત’ શબ્દનું લેબલ શા માટે લગાડવું જોઈએ ? સાહીત્યને માત્ર સાહીત્યના નામે જ ઓળખવામાં આવે તે વધુ ન્યાયોચીત ગણાય. ફીલ્મ ‘ખામોશી’માં ગુલઝાર સાહેબે એક સુંદર ગીત લખ્યું છે. ‘હમને દેખી હૈં ઉન આંખોંકી મહેકતી ખુશ્બુ…’ અને પછી આગળ કંઈક એવી પંક્તી આવે છે: ‘પ્યારકો પ્યાર હી રહને દો કોઈ નામ ન દો…!’ ગુલઝાર સાહેબની એ સલાહ અહીં જરા જુદી રીતે લાગુ પડે છે. મતલબ પ્રેમ તો હર હાલમાં પ્રેમ જ હોય છે. દલીતોના પ્યારને ‘દલીત પ્રેમ’ અને ઉજળીયાતના પ્યારને ‘સવર્ણ પ્રેમ’ કહેવાની જરુર ખરી ? સાહીત્યમાં પણ એવા વર્ણભેદ ઉભા કરવાની જરુર નથી. અર્થાત્ સાહીત્યને સાહીત્ય જ રહેવા દઈએ, કોઈ નામ ન આપીએ. ખેર, સાહીત્યમાં દલીત શબ્દ ઘુસાડનારાઓને અંતે એટલું જ કહેવાનું કે ‘દલીત’ શબ્દ લેખકને માટે પ્રયોજવામાં આવે છે પણ તે (અજ્ઞાનવશ અથવા તો ઈરાદાપુર્વક) એવી ખોટી રીતે ઉપયોગમાં લેવાય છે કે તે સીધો સાહીત્યને સ્પર્શે છે. એ બે રીતે વાંધાજનક છે. એકવીસમી સદીમાં જ્યારે તમામ ક્ષેત્રે નવરચનાનો વાયુ ફુંકાઈ રહ્યો છે ત્યારે કમસે કમ સાહીત્યમાં આવા જાતીભેદ ન હોવા જોઈએ. અને બીજું મહત્ત્વનું કારણ એ છે કે ‘દલીત’ શબ્દ પછાત જાતી માટે વપરાતો હોવાથી જાણ્યેઅજાણ્યે  એ શબ્દનો સુચીતાર્થ સાહીત્યની ગુણવત્તાને ઝાંખપ લગાડે છે. ન્યાયની વાત એટલી જ કે ‘દલીત’ શબ્દનો અર્થ જો પછાત, અવીકસીત કે નબળુ એવો થતો હોય તો બ્રાહ્મણ લેખકની નબળી કૃતીની ગણના પણ ‘દલીત સાહીત્યમાં’ થવી જોઈએ. પણ તેમ થતું નથી. બીજી તરફ દલીતો દ્વારા રચાયેલા ઉત્કૃષ્ટ સાહીત્યની ગણના પણ દલીત સાહીત્ય તરીકે જ થાય છે. અંતે સાહીત્યના દીગ્ગજોને એ બાબત પર વીચારવા વીનન્તી છે કે દલીત દ્વારા રચાયેલા સાહીત્યને ‘દલીત સાહીત્ય’ કહેવું એટલે પાગલખાનામાં કામ કરતા ડૉક્ટરને ‘પાગલ ડૉક્ટર’ કહેવા જેવી ભુલ ગણાય. (અથવા ‘અ’ વર્ગના સભ્યને ‘અસભ્ય’ કહેવા જેવી મુર્ખામી ગણાય) શું એ ભુલ સુધારી ન શકાય ? મોતી સાચું હોય અને તે કાળા છીપલામાંથી નીકળ્યું હોય તેથી તે ‘કાળુ મોતી’ ન કહી શકાય. એકવીસમી સદીના આ વીકસીતયુગમાં અર્જુન કરતાં એકલવ્ય ચડીયાતો હોઈ શકે એ સત્ય સ્વીકારવામાં કોઈએ અખાડા ન કરવા જોઈએ. આશા રાખીએ કે દલીતો અને સવર્ણો બન્ને, ‘દલીત સાહીત્ય’ના આ મુદ્દા પર – માત્ર આ ને આ જ મુદ્દા પર ઉંડાણથી વીચારીને પ્રામાણીક અને તટસ્થ પ્રતીભાવો આપશે.   
-દીનેશ પાંચાલ

આખી પોસ્ટ માટે લીન્ક નીચે આપી છે...