20130220

જગતમાં જેનો જોટો ન જડે એટલી લોકજાતિઓની રસપ્રદ અને અનોખી અટકો..


લોકજીવનનાં મોતી - જોરાવરસિંહ જાદવ

- જૂના જમાનામાં નાત-જાત, કૂળ, મૂળ, લોહી, ખાનદાની ઇ હંધાયને માટે અભિમાન હતું. દીકરાને વહુવારુ લાવીએ તો ય ઇના કૂળ, મૂળ, વંશાવળી, મા-બાપ જોઈને વોરતા


નાત-જાત ને આલમની અઢારે વરણની વાત નીકળે ત્યારે વર્ષો પૂર્વેનો એક પ્રસંગ મારી સ્મૃતિમાં સળવળાટ દેતો બેઠો થઈ જાય છે. એ સમયે શોધયાત્રા દરમિયાન રાજપૂત સંસ્કૃતિનું સ્વાભિમાન ધરાવતા ભવાનીભાનો મને ભેટો થઈ ગયો. એમણે એકના એક લાડકા દીકરાને નજીકના નગરમાં ભણવા મોકલેલો. દીકરો ભણ્યો તો ખરો પણ બીજી નાતની છોકરી સાથે પ્રેમલગ્ન કરી, કુટુંબથી પરાયો થઈ પોતાનો જુદો માળો બાંધીને બેસી ગયેલો, એટલે ભણેલા છોકરાઓ માટે એમને જરાયે આદરભાવ નહોતો. હું લોકજાતિઓના કૂળ-મૂળ શોધવા નીકળ્યો છું એ જાણીને મને કહે, 'જોરુભા ! ભઈલા, અમારા જમાનામાં અમને નાત-જાત, કૂળ, મૂળ, લોહી, ખાનદાની ઇ હંધાયને માટે અભિમાન હતું. દીકરાને વહુવારુ લાવીએ તો ય ઇના કૂળ, મૂળ, વંશાવળી, મા-બાપ જોઈને વોરતા. આજે ભણેલાઓએ જૂની પરંપરાઓને વળગણીએ વળગાડી દઈને સંસ્કાર, સંસ્કૃતિ, નાત-જાત અને પરંપરાઓનો ભૂંહડિયો વાળી દીધો છે 'મા મૂળો ને બાપ ગાજર' ઇના કૂળ મૂળમાં તમે કઈ સંસ્કૃતિ ભાળી ગ્યા ?' ભવાનીભાએ સંસ્કૃતિ- સંસ્કાર પરિવર્તનની વાત કરી ઘડીભર તો મને ય વિચાર કરતો કરી દીધો.
આજે ઘણાં સંસ્કૃતિપ્રેમી વાંચકો મારી આ કટાર વાંચી ફોન દ્વારા પૂછે છે ઃ અમે આ શાખના રાજપૂત છીએ, અમે કણબી પટેલ છીએ. અમીન છીએ. નાગર છીએ, લુહાણા છીએ. અમે અમારાં ગોત્ર, અટકો, શાખો કેવી રીતે આવી, અમારા મૂળ-કૂળ કંઈયે જાણતા નથી. અમને ગોતી આપો ને. હું એમને કહું છું કે આપણે ગામડું મૂકી શહેરમાં આવ્યા અને મૂળથી ઉખડી ગયા નાત- કુટુંબ ને સગા- વ્હાલા સાથેના સંબંધોને ઘસારો લાગ્યો. વહીવંચા બારોટો આવતા એમના ય દરવાજા બંધ કરી દીધા. કૂળની વંશાવળી જાળવવાની પ્રથાને દેશવટો દઈ દીધો. હવે તમે દીવો લઈને ગોતવા જાવ તો ય તમને ત્રીજી પેઢીથી આગળના વંશજોનો ઇતિહાસ, ગોત્ર- કૂળદેવ- દેવી, પિતૃઓના પાળિયાઓની વાતો ક્યાંથી જડવાની ? અહીં મારે વાતો કરવી છે વિવિધ જાતિઓ, તેમની શાખાઓ, નૂખો અને પેટા અટકોની.
વાતની માંડણી કરીએ સોનું કોઈ દિ' સડે નંઈ ને વાણિયો કોઈ દી' વટલાય નહિ એવા વણિક વાણિયાઓથી. ભગવદ્ગોમંડલ વણિકના અર્થો આમ આપે છે. વેપારીઓનો સમુદાય કે નાત. ધંધાદારી જાતિ વિશેષ, વેપારી, વણજ કરનાર માણસ, વૈશ્ય ઇત્યાદિ. આ જ્ઞાાતિ ૮૪ જથ્થામાં વહેંચાયેલી છે. ૧ શ્રીમાળી, ૨ ઓસવાલ, ૩ વખિયાવાલ, ૪ ધિંડા, ૫ પકરવાલ, ૬ મશ્યારતવાલ, ૭ હરસોરા, ૮ સૂરાતના, ૯ પલીવાલ, ૧૦ ભાલુ, ૧૧ ખંડેવાલ ૧૨ દોહિવાલ, ૧૩ ખંડેરદવાલ, ૧૪ પુરવાલ, ૧૫ દિસાવાલ, ૧૬ ગુજર, ૧૭ મુડવાલ, ૧૮ અગરવાલ, ૧૯ જાફલવાલ, ૨૦ માતાવાલ, ૨૧ કઠોલીવાલસ, ૨૨ કુઝશાવાલ, ૨૩ ચૈત્રાવાલ, ૨૪ સોની, ૨૫ સુરતીવાલ, ૨૬ જાલોરા, ૨૭ મોઢ, ૨૮ નાગર, ૨૯ રાડકેલાડ, ૩૦ કપોલ, ૩૧ ખડાયતા, ૩૨ વાયડા, ૩૩ વસોરા, ૩૪ બાજવાળ, ૩૫ નાકદરા, ૩૬ કરહડા, ૩૭ ભલુડા, ૩૮ મેવાડા, ૩૯ તરસંકાદરા, ૪૦ કાથેવાલ, ૪૧ પંજકવાલ, ૪૨ હાતરવાલ, ૪૩ સરખંદેશ, ૪૪ વયસ ૪૫ સમ્ડી, ૪૬ ખડવાલ, ૪૭ જાન્ડવાલ, ૪૮ ભોકીઉવડા, ૪૯ ઓઝતવાલ, ૫૦ વાનીઆવડા, ૫૧ શ્રીગૌડ, ૫૨ ઠાકૂર, ૫૩ વાલમીલ, ૫૪ તીસૂડા, ૫૫ તીલોટા, ૫૬ અસ્તવર્કી, ૫૭ લાશીસકા, ૫૮ દરથોરા, ૫૯ કજોરા, ૬૦ ખીચુ ૬૧ હંબડ, ૬૨ નસીમા, ૬૩ પદમાવતીઆ, ૬૪ મીરીઆ, ૬૫ હીહરીઆ, ૬૬ ધાકવાલ, ૬૭ મંગેરા, ૬૮ ગોયલવાર, ૬૯ મહોરવાડ, ૭૦ ચિત્રોડા, ૭૧ કાકલીઆ, ૭૨ ભારેજા, ૭૩ અન્નદવારા, ૭૪ નાગોરા, ૭૫ સાચોરા, ૭૬ ભુન્કુદવાલ, ૭૭ મહાદડા, ૭૮ ભરામનીઆ, ૭૯ વાગડીઆ, ૮૦ મંદોરિયા, ૮૧ બોરીવાલ, ૮૨ સુરતીયા પોરવાડ, ૮૩ બધનોરા, ૮૪ નીભાવા.
આ ઉપરાંત વણિકોમાં કપોળ, મોઢ, ખડાયતા, સોરઠિયા, મહેશ્વરી, લાડ, ધનોત્કર, ઘોઘારી, સુખડિયા (કંદોઈ), શ્રીમાળી વાણિયા સોની, વેલારી, ભાવસાર ઉપરાંત પરંપરાગત અટકો શાહ, ગાંધી, પારેખ, પરીખ, ઝવેરી, મહેતા, ચોક્સી, વોરા, દોશી, તંબોળી, જૈન વગેરે જોવા મળે છે. શ્રી હરકાન્ત રાજપરા નોંધે છે કે સોરઠિયા વણિકોની પેટા અટકો વૈદ્ય, કુરાણી, વંકાણી, કોઠારી, ભૂપતાણી, જનાણી, વિભાકર, શ્રીમાંકર, કાટકોરિયા, આણંદપરા, ગોરખીઆ, બાબરિયા, માલવિયા, શેઠ, લોટિયા, માધાણી, મલકાણ વગેરે છે.
શ્રીમાળી સોની વાણિયાની અટકો ય અનોખી છે રાજપરા, રાણપુરા, રાધનપુરા, ઝીંઝુવાડિયા, ગોસાણી, ગુમસાણિયા, ધોળકિયા, આદેશરા, લાઠીગરા, ચાંપાનેરી, મુંજપરા, માંડલિયા, ચરાડવા, ફીચરીઆ, લોલાડીઆ જેવી ગામો પરથી આવેલી અટકો જોવા મળે છે. હાલારમાંથી આવેલા વણિક સમાજની અટક પાછળ સિંધી, લુવાણા અને પટેલોની અટકોની જેમ 'ણી' લાગે છે જેમ કે, મદાણી, ભાલાણી, મોનાણી. ધંધા પરથી આવેલી અટકોમાં ઝવેરી, પારેખ, પરીખ, પંચીગર, મેથી, બગલ વગેરે. જેને ત્યાં ભરવાડોની વધુ ગરાગી રહેતી તેઓ ભરવાડીઆ તરીકે ઓળખાયા. મોઢ વણિકોની પેટા અટકો ગોભુજા, અડાલજા, મધુકરા, મોઢ ઘાંચી, ચાંપાનેરી, માંડલિયા, સુખડિયા, કંદોઈની ખિસકોલિયા, કાલાવડિયા, ધંધુકિયા, રાણપરિયા, બજાણિયા, પંચાસરા, સુવાળિયા, રૃપડા, પઢિયાર, ગોપાણી, શાકતપુરિયા, કામનમેરિયા, શ્રીમાળી વણિકોમાં ઢાંકી, પંચમિયા, અડોદરા, વખાઈ (અરબસ્તાનમાં 'બખા' શહેરમાં જઈ કમાયા તે બખાઈ તરીકે ઓળખાયા) એમ શ્રી હરકાન્ત રાજપરા નોંધે છે.
ગુજરાતની નાગર જાતિમાં સાત ફીરકા જોવા મળે છે. ૧. વડનગરા, ૨. વિસનગરા ૩. સાઠોદરા, ૪. પ્રશ્નોરા, ૫. કૃષ્ણોરા, ૬. સાંચોરા અને ૭. ચિત્રોડા આ જ્ઞાાતિની પેટા અંજારિયા, માંકડ, દેસાઈ, ઘોડા, મજમુદાર, વસાવડા, રીંડાણી, વૈષ્ણવ, હાથી, ઝાલા, નાણાવટી, પોટા, બક્ષી, બુચ, મંકોડી, અંતાણી, છાયા, જોષીપુરા જેવી વિવિધતાસભર અટકો જોવા મળે છે.
હવે વાત કરીએ કલાકારીગરી સાથે સંકળાયેલી જ્ઞાાતિઓની અટકોની. સ્કંદપુરાણ અનુસાર વિશ્વકર્માના પાંચ પુત્રો પૈકી મનુએ લોહકર્મ (લુહારી કામ), મયે કાષ્ટકામ (સુતારીકામ), ત્વષ્ટાએ તામ્રકર્મ (કંસારા કામ), તક્ષક- દેવક્ષે સુવર્ણકામ (સોની કામ) અને શિલ્પીએ પાષાણકર્મ સ્વીકાર્યું તેમાં સુતાર જ્ઞાાતિની અટકોમાં વૈશ્ય, મેવાડા, ગુર્જર અને પંચોળી. સુથારો કાષ્ટકર્મ કરે છે. તેમની અટકો મચ્છુકઠિયા સુથાર, ગજ્જર વગેરે છે જ્યારે પેટા અટકો અંબાસણા, વડગામા, ગંગાજળિયા, સુદ્ર, ઇસલાણિયા, બકરાણીઆ, ખેરડિયા, વિસરોલિયા, બદ્રકિયા, કુવારાદિ, ગોરાતેલા વગેરે છે. જ્યારે કંસારા કારીગરોની પેટા અટકો ગોરખીઆ, દંગી, ખાખી, કાગડા, દૂધેલા શિતલીયા, મેવચા, બારમેડા છે. લુહાર જ્ઞાાતિની અટકો પંચાલ, સોરઠિયા, હરસોડા, કળા, જીલ્કા, પીઠવા, પિત્રોડા, દાવડા, ચિત્રોડા, કારેલિયા વગેરે છે.
ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજસ્થાનમાં વસતા ચારણોની નરા, ચુંવા, ચોરાડા, અવસુરા, બાટી, મારુ, તુંબેલ, વાચા, ઠાકરિયા, મીસણ, નૈયા, ગાંધણિયા, ભાંચળિયા, રોહડિયા, ટપ્પરિયા, શીયાળ, જાખલા, મહેડુ, રતનુ, ફનડા, લીલા, આસણિયા, નાદા જેવી ૨૩ શાખાઓ જોવા મળે છે. શ્રી જયેશદાન ગઢવી નોંધે છે કે પાકિસ્તાનમાં આવેલા પારકર પંથકમાં પશુપાલક અને ખેતી કરનાર મારુ ચારણોનો વસવાટ હતો. ત્યાંના ૧૨ ગામોમાં ઝીબા, આઢા, દેથામીસણ, સરતાણીયા, શામળ, સિંહઢાયચ, મહેડુ, વિઠુ, સોદા, મૈયા, રોહડિયા, બારહઠ, ખડિયા અને વરસડા શાખના ચારણો હતા.
જે જ્ઞાાતિના રાજવીઓની હકૂમતને કારણે સૌરાષ્ટ્રનો અમુક વિસ્તાર કાઠિયાવાડ તરીકે ઓળખાયો એ કાઠી દરબારોના કાઠિયાવાડમાં જસદણ, બીલખા, થાણાદેવળી, વડીયા અને જેતપુર જેવા પાંચ રાજ્યો અને એકાવન સંસ્થાનો હતા. અંગ્રેજો અને અમુક વિદ્વાનો કાઠી જાતિને વિદેશી સમજતા હતા તે કાઠીઓ શક, હૂણ કે શિથિયન નથી પણ મૂળ ભારતની કંઠાર્ય પ્રજા છે એ જસદણના ઇતિહાસે સાબિત કરી બતાવ્યું છે એમ ડો. પ્રદ્યુમ્ન ખાચર નોંધે છે. તેઓ લખે છે કે, કાઠીઓમાં બે ફાંટા છે ૧. શાખાયત અને ૨. અવતરીયા. શાખાયતમાં ખાચર, ખુમાણ, વાળા અને લાલુને અને અન્યને ગણવામાં આવ્યા છે. તેમાં વાળામાં ૩૫ જેટલી, ખાચરમાં ૩૮ જેટલી અને ખુમાણમાં ૨૩ જેટલી શાખાઓ છે.
ભરવાડ જાતિમાં નાનાભાઈ અને મોટાભાઈ એવા બે વિભાગ જોવા મળે છે. તેમના બારોટોના ચોપડા સને ૧૧૬૫થી શરુ થયાના પ્રમાણ મળ્યા છે તેમના ૧૩ ગોત્રની ૧૧૮ જેટલી શાખો- અટકો છે. ભરવાડોની કેટલીક શાખ આ સ્થળેથી સમૂહમાં આવેલા છે તે બતાવે છે કે વતન પરની અટકો સ્થળાન્તર પ્રમાણે બદલાતી રહે છે. તે ચલ અને અચલ શાખા તરીકે ઓળખાય છે. તેમની ઝાંપડા ચામુડિંયા, આવડિયા બુટિયા જેવી શાખો દેવદેવીઓના નામ પરથી ઉતરી આવી છે જ્યારે જસરાજકા, ભીમદેવકા, ધાધલકા, ગોદડ અને પાંચીઆ જેવી અટકો તેમના કૂળ પુરુષ ઉપરથી ઉતરી આવી છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભરવાડોએ ગોત્રક્રમ જાળવીને શાખોને સાચવી રાખી છે. મોટાભાઈ ભરવાડોની કેટલીક અટકો આ મુજબ જોવા મળે છે. ચોરીયા, માટીયા, ધ્રાંગિયા, ઠુંગા, અડથલા, હરણિયા, મૂંછાળા, પૂંછાળા. જ્યારે નાનાભાઈ ભરવાડના નાગવંશ (અલગોતર)માં નગાણી, શિયાળિયા, ભૂવા, ભાટુકિયા, આદલસરા, પાણીસીણીયા, પરનાળિયા, સાંગણિયા, મકાણી અને દિહોરિયા, વેલર વગેરે.
આજે નગરો અને ગામડાઓમાં કુંભાર વગેરે કોમની વસ્તી જોવા મળે છે. દેશી રજવાડાઓના સમયમાં નવું ગામ બંધાતુ (વસાવાતુ), ગામનું તોરણ બંધાતું ત્યારે ત્યાં બહારથી સઈ (મેરાઈ- દરજી), કુંભાર અને વાળંદ વગેરે ધંધાદારીઓને લાવીને વસાવવામાં આવતા એટલે તે 'વસવાયા' તરીકે ઓળખાય છે. સૌરાષ્ટ્રની પછાત કોમોમાં શ્રી જે. બી. મલકાણ નોંધે છે કે વાળંદ વાળદા- વાણદ. સંસ્કૃતમાં દા એટલે કાપવું, વાણદ કાળક્રમે અપભ્રંશ થઈને વાળંદ થયું. આ વાળંદ ક્યાંક ગાંઈજા, ઘાંઈજા અને ગાંજા (એ શબ્દ વાળંદને ઉતારી પાડનારો નથી જ.) એ તો એક જ શબ્દના અપભ્રંશ છે. પહેલાના વખતમાં તેઓ હજામતની કોથળીની સાથે સાથે વાઢકાપના ઓજારો અને ઘા રૃઝવવાની દવાની પેટી જોડે રાખતા એ ઉપરથી તેઓ ઘાંયજા તરીકે ઓળખાતા. એક તર્ક મુજબ રાત ને દિ' કામ કરવાને કારણે તેઓ 'રાત' તરીકે જાણીતા થયા. મુસ્લિમધર્મી વાળંદ સૌરાષ્ટ્રમાં 'બાબર' તરીકે જાણીતા છે. બાબર હિંદુ અને મુસ્લિમ બંને ધર્મમાં હોય છે. એક લોકોક્તિ અનુસાર જેમના વડવાઓએ જીવ બચાવવા લીંબડા નીચે આશ્રય લીધેલો તેઓ 'લીંબોચીયા' તરીકે ઓળખાયા  તેમનામાં રાજપૂતોની ગોહિલ, ભટ્ટી, પરમાર, રાઠોડ, સોલંકી અને ચુડાસમા અટકો જોવા મળે છે. આ સિવાય ગામશાખો જોઈએ તો તેઓ ગોંડલિયા, બજારિયા, પનાર, સુરાણી, કોરિયા, દસાડિયા, હીરાણી, લીંબાણી, લખતરિયા, સીસાંગીઆ વગેરે છે. ધંધાકીય શાખ વૈદ્ય અને વૈષ્ણવ પણ છે. આ વૈદ્ય વાળંદો દેશી જડીબુટ્ટી અને વનસ્પતિની દવાઓના પણ જાણકાર હોય છે.
વસવાયામાં બીજી નાત કુંભારોની છે. ગુજરાત સૌરાષ્ટ્રમાં તેમના ૧. ગુર્જર, ૨. સોરઠિયા, ૩. વરીઆ, ૪. વાટલિયા, ૫. કડિયા, ૬. હાંડલિયા, ૭. મજોકઠિયા, ૮. મિસ્ત્રી વગેરે પેટા વિભાગોમાં વહેંચાયેલા છે. તેમની પેટા અટકો મંડળી, પાટડિયા, સતાપરા, વિરમગામીયા અને ઓઝા છે. (ઓઝા એ ઉપાધ્યાયનું પ્રાકૃતરૃપ છે. કેટલાક અભ્યાસી કુંભારોએ ઓઝા શાખ અપનાવી હોવાનું જણાય છે.)
સૌરાષ્ટ્રમાં ડાક- ડમરૃ વગાડવાનો બાપિકો વ્યવસાય કરતી કોમ રાવળ- દેવના નામે ઓળખાય છે. જ્યાં ભુવા- ભારાડીના સ્થાન હોય ત્યાં તેઓ વસતા આવ્યા છે. રાવળની ઉત્પતિ ભગવાન શંકરથી થઈ હોવાની દંતકથા છે. તેઓ કહે છે કે ડમરૃ, રૃદ્રાક્ષની માળા, ભગવા વસ્ત્રો ભગવાને તેમને આપેલી ભેટ છે. એની એક સાખી બોલાય છે.
આધ શિવે ઉત્પન્ન કર્યો, જનમ જોગી જેહ,
માતા કહેવાય પૃથ્વી, જાણે રાવળ દેવ
રાવળોના ડાકલીયા, દેવમગા પંચમીયા, ભોમજોગી, રખૈયા, રાવળ, સોરઠિયા રાવળ, કચ્છી રાવળ, ઢાઢી રાવળ, ચુનારા રાવળ અને છાલકિયા રાવળ એમ આઠેક વિભાગો જોવા મળે છે.
દેવીપૂજકો (વાઘરી)ની વસ્તી ગુજરાત- સૌરાષ્ટ્રના ગામેગામમાં જોવા મળે છે. તેમની અટકો ધંધા પરથી ઉતરી આવી હોવાનું જણાય છે. તેમના ૨૨ ફીરકા આ મુજબ મળે છે. દાતણીયા, કામળીયા, મોઢકિયા, ટોપલીયા, કુડિયા, વાંસડિયા, સલાટિયા, વાઘેલિયા, વેડુ, મારવાડી, પટણી, ચુનારા, સરાણિયા, તલૈયા, બજાણિયા, પાવરી, વઢિયારા, ધાનધળિયા, સાસોરિયા, ઝાલોરી, કચ્છી, તળપદા ઇત્યાદિ. અધધધધ...ધ ગુજરાતમાં કેટલી નાત-જાત, ફીરકા, વિભાગો અને અટકો ! જગતભરમાં એનો જોટો જડે એમ નથી.
(તસવીરો ઃ અમૂલ ખો. પરમાર)

-Gujarat Samachar