20130104

ઉત્ક્રાન્તી


સર્વવ્યાપી, સર્વસ્વીકૃત એવી એક પુરાણી માન્યતાને ચારસો વરસ પહેલાં જોરદાર ફટકો લાગ્યો, જ્યારે પૃથ્વીનો સાચો આકાર અને તેનું સ્થાન જાહેર થયાં. આ બાબતે હવે બધું સ્વીકારાઈ ગયું હોવાથી વીવાદ શાન્ત થઈ ગયો.

એ જ રીતે આપણાં મુળ વીશેની બીજી સર્વવ્યાપી, સર્વસ્વીકૃત પુરાણી માન્યતાને દોઢસો વરસ પહેલાં જોરદાર ફટકો લાગ્યો, જ્યારે ઉત્ક્રાન્તીવાદની વાત જાહેર થઈ અને એનો વીવાદ તો હજીયે ચાલુ છે.

કોઈ નવી વાતનો અહેવાલ આપતાં પહેલાં એને સારી રીતે સમજવાની કે ચકાસવાની ધીરજ અને વૃત્તી પ્રસાર માધ્યમોમાં હોતી નથી. પરીણામે કોઈ ઉતાવળીયા પત્રકારે ‘વાંદરામાંથી માણસ થયો’ એવું છાપી માર્યું. મોટાભાગના લોકોની ઉત્ક્રાન્તી વીશેની સમજ આટલા પુરતી મર્યાદીત છે. આ એક અર્ધસત્યે ઉત્ક્રાન્તીવાદ સમજવામાં જેટલી અડચણો ઉભી કરી છે, એટલી કદાચ એના અઠંગ વીરોધીઓએ પણ નહીં કરી હોય!  આ ગેરસમજને દુર કરવી જરુરી છે.

સજીવોના નૈસર્ગીક રીતે તબક્કાવાર થયેલા વીકાસને ઉત્ક્રાન્તી કહે છે. નીર્જીવોમાં દેખાતી વીવીધતા અને જટીલતા પણ તબક્કાવાર થઈ છે; છતાં એ ઉત્ક્રાન્તી નથી ગણાતી. જો એને પણ ઉત્ક્રાન્તી ગણવામાં આવે તો ઉત્ક્રાન્તીની શરુઆત શુન્ય સમયથી એટલે કે ‘બીગ બૅંગ’થી થઈ એમ કહી શકાય.

જીવવીજ્ઞાનને રસાયણશાસ્ત્ર સાથે ખુબ નજીકનો નાતો છે. એટલે ઉત્ક્રાન્તીની વાત આગળ વધારતાં પહેલાં શુષ્ક ગણાતા રસાયણશાસ્ત્રને થોડું સમજવું જરુરી બને છે. આપણી આસપાસ જે પણ દેખાય છે તે બધું અણુ અને પરમાણુઓનું બનેલું છે. ઘણા આ જાણે છે. એને થોડા ઉંડાણમાં જાણીએ.

પૃથ્વી પર 94 પ્રકારનાં મુળતત્ત્વો (એલીમેન્ટ્સ) નૈસર્ગીક રુપમાં જોવા મળ્યાં છે. (આમાંથી મોટાભાગનાં તત્ત્વો તારાઓના ગર્ભમાં બનેલા હોય છે.) આ ઉપરાંત બીજાં 24 મુળતત્ત્વોને વૈજ્ઞાનીકો અણુભઠ્ઠીમાં બનાવી શક્યા છે. આ બધાં જ તત્ત્વોના પરમાણુ (એટમ) માત્ર ત્રણ ઘટકોના બનેલા છે, પ્રોટૉન, ન્યુટ્રૉન, અને ઈલેક્ટ્રૉન. ફરક માત્ર એમનામાં સમાયેલા ઘટકોની સંખ્યાનો છે. સૌથી પહેલા અને સહેલા હાઈડ્રોજનના પરમાણુમાં માત્ર એક પ્રોટૉન એક ઈલેક્ટ્રૉન હોય છે. સૌને ગમતા સોનામાં 79 પ્રોટૉન છે જ્યારે પારામાં 80 અને સીસામાં 82 પ્રોટૉન છે. માત્ર આટલા નજીવા ફરકને કારણે આ તત્ત્વોના ગુણધર્મ, ઉપયોગ, કીમ્મતમાં કેટલો ફરક પડે છે એ બતાવવાનો મુખ્ય હેતુ આ વીગત આપવાનો હતો.

આ માત્ર મુળ તત્વોની વાત થઈ. આ તત્વોનું એકબીજા સાથે સંયોજન થવાથી એક નવો જ પદાર્થ બને છે (કમ્પાઉન્ડ). જેના ગુણધર્મો મુળ તત્ત્વો કરતાં સાવ અલગ હોય છે. પૃથ્વી પર કુદરતી તેમ જ માનવસર્જીત સંયોજનો એક કરોડ કરતાં પણ વધારે છે. આ બધાં મુળ તત્ત્વો અને સંયોજનોના પોતાના વીશીષ્ટ ગુણધર્મો છે. દાખલા તરીકે, માત્ર ઑક્સીજનની હાજરીમાં જ વસ્તુઓ બળી શકે છે, માત્ર લોખંડ જ ચુંબકત્વ ધરી શકે છે, વગેરે… અગણીત દાખલા આપી શકાય.

કાર્બન એક એવું તત્ત્વ છે જે સાવ સહેલાઈથી કેટલાંયે અલગ મુળતત્વો સાથે સંયોજીત થઈ અતીજટીલ અણુઓ બનાવી શકે છે. આ કાર્બન અને હાઈડ્રૉજનના સંયોજનથી એક એવો અણુ બન્યો જેણે વાતાવરણમાંથી બીજા કાર્બન અને હાઈડ્રૉજનના પરમાણુઓને આકર્ષી, પોતાના જેવા બીજા અણુઓ બનાવી સાંકળ રચી. પોતાની પ્રતીકૃતી બનાવતા આ અણુઓ ઑર્ગેનીક મૉલીક્યુલ કહેવાય છે જે જૈવીક ઉત્ક્રાન્તીની શરુઆત છે. કોઈને આમાં દૈવી હસ્તક્ષેપ દેખાતો હોય તે એમનો દૃષ્ટીકોણ છે. બાકી જે રીતે ભેજમાં લોખંડ કટાય એના જેવી આ એક રાસાયણીક ક્રીયા માત્ર છે, જે યોગ્ય વાતાવરણમાં સ્વયમ્ભુ થઈ છે/ થાય છે. (ઑર્ગેનિક મૉલીક્યુલની શરુઆત સમજાવવા આટલા ઉંડાણમાં જવાનું જરુરી લાગ્યું છે.)

આ ઑર્ગેનીક મૉલીક્યુલ નીર્જીવ અને સજીવની બોર્ડર પર ગણાય છે. સામાન્ય શરદીથી લઈ એઈડ્સ સુધીની બીમારીઓ ફેલાવતા વાઈરસ આ મુળ ઑર્ગેનીક મૉલીક્યુલની સુધારેલી આવૃત્તી જેવા છે. વાઈરસ પરોપજીવી છે. એ શ્વાસ લેતા નથી; પણ પોતાના જેવા બીજા બનાવી શકે છે.

એક કોષીય બૅક્ટેરીયા પ્રમાણમાં ઘણા જટીલ અને વીકસીત છે. એમને અસ્તીત્વમાં આવતાં કરોડો વરસ લાગ્યાં. વધારે વીકસીત જીવો બનતાં બીજા કરોડો વરસ લાગ્યાં. ઉત્ક્રાન્તીની તબક્કાવાર વાત કરવા માટે એક લેખ પુરતો નથી, આખું પુસ્તક જોઈએ. એટલે સીધા વાંદરા–માણસની વાત પર આવીએ.

પુંછડીવાળા વાનર ઉત્ક્રાન્તીમાં આપણાથી ઘણા પછાત છે. એમની પુંછડી વગરની વીકસીત પ્રજાતી એપ (APE) કહેવાય છે. ભારતમાં એમનો વાસ નથી એટલે આપણી ભાષાઓમાં એમના માટે યોગ્ય શબ્દ પણ નથી. અન્યત્ર વસતા આ એપની ચાર જાતો છે: ગોરીલા, ચીમ્પાન્ઝી,  ઉરાનગુટાન અને બોનોબો.

આ એપ પણ આપણા પુર્વજ નથી. બલકે એમના અને આપણા પુર્વજ એક હતા. એમની અને આપણી ઉત્ક્રાન્તીની શાખા 65 લાખ વરસ પહેલાં છુટી પડી છે. આ સમય દરમીયાન આપણા પુર્વજોની કેટલીયે પ્રજાતીઓ થઈ અને નાશ પામી છે. ટુંકમાં, વાનરમાંથી રાતોરાત માણસ નથી થયો; ન થઈ શકે.ઉત્ક્રાન્તીને લીધે થતા ફેરફારોને  હજારો, લાખો વરસ લાગે છે. એપ આપણા પુર્વજ નહીં; પણ દુરના પીતરાઈ છે. એમના જનીન આપણા જનીન સાથે 98% મળતા આવે છે એટલે ‘લોહીનો સમ્બન્ધ છે’ એવું જરુર કહી શકાય.

આજે કાળા, ધોળા, ઘઉંવર્ણા કે પીળાશ પડતા, જેટલા પણ રંગના માણસો છે, એ બધાના પુર્વજ પુર્વ આફ્રીકામાંથી આવેલા છે. આધુનીક માણસ આશરે દોઢ–બે લાખ વર્ષો પહેલાં જ અસ્તીત્વમાં આવ્યો છે અને માત્ર 60,000 વરસ પહેલાં આફ્રીકાની બહાર નીકળી અન્યત્ર ફેલાયો છે. વાતાવરણ, રહેણીકરણી અને ખોરાક જેવી વીવીધતાને લીધે આપણામાં કેટલો ફરક થયો તે જોઈ શકાય છે. ઉત્ક્રાન્તીનું આ એક ઉદાહરણ છે.

ઉત્ક્રાન્તી ‘હાઈપોથીસીસ’ નથી; અનુમાન કે માન્યતા માત્ર નથી; એ વાસ્તવીકતા છે. એના પુરાવા છે; જમીનમાંથી મળી આવતાં પ્રાણીઓ અને વનસ્પતીઓ; એક જ પ્રજાતીનાં પ્રાણીઓ વચ્ચે સ્થળ અને કાળને લીધે દેખાતો તફાવત; ને હવે DNA પરીક્ષણનાં પરીણામો. આ બધું વીસ્તારથી સમજાવતાં થોકબંધ પુસ્તકો લાયબ્રેરીમાં ઉપલબ્ધ છે. આપણે વાંચવાની તસ્દી લેવી પડે.

હવે માત્ર કુદરતી નહીં; પણ માનવસર્જીત ઘટનાઓ અને પ્રયત્નોથી આ ઉત્ક્રાન્તીની પ્રક્રીયા ઝડપી બની છે, જેનાં પરીણામો હજારો વરસમાં નહીં; પણ ટુંક સમયમાં જોઈ શકાય છે. છેલ્લા થોડા દાયકાઓમાં તબીબી ક્ષેત્રે થયેલ સંશોધનથી સરેરાશ આયુમર્યાદા વધી છે. ખોરાકમાં થયેલ ફેરફારને લીથે સરેરાશ ઉંચાઈ વધી છે. યૌવન વહેલું શરુ થઈ લાંબો સમય જળવાઈ રહે છે, આ ઉત્ક્રાન્તી છે.

કુતરા, ગાય, ઘોડા જેવાં પાલતુ પ્રાણીઓની ઉંચી નસલ મેળવવા કરવામાં આવતું ‘ક્રોસ બ્રીડીંગ’ ઉત્ક્રાન્તીની ક્રીયા ઝડપી બનાવે છે. અનાજ, શાકભાજી વગેરેમાં હાઈબ્રીડથી કરવામાં આવતું વાવેતર પણ ઉત્ક્રાન્તી લાવે છે. લગ્નો દ્વારા (આંતરજ્ઞાતીય નહીં) થતાં બાળકો પણ આવું જ ઉદાહરણ છે.

આંખો અને મન ખુલ્લું રાખીએ તો ઉત્ક્રાન્તી ચારે બાજુ દેખાય છે. કોઈએ લખેલા એક અર્ધસત્ય વાક્ય પરથી ઉત્ક્રાન્તીવાદને વખોડાય નહીં. સત્ય સામે આવીને ઉભું છે. દુનીયાની સાથે ચાલવું હોય તો એને સ્વીકાર્યા વગર છુટકો નથી.

ઉત્ક્રાન્તીનો અંત આવ્યો નથી કે આવવાનો નથી. આજે માણસ પોતે કુદરતનું કામ કરી પોતાના લાભ માટે પૃથ્વીની કાયાપલટ કરી રહ્યો છે. એનું પરીણામ સર્વનાશ કહી શકાય એટલું નકારાત્મક આવે તો કુદરત પોતાની રીતે અને પોતાની ઝડપે ઉત્ક્રાન્તી ચાલુ રાખશે. ટેકનોલૉજીમાં માનવ જો ધારી પ્રગતી કરતો રહ્યો તો…? બન્ને શક્યતાઓ પર ઘણાં પુસ્તકો લખાયાં છે.

ઉત્ક્રાન્તીવાદની શોધનું શ્રેય ચાર્લ્સ ડાર્વીન અને આલ્ફ્રેડ વૉલેસને મળે છે. ખરી રીતે તો એ એમણે કરેલ વીસ્તૃત અભ્યાસ માટે ગણાય. એમનાથી સદીઓ પહેલાં પણ કેટલાક લોકોને ઉત્ક્રાન્તીનો ખ્યાલ હતો. પણ તેઓ જાહેરમાં એવું કહેતા ડરતા હતા, એટલે એમણે ઉંડાણમાં સંશોધન પણ કર્યું નહીં. ઝનુની વૃત્તીવાળા લોકો ત્યારે પણ હતા અને આજે પણ છે, જે પોતાની માન્યતાથી ભીન્ન વીચારને દબાવી દેવા સદા તત્પર હોય છે. પોતાનું હીત જાળવી રાખવા, પ્રગતીને રોકવાનો કે સત્યને દબાવી દેવાનો આ જુનો અને જાણીતો માર્ગ ભુતકાળમાં કામયાબ થયો છે. હવે વર્તમાનમાં એની અસરકારકતા ઓછી થતી જાય છે. પુરવાર થયેલાં સત્યો હવે પ્રમાણમાં સહેલાઈથી સ્વીકારાઈ જાય છે, થોડાક અપવાદ બાદ કરતા.

–મુરજી ગડા