20121218

હૃદય સમ્રાટ ...(પ્રેરક પ્રસંગ) ...


- દીપકકુમાર એ. રાવલ  - ‘અજ્ઞાત’

ગરીબોના મસીહા મહાકવિ ‘નિરાલા’ એ રોયલ્ટીની બધી જ રકમ નિર્ધન વૃદ્ધોને અર્પિત કરી હતી. નેપોલિયન બોનાપાર્ટે દોઢ મહિનો ભૂખ્યા રહીને ગરીબ કન્યાનાં આંસુ લૂછ્યાં હતાં.


 

મહત્વકાંક્ષી માનવ બનવા કરતાં આદરણીય માનવ બનવું અનેકગણું વધુ સારું છે. કારણ કે આદરપાત્ર વ્યક્તિ બહુ ઝડપથી લોકોના હૃદયમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરી શકે છે, લોકોના હૃદય સમ્રાટ બની શકે છે. અહીં મહત્વકાંક્ષીની ટીકા કરવાનો કોઈ આશય નથી. અર્થોપાર્જન માટે પણ મહત્વકાંક્ષી બનવું જરૂરી છે, પરંતુ લોકોના હૃદયમાં કાયમી સ્થાન પ્રાપ્ત કરવા માટે મહાન ત્યાગ તેમજ અનેક ગુણોનો વિકાસ કરવો પડે છે. આવા ગુણોના સ્વામી કોઈ વિરલા જ હોય છે. કોઈ જન્મજાત સદગુણોનો વારસો લઈને ઊતરે છે તો કોઈ કેળવણી દ્વારા મહાન આશ્ચર્યોનું સર્જન કરે છે. મિત્રો, ત્યારે જ બની શકાય છે લોકોના હૃદય સમ્રાટ ! એટલું સહેલું નથી લોકોના હૃદય પર શાસન કરવું ! અમુક પ્રતિભા એવી હતી કે બાળપણથી જ પોતાનો પરિચય કરાવતી રહી છે.
નેપોલીયન બોનાપાર્ટ જ્યારે નાનો બાળક હતો ત્યારે રમતમાં ભાગદોડ કરતાં સામેથી આવતી એક છોકરી સાથે અથડાઈ પડ્યો. છોકરી ગરીબ ઘરની હતી. ફળનો ટોપલો લીને તે જતી હતી. ટક્કરથી ટોપલો પડી ગયો, અને બધાં ફળ કિચડ – ગંદકીમાં પડી ગયાં. છોકરી રડવા લાગી. મજૂરી પણ ગી અને માલિકનો દંડ પણ ભોગવવો પડશે, તેવો વિચાર આવતાં વધુ રડવા લાગી. બાળક નેપોલીયનના મનમાં પહેલાં તો થયું, આ ઝંઝટથી બચવા માટે ભાગી જાઉં, પરંતુ છોકરીની પરિસ્થિતિ વિચારતાં તેનો વિચાર બદલાયો. તેણે છોકરીના બધા પૈસા ચૂકવી આપવાનો વાયદો કર્યો અને પોતાના ઘરે લઇ ગયો. ઘરે પહોંચીને પોતાની માતાને સઘળી હકીકત કહી. મા કઠોર સ્વભાવની હતી, અને સાથે ઘરમાં પૈસાની તંગી હતી. તે નેપોલીયનને પૈસા આપવાને બદલે મારવા લાગી.
આખરે એમ નક્કી થયું કે છોકરીને પૈસા તો ચૂકવી આપવા પણ તેણે બદલે નેપોલીયનને દોઢ મહિના (૪૫ દિવસ) સુધી એક સમયનો નાસ્તો – ભોજન ન આપવામાં આવે અને આ રીતે તે છોકરીના પૈસાની ચૂકવણી કરવી. નેપોલીયન ખુશ થઇ ગયો. કર્તવ્ય નિભાવવા માટે દોઢ મહિના સુધી તેણે એક સમય જ ભોજન કરીને ચલાવ્યું. આવા ઉદાર હૃદયના વ્યક્તિઓ જ કરોડો લોકોના હૃદય સમ્રાટ બની શકે છે.
મનુષ્ય અકારણ પોતાના પર મહત્વકાંક્ષાઓ લાદતો રહે છે. મહત્વકાંક્ક્ષાનો અર્થ પોતાનું ગૌરવ વધારવો હોય તો તેને ઉચિત સમજી શકાય છે, પરંતુ બને છે એવું કે બીજાના મોઢે પોતાની વાહવાહ કરાવવા માટે એવા પાખંડ રચવા પડે છે જેના કારણે અંતરાત્મા પણ પોતાને દોષી માને છે. તેનાથી બહેતર એ છે કે મહાન ત્યાગ અને સમર્પણભાવ દ્વારા લોકોના હૃદય –સિંહાસન પર રાજ કરવું ! સમર્પણ અને ત્યાગની સાક્ષાતમૂર્તિ મહાકવિ ‘નિરાલા’.
હે ભગવાન ! તમારી સૃષ્ટિમાં આ વિષમતા ક્યાં સુધી ચાલતી રહેશે ? હે પ્રભુ ! આ ગરીબી મારો કેમ પીછો છોડતી નથી ? મહાકવિ નિરાલા આવા વિચારો કરતાં કરતાં રસ્તો કાપી રહ્યા હતા. પગ સાથ આપતા ન હતા, છતાં પણ તેઓ ગમે તે રીતે આગળ વધી રહ્યા હતા. બીજું કરે પણ શું ? કારણ કે ખિસ્સું ખાલીખમ હતું. આવી પરિસ્થિતમાં સૂર્યકાંત ત્રિપાઠી ‘નિરાલા’ દારાગંજથી લિડરપ્રેસ જી રહ્યા હતા, જેથી પ્રેસમાં રોયલ્ટીનાં થોડા ઘણા પૈસા મળે, તો પેટમાં કાંઈક નાખી શકાય. પ્રેસમાંથી રોયલ્ટીના ૧૦૪ રૂપિયા લીને, ઘોડાગાડીમાં બેસી પોતાની બહુ બોલકણી બહેન મહાદેવીના ઘર તરફ પ્રયાણ કર્યું. ઘોડાગાડી થોડી આગળ વધી કે પાછળથી અવાજ આવ્યો – ‘બેટા ! હું કેટલાંય દિવસથી ભૂખી છું, કંઈક આપી જા બેટા ! ભગવાન તારું ભલું કરશે.’
‘નિરાલા’ એ ડોશીનો અવાજ સાંભળી ઘોડાગાડી રોકાવી, પોતે ઊતર્યા અને સડકના કિનારે બેઠેલી ડોશી પાસે પહોંચ્યાં. અંતરમાં ઊભરાતી કરુણાને રોકી ન શક્યા, બોલ્યા, ‘મા ! મારા રહેતાં તારે ભીખ માગવી પડે એ ઠીક નથી.’ શું કરું બેટા ! ડોશીએ પોતાના ક્ષીણ સ્વરમાં કહ્યું – હાથપગ ચાલતા નથી, જ્યાં સુધી ચાલતા હતા, ત્યાં સુધી મેં કોઈની સામે હાથ લાંબો કર્યો નથી. મહેનત કરીને છોકરાનું પાલન-પોષણ કરતી રહી. પરંતુ આજે... આટલું કહીને ડોશી આગળ કંઈ જ બોલી શકી નહીં. શું થયું ? નિરાલાએ પૂછ્યું, ‘આજે એ જ છોકરાએ મને કૂતરીની માફક ઘરમાંથી કાઢી મૂકી. પેટ ભરવા માટે કાંઈક તો કરવું પડે ને ! તેથી વિવશ થઈને આ રસ્તો પકડી લીધો’.
કવિ હૃદય તરફડી ઊઠયું, પૂછ્યું ‘જો એક રૂપિયો આપું તો કેટલા દિવસ ભીખ નહીં માગે ?’
‘કાલ સુધી’ – જવાબ મળ્યો.
‘જો પાંચ રૂપિયા આપું તો ?’
‘પાંચ દિવસ સુધી ભીખ નહીં માંગુ’ - ડોશીએ જવાબ આપ્યો.
કવીએ રોયલ્ટીની બધી જ રકમ ૧૦૪ રૂપિયા આપવાની વાત કરી, તો ડોશીએ પછી ક્યારેય ભીખ ન માગવા અને તેમાંથી કોઈ ધંધો કરવાનો સંકલ્પ લીધો. ‘નિરાલા’ બધી જ રકમ ડોશીને આપી ખાલી હાથે ઘોડાગાડીમાં બેસી પોતાની બહેન મહાદેવીના ઘરે ગયા, જ્યાં ભાડું પણ મહાદેવીએ જ આપ્યું. આવું હતું તેમનું વિશાલ હૃદય ! આજે પણ એમનો આત્મા બૂમો પાડીને કહી રહ્યો છે, મહાનતા હૃદયની વિશાળતાથી આવે છે, ભૌતિક સંપન્નતાથી નહીં. ગરીબોનાં મસીહા તરીકે વિખ્યાત ‘નિરાલા’ અનેક લોકોના હૃદયસમ્રાટ હતા. તેઓ પોતે મોજમજા કરે ને તેમનાં બીજાં ભાઈ-બહેન ભૂખ્યાં – તરસ્યાં – નગ્ન રહે એવી વારંવાર તેમના મનમાં કલ્પના આવતાં જ તેઓ ધ્રૂજી ઊઠતા હતા. મિત્રો ! આ પ્રકારનો સમર્પણભાવ અને ત્યાગ કરવાની તમારી તૈયારી છે ? જો જવાબ ‘હા’ માં હોય તો બદલાની કોઈ જ અપેક્ષા રાખ્યા વગર આજથી જ શુભારંભ કરી દો. કારણ કે દેશમાં લાખો દિવસમાં ફક્ત એક જ વખત ભોજન કરે છે અને રાત્રે ફક્ત પાણી પી ને સૂઈ જાય છે અને જવાબ ‘ના’ માં હોય તો મહત્વકાક્ષી બનીને સામાન્ય નાગરિકની જેમ જીવન જીવવા તૈયાર રહો, કેમ કે મહત્વકાંક્ષી ક્યારેય આદરણીય નથી બની શકતો કરોડો લોકોનો હૃદય – સમ્રાટ !
હિરણ્યાક્ષને પોતાના અપાર વૈભવથી સંતોષ ન થયો. પૃથ્વી પરની બધી જ સંપત્તિ પર પોતાનો અધિકાર રાખવાના ગાંડપણે એને શોષણ કરવા પ્રેર્યો અને એ જ કારણે એનો નાશ થયો. હિરણ્યાક્ષ મહત્વકાક્ષી લાલસા પૂરી કરવા કોઇપણ હદ ઓળંગી શકે છે. જ્યારે આદરણીય વ્યક્તિ પોતાના હૃદયની વિશાળતાને કારણે અનેક લોકોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરી શકે છે.

 

(રા.જ. ૫-૧૨(૨૯-૩૦)/૭૫-૭૬)


બ્લોગ લીંક: http://das.desais.net

email: dadimanipotli@gmail.com