20121218

અંગ્રેજી શાસનનો વારસો


વર્તમાનને વખોડવાની અને ભુતકાળને વખાણવાની મનોવૃત્તી સર્વસામાન્ય છે. આપણો ભુતકાળ કેટલો લાંબો અને વીવીધ છે એનો ઘણાખરા લોકોને ખ્યાલ નથી. પહેલાના જમાનાનો દાખલો ટાંકનારનો નીર્દેશ સામાન્યપણે લોકવાયકા દ્વારા પ્રચલીત ભુતકાળ કે પછી પૌરાણીક સમય તરફ હોય છે.

આપણો નજીકનો ભુતકાળ છે – આઝાદી પછીનો સમય. આઝાદી પછી તુરતનાં થોડાં વરસ આંતરીક રમખાણો, ભાગલાને લીધે વીસ્થાપીતોના પુનર્વસનના પ્રશ્નો અને દરેક વસ્તુની તીવ્ર અછતવાળો હતો. ત્યાર પછી આપણે ધીમી પ્રગતી શરુ કરી. તાજેતરની ઝડપી પ્રગતીની હજી શરુઆત છે.
એના પહેલાંનો સમય હતો અંગ્રેજી શાસનનો. આ લેખનો હેતુ એ સમયકાળને વીસ્તૃત અને અલગ દૃષ્ટીકોણથી જોવાનો છે. આ રજુઆત પ્રચલીત માન્યતાથી અલગ હોઈ ઘણા માટે સમજવામાં અને માનવામાં મુશ્કેલ લાગશે. કોઈપણ જાતના પુર્વગ્રહ વગર, ખુલ્લા મને વાંચવાથી એનું તથ્ય સમજાઈ શકશે.
આઝાદીની ચળવળ દરમીયાન અંગ્રજોને દેશમાંથી કાઢવા, એમની વીરુદ્ધ જનમત ઉભો કરવો જરુરી હતો. સ્વાભાવીક રીતે આઝાદી પછી પણ એ માનસ જળવાઈ રહ્યું. આપણી બધી મુસીબતોના દોષનો ટોપલો અંગ્રેજો પર ઢોળવાનું ઘણા સમય સુધી ચાલુ રહ્યું. રાજકારણીઓને એ ફાવતું હતું.
આજની 95 ટકા પ્રજા સ્વતંત્ર ભારતમાં જન્મેલી છે. અંગ્રેજી શાસનનો જાત અનુભવ એક ટકાથી પણ ઓછા લોકો પાસે છે. આપણી અંગ્રેજો વીશેની અને એમના શાસનકાળની છાપ અને જાણકારી આડકતરી રીતે લોકવાયકાઓ અને પુસ્તકોમાંથી મળેલ છે.
સાચો ઈતીહાસ જાણવો અશક્ય છે. એ હંમેશાં લેખકની સમજ અને વીચારસરણીથી પ્રભાવીત હોય છે. જે સંજોગોમાં અને સમયકાળમાં લખાયો હોય એની અસર પણ લખાણ પર હોય છે. ત્રીજા પક્ષ દ્વારા લખાયેલ ઈતીહાસ પ્રમાણમાં વધારે આધારભુત હોઈ શકે છે.
અંગ્રેજી શાસનકાળ એ ભારતના ભુતકાળનો ખુબ અગત્યનો ભાગ છે. આપણા વર્તમાન પર સૌથી વધારે અસર એ સમયની છે. એમના વારસાને તટસ્થ રીતે મુલવવો આવશ્યક છે. એમના શાસનથી થયેલ હાની સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ લાભનો ક્યાસ કાઢવો પણ જરુરી છે. વર્તમાનને સાચા સ્વરુપમાં સમજવા માટે ભુતકાળમાં એનાં મુળ શોધવાં પડે છે. એ આપણને સત્ય સમજવામાં મદદરુપ થાય છે.
આના માટે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારની દુનીયાના પ્રવાહો સાથે ભારતની ત્યારની અને ત્યાર પછીની આંતરીક પરીસ્થીતી જાણવી અને સમજવી જરુરી છે.
સોળમી સદીમાં યુરોપમાં શરુ થયેલી વૈજ્ઞાનીક અને ઔદ્યોગીક ક્રાન્તીએ એમને ‘અન્ધારીયા યુગ’માંથી બહાર કાઢ્યા. પરીણામે એમની જરુરીયાતો અને અપેક્ષાઓ ઘણી વધી ગઈ. એ સન્તોષવા માટે એ લોકોએ બહારની દુનીયા તરફ નજર દોડાવી. યુરોપની બધી દરીયાખેડુ પ્રજાઓ દરીયામાર્ગે નવી દુનીયાની શોધમાં નીકળી પડી. એમનું મુખ્ય ધ્યેય એશીયા હતું. ભારત એમાંનું એક હતું. ત્યારે ચીન, ઈરાન અને ઉત્તર ભારતમાં શક્તીશાળી સામ્રાજ્ય હતાં. બાકીની દુનીયા હજી અન્ધારીયા યુગમાં જ હતી.
એ લોકો ભારતના પશ્ચીમ કીનારે આવ્યા. સ્થાનીક રાજાઓ પાસેથી વેપારની પરવાનગી લીધી. દરીયા કીનારે બંદરો વીકસાવ્યા અને પોતાની નાનકડી વસાહતો સ્થાપી. વેપાર સીવાય એમનો બીજો કોઈ હેતુ નહોતો. એ સૈન્ય લઈને પ્રદેશ જીતવા નહોતા આવ્યા. ત્યારે મુખ્ય ચાર યુરોપીય પ્રજાઓ ભારતમાં સક્રીય હતી. એમની પ્રવૃત્તીઓ કાંઠાના પ્રદેશો પુરતી મર્યાદીત હતી. આનાથી સ્થાનીક વેપારીઓ માટે પણ વીદેશી વેપારની નવી તકો ઉભી થઈ. દેશના અન્તરીયાળ ભાગમાંથી બન્દરો સુધી માલ પહોંચાડવાનું એમના હાથમાં હતું. સ્થાનીક રજવાડાંઓને પણ આમાં ફાયદો હતો. આ સમ્પુર્ણ વેપારી પ્રવૃત્તી આશરે દોઢસો વરસ સુધી ચાલતી હતી.
પડોશી રાજ્યો વચ્ચેનાં યુદ્ધ હમ્મેશની જેમ એક સામાન્ય ઘટના હતી. આ બાજુ યુરોપીય પ્રજાઓ વચ્ચે પણ હરીફાઈ હતી. એકબીજાને મહાત કરવા અન્દરોઅન્દર છમકલા થતાં એમની પાસેનાં હથીયારો અને યુદ્ધ–કુશળતા સ્થાનીક રાજાઓ કરતાં વધારે સારાં હતાં. સમયની માગ અને જરુરીયાત પ્રમાણે દેશી રાજ્યો અને યુરોપીયન કમ્પનીઓ વચ્ચે સન્ધી અને સહયોગ થવાં લાગ્યાં. આ રાજકીય પગપેસારાની શરુઆત હતી.
આ સમય દરમીયાન ઉત્તર ભારતમાં મોગલ સામ્રાજ્યની પડતી થઈ. આખો દેશ સેંકડો રાજ્યોમાં વહેંચાઈ ગયો. યુરોપીય પ્રજાઓ સાથેની હરીફાઈમાં અંગ્રજો વીજયી થયા. દેશમાં રાજકીય રીતે શક્તીશાળી થવામાં એમને બીજાં સો વરસ લાગ્યાં.
એ સમજવું જરુરી છે કે આ પહેલાના બધા વીદેશીઓએ સૈન્ય સાથે આક્રમણ કર્યું હતું અને ટુંકી લડાઈ કરી સત્તા હાંસલ કરી હતી. શક્તીશાળી મોગલ સામ્રાજ્યના સ્થાપક બાબરે તો માત્ર ચાર કલાકમાં જ લડાઈ જીતી હતી ! એના વંશજોએ બસો વરસ સુધી અડધા ભારત પર રાજ્ય કર્યું. આની સામે અંગ્રેજોને સત્તા મેળવતાં બસોથી અઢીસો વરસ લાગ્યાં હતાં. આ દરમીયાન આપણી આઠ–દસ પેઢીઓ બદલાઈ ગઈ હતી.
એમની રાજકીય સફળતા માટે આપણી ત્યારની આંતરીક પરીસ્થીતી વધારે જવાબદાર હતી. આધુનીક શસ્રો તેમ જ યુદ્ધ કૌશલ્યના લીધે યુરોપીય દેશોએ મોટાભાગની દુનીયા પર પોતાનું આધીપત્ય જમાવી દીધું હતું. ભારતના વીભાજન અને આંતરીક વીખવાદને લીધે આ પ્રવાહને અટકાવવો શક્ય નહોતો. ગૌરવર્ણ પ્રત્યેના અહોભાવની આપણી મનોવૃત્તીએ પણ એમાં મોટો ભાગ ભજવ્યો હશે.
એમની આંતરીક પ્રતીસ્પર્ધામાં જો અંગ્રજો હાર્યા હોત તો બીજી કોઈ પ્રજાએ ભારત પર રાજ કર્યું હોત. કોઈ એક યુરોપીય પ્રજાની ભારત પર હકુમત નીશ્ચીત હતી.
સ્પેનીશ અને પોર્તુગીઝ લોકોએ પોતાના તાબા નીચેના દેશોમાં ખુબ ક્રુરતાથી રાજ્ય કર્યું છે. એમણે બળજબરીથી ધર્મપરીવર્તન પણ કરાવ્યું છે. આજે પણ ભારતના પશ્ચીમ કીનારા પર પોર્તુગીઝોના ધર્મપરીવર્તનની અસર જોઈ શકાય છે. (ત્યાંના ખ્રીસ્તીઓના નામ પોર્તુગીઝ છે, અંગ્રેજી નથી.) ત્યારની બધી યુરોપીય પ્રજાઓમાં અંગ્રજો પ્રમાણમાં વધુ ન્યાયી અને શીસ્તપ્રેમી હતા. ત્યારે ફક્ત ઈંગ્લેંડમાં જ આંશીક લોકશાહી હતી. અંગ્રેજો સીવાયની બીજી કોઈપણ યુરોપીય પ્રજાનું ભારત પરનું શાસન વધારે નુકસાનકર્તા રહ્યું હોત. આનાથી જે પણ આશ્વાસન લેવું હોય તે લઈ શકાય.
જો કોઈ અકળ કારણસર ભારત આ યુરોપીય સંસ્થાનવાદના જુવાળમાંથી બચી ગયું હોત તો આપણો વર્તમાન કેવો હોત ? વૈકલ્પીક બનાવોની કે ભવીષ્યની કલ્પના કરવી ઘણી અઘરી છે. છતાં આપણે થોડાં અનુમાનો બાંધી શકીએ છીએ.
અંગ્રેજોના પ્રભાવ વગર ત્યારે જે ઘટનાઓ બની તે તો બનવાની જ હતી. ઉત્તર ભારતમાં મોગલ સામ્રાજ્યનો ઉદય અને અંત એમ જ થાત. ઔરંગઝેબની ધર્મ ઝનુનતા અને હીન્દુ દમનથી પ્રજામાં ધાર્મીક દ્વેષ પ્રસર્યો હતો. મરાઠા પણ આંતરીક વીખવાદથી તુટ્યા હતા. બીજો કોઈ શક્તીશાળી રાજવંશ ઉભરી આવવાની શક્યતા નહીંવત્ હતી. સદીઓથી ચાલ્યા આવતાં નાનાં રજવાડાં ચાલતાં હોત. નાનાં રાજ્યોને લીધે અર્થતંત્ર સ્થાનીક અને મર્યાદીત રહેત. વધતી જતી વસતીની જરુરીયાતો પુરી કરવા ખેતી અને ગ્રામોદ્યોગ પુરતાં નહોતાં. બે હજાર વરસની દુનીયા પરની આપણી સરસાઈ આપણે ગુમાવી દીધી હતી.
દરીયાપાર ન જવાની અને બીજાઓ પાસેથી ન શીખવાની પરીવર્તન વીરોધી માનસીકતાને લીધે આપણે યુરોપમાં આવેલી ઔદ્યોગીક ક્રાંતીનો ઉપયોગ ન કર્યો હોત. વર્ણવ્યવસ્થા, જાતીવાદ વગેરે અકબંધ રહેત. આઝાદી વખતે હતી એટલી ગરીબી હોત. કદાચ વધારે પણ હોત.
રાજાશાહીની આપણી સમજ લોકવાયકાઓ, બાળવાર્તાઓ અને ધાર્મીક દૃષ્ટાંત કથાઓ પરથી આવેલી છે. એ વાર્તાઓ જ છે. વાસ્તવીકતા સાવ જુદી છે. સાવ ઓછા રાજાઓએ પ્રજાના હીતને ધ્યાનમાં રાખીને કાર્ય કર્યું હશે. મોટા ભાગના રાજાઓ પોતાની સગવડો અને તરંગો પોષવામાં વ્યસ્ત હતા.રાજાશાહીમાં પણ સત્તા અને સમ્પત્તી ઉપલા નાનકડા વર્ગના હાથમાં રહેતી. સામાન્ય રીતે પ્રજા ગરીબ, પછાત અને અશીક્ષીત હતી. રાજા સારો હોય તો પણ; એના અધીકારીઓ દ્વારા પ્રજાનું શોષણ થતું રહેતું.
અંગ્રેજો અને એમના શાસન વીશેની પ્રચલીત સમજ કંઈક આવી છે. એમણે લોકોમાં ફાટફુટ પાડીને લડાવ્યા અને પોતે એનો લાભ લીધો; દેશનું શોષણ કરી સમ્પત્તી પોતાના દેશ ભેગી કરી; પ્રજા પર અત્યાચાર કર્યા; ઘમંડીપણાને લીધે આપણને તીરસ્કારતા રહ્યા; વગેરે….
આ બધું પુરેપુરું અને એનાથી પણ વધુ સ્વીકારી લઈએ. એની સાથે એ ધ્યાનમાં રાખવું જરુરી છે કે અંગ્રેજી શાસનની સરખામણી એક આદર્શ રાજ્ય વ્યવસ્થા સાથે ન કરતાં; ત્યારના આપણા બીજા વીકલ્પો સાથે અને સામાન્ય પ્રમાણે બધે જ પ્રવર્તતી શાસન પદ્ધતી સાથે કરવી જરુરી છે. એ રીતે એમને મુલવવામાં આપણી પ્રામાણીકતા અને ન્યાયવૃત્તીની કસોટી છે. ત્યારે ભારત માટે બે વીકલ્પો હતા. અન્ય કોઈ યુરોપીય પ્રજાનું શાસન અથવા સેંકડો નાનાં રજવાડાં. બન્ને વીકલ્પો વધુ હાનીકારક રહ્યા હોત.
પરદેશી શાસન ક્યારે પણ માન્ય ન હોઈ શકે. પણ શોષીતો માટે શોષક દેશી હોય કે પરદેશી; કંઈ ફરક પડતો નથી. પરીપકવ લોકશાહી સીવાયની બધી જ રાજ્ય વ્યવસ્થામાં જનસમુદાયનું ભરપુર શોષણ થતું આવ્યું છે. આપણે હજી સુધી પરીપકવ લોકશાહી અનુભવી નથી.
ભારતની વીશાળતા અને વીવીધતાને લીધે પરદેશીપણાની વ્યાખ્યા થોડી બદલાઈ જાય છે. સત્તરમી અને અઢારમી સદીમાં ગુજરાતીઓ માટે અંગ્રેજો જેટલા પરદેશી હતા એટલા જ પરદેશી પંજાબી, બંગાળી કે તામીલ હતા. આ સરખામણી બધા જ પ્રાંતોને લાગુ પડે છે. ત્યારે રાષ્ટ્રીય નહીં; પ્રાદેશીક ભાવના હતી. વીજયી રાજાઓએ હારનાર પ્રજા પર હમ્મેશાં જુલમ કર્યા છે.
આપસી ફાટફુટ અને કલહ એ રાજનીતીની વાસ્તવીકતા છે. ચાણક્યનીતી અને કુટનીતી જેવા શબ્દો આપણા સાહીત્યના ભાગ બની ગયા છે. અંગ્રેજોને આ શરુ કરવાની જરુર નહોતી; એ સદાકાળથી ચાલતી રીત છે. જે મોજુદ હતું એનો એમણે લાભ ઉઠાવ્યો એ સાચું છે. આજના સ્વતંત્ર ભારતના રાજકારણમાં પણ આવું જ ચાલે છે.
દેશની સમ્પત્તી લઈ ગયા એ પણ સાચું છે. એ વેપારી પ્રજા વેપાર કરવા આવી હતી. એમનો હેતુ જ સમ્પત્તી ભેગી કરવાનો હતો. પાછળથી રાજકીય સત્તા હાથમાં આવતા એનો વીશેષ લાભ લીધો. ત્યારની સમ્પત્તી હતી જમીન અને પશુધન. એ લઈ જવાનું શક્ય નહોતું. એ પ્રજાની મહેનતનું ફળ લઈ ગયા. રાજાશાહીમાં પ્રજાની મહેનત, વગર વળતરે મહેલો અને કીલ્લાઓ બાંધવામાં વપરાતી હતી. એ પણ પ્રજાનું શોષણ હતું.
આ સમય દરમીયાન આપણા ગુજરાતીઓ રંગુનથી કે આફ્રીકાના દેશોમાંથી, અને તમીળો ઈન્ડોનેશીયામાંથી વેપાર દ્વારા ઘણી સમ્પત્તી ભેગી કરી પોતાના વતનમાં લઈ આવતા હતા. આ બધા દેશ આપણાથી પણ વધુ ગરીબ હતા. એમાં કોઈને અયોગ્ય લાગતું નથી. અંગ્રેજો જ્યારે ધન પોતાના દેશ ભેગું કરતા હતા ત્યારે ઘણા દેશી રાજાઓ પોતાની મીલકતો વીદેશમાં તબદીલ કરતા હતા. એમના વંશજોમાંથી આજે વીદેશમાં વસનારાઓની સંખ્યા ભારતમાં વસનારાઓ કરતા વધારે છે. આજે આપણી કંપનીઓ વીદેશી કંપનીઓ ખરીદી રહી છે ત્યારે આપણે સ્વાભાવીકપણે ગૌરવ અનુભવીએ છીએ. આપણો રોષ અંગ્રજોની કરણી કરતાં એમની સફળતા તરફ વધુ હોવાની શક્યતા છે.
આ બધી રજુઆત અંગ્રજોને નીર્દોષ બતાવવા કે એમની કરણીને માન્યતા આપવા માટે નથી કરી. એમને વાજબી સંદર્ભમાં મુલવવામાં આવે તો સમજાશે કે જે થયું તે સારું નહીં તો સ્વાભાવીક અવશ્ય હતું.
હવે અંગ્રેજી શાસનના થોડા પ્રત્યક્ષ અને પરોક્ષ ફાયદા જોઈએ. આપણે સ્વીકારીએ કે નહીં; પણ અંગ્રેજી શાસનનો સૌથી મોટો રચનાત્મક વારસો છે, ભૌગોલીક રીતે એક ભારત ખંડને ભૌતીક રીતે જોડીને એક રાષ્ટ્ર બનાવવાનો. એમણે નાંખેલી દેશવ્યાપી રેલવે લાઈનો, સડકો, ટપાલ અને તારસેવા, એક કાયદા–કાનુન, એક ચલણ વગેરેને લીધે તે શક્ય બન્યું. એના લીધે લોકો બીજા પ્રાંતોમાં જવા લાગ્યા, પરપ્રાંતીઓ પ્રત્યેનો અવીશ્વાસ ઓછો થયો, વેપાર વધ્યા અને એટલા પુરતી અસ્પૃશ્યતા ઓછી થઈ.
આટલા મોટા વીસ્તારમાં એક કેન્દ્રીય સત્તા પહેલાં કોઈ કરી શક્યું નહોતું. પાછળથી ગાંધીજીએ લોકોમાં એક રાષ્ટ્રની ભાવના જગાડી અને સરદાર પટેલે આઝાદી વખતે દેશી રાજ્યોને જોડીને અખંડ ભારત દેશ’  બનાવ્યો. આ બધું ભૌતીક એકતા સધાયા વગર શક્ય નહોતું.
ભારત એક રાષ્ટ્ર ન થાય ત્યાં સુધી લોકશાહી આવવી શક્ય નહોતી. અને લોકશાહી વગર ભારત એક થવાનું નહોતું આ (Catch 22) ચક્રમાંથી નીકળવામાં અંગ્રેજી શાસને અનપેક્ષીત છતાં પાયાનો ભાગ ભજવ્યો છે. સેંકડો સ્વતંત્ર રજવાડાં હોય ત્યાં લોકશાહીની વાત કરવી અવ્યવહારુ હતી. કોઈ એક રાજ્યથી શરુ કરી આખા દેશમાં લોકશાહી ફેલાતા ઘણો સમય લાગી જાત. દેશવ્યાપી સુધારા શક્ય ન બનત. બીજા વીશ્વયુદ્ધ પછી યુરોપીય સંસ્થાનોમાં સ્વતંત્રતાની સાથે લોકશાહી પણ આવી ગઈ. જુના રાજાશાહી રાષ્ટ્રોમાં હજી બધું યથાવત ચાલે છે.
મુંબઈ, મદ્રાસ, કલકત્તા જેવા શહેરોનો ઉદય અને વીકાસ અંગ્રેજી શાસનકાળમાં થયો છે. અંગ્રેજોની પ્રવૃત્તીનાં આ કેન્દ્રસ્થાનો હતાં. સાવ થોડા સમયમાં આ શહેરો અન્ય જુનાં શહેરો કરતાં મોટાં થઈ ગયાં. પ્રગતીની તક દેખાતાં આ શહેરોમાં લોકો સ્વેચ્છાએ આવ્યા હતા.
અંગ્રેજોએ આ શહેરોમાં યુનીવર્સીટી શરુ કરી. પહેલી વખત નાતજાતના ભેદભાવ વગર કોઈપણ લાયક વ્યક્તી માટે શીક્ષણ શક્ય બન્યું. એમની શાળા–કૉલેજોમાં વૈજ્ઞાનીક, ટેકનીકલ, કાયદાકીય, તબીબી વગેરે વીષયોનું શીક્ષણ અપાતું. આના પહેલાં શીક્ષણ મોટાભાગે ધાર્મીક સંસ્થાઓના હાથમાં હતું. ત્યારનું શીક્ષણ મુખ્યત્વે શાસ્ત્રો અને ખાસ વર્ગ પુરતું મર્યાદીત હતું. નવી અને સ્વતંત્ર વીચારસરણીને  ત્યારે અવકાશ ન હતો. કળા, હુન્નર વગેરેનું શીક્ષણ વારસાગત અને જાતીગત હતું. ગુરુકુળ એ પણ એક રીતે ધાર્મીક સંસ્થાઓના વીસ્તાર (extension) હતા. નાલંદા, તક્ષશીલાના દાખલા અહીં અસંગત છે.
કાળક્રમે આપણા બુદ્ધીમાન યુવાનો કાયદાનો અભ્યાસ કરવા ઈંગ્લેંડ જવા લાગ્યા. ત્યાંથી તેઓ કાયદા સાથે સ્વતંત્રતા અને લોકશાહીના આદર્શો પણ શીખી આવ્યા. ત્યાંથી પાછા આવેલા તેમ જ અંગ્રેજોની ભારતમાંની કૉલેજોમાં ભણેલા શીક્ષીત વર્ગે આઝાદીની લડતની નેતાગીરી લીધી હતી. સેંકડોના હીસાબે મોજુદ રાજાઓએ આઝાદીની ચળવળ નહોતી ઉપાડી. આ લડત પ્રજાતંત્ર માટે હતી જેમાં રાજાઓને મેળવવા કરતાં ગુમાવવાનું વધુ હતું.
૧૮૫૭માં અંગ્રેજોને હાંકી કાઢવાના પ્રયાસમાં ઉત્તર ભારતના થોડાક રાજાઓનો પોતાનું રાજ્ય જાળવી રાખવાનો હેતુ હતો. લશ્કરના આંશીક સાથ પાછળ ધાર્મીક લાગણીઓ જવાબદાર હતી. એને બળવો કહીએ કે સ્વતંત્ર યુદ્ધ, એ દેશવ્યાપી નહોતો. ભારતને એક રાષ્ટ્ર બનાવવાની કે પ્રજાતંત્ર સ્થાપવાની વાત કોઈ કરતું નહોતું. તે સીવાય અંગ્રેજો સામે લડનાર બીજા કેટલાક રાજાઓની શૌર્યગાથા આપણે ગાઈએ છીએ. એ યુદ્ધો પણ પ્રજાના હીતમાં નહીં; પણ પોતાનું રાજ્ય ટકાવવા માટેના હતા.
સંજોગો માણસને ઘડે છે અને માણસ ઈતીહાસ સર્જે છે. અંગ્રેજો આવ્યા ન હોત તો પણ આઝાદીની લડતના નેતાઓ વ્યક્તીગત રીતે સફળ થયા હોત. એમની એ સફળતા બીજા કોઈ ક્ષેત્રમાં હોત. ગાંધીજી સમાજ–સુધારક થાત કે કોઈ રાજ્યના દીવાન થાત. પોતાની રીતે સત્ય અને અહીંસાનો સંદેશ પણ ફેલાવત. એમની પ્રવૃત્તીઓ બહુધા પ્રાદેશીક મર્યાદામાં રહેત. એ અહીંસક માર્ગે રાજપલટો લાવનાર રાષ્ટ્રીય નેતા અને યુગપુરુષ ન થાત. ગાંધીજી અને બીજા બધા રાષ્ટ્રીય સ્તરના નેતાઓ અંગ્રેજી શાસનની આડકતરી પેદાશ છે એમ કહેવું અનુચીત નથી.
જનસમુદાયની સુખશાંતી અને જીવનધોરણને ઘણી રીતે માપી શકાય છે. અત્યારની જેમ વીકાસના આંકડા ત્યારે મોજુદ નહોતા. ઝડપી વસતીવધારો, એ ત્યારના સમયમાં આબાદીની નીશાની હતી. અકાળે થતા મુત્યુને લીધે વસતી વધારો ધીમો રહેતો. આ અકાલીન મુત્યુનાં કારણ હતાં સ્વાસ્થ્યનો અભાવ, ઉંચો બાળમૃત્યુ દર, રોગચાળો, ભુખમરો અને યુદ્ધો.
અંગ્રેજી શાસનકાળમાં આશરે સો વરસે વસતી બમણી થઈ હતી. એના પહેલાં વસતીને બમણી થતાં ત્રણસો વરસ લાગ્યાં હતાં. આની પાછળ એમણે ઉભી કરેલ માળખાકીય સવલતો(infrastructure)નો મોટો ફાળો છે. આ ઈન્ફ્ર્રાસ્ટ્રક્ચર હતાં આધુનીક ચીકીત્સા પદ્ધતી, હૉસ્પીટલ, શૈક્ષણીક સંસ્થાઓ, રેલવે, તાર, ટપાલ, બેંકો અને વીમા કંપની જેવી નાણાકીય સંસ્થાઓ વગેરે.. આ બધું ભલે એમણે પોતાની જરુરીયાત અને હીતને લક્ષમાં રાખીને કર્યું હોય; એનો લાભ પ્રજાને પણ મળતો હતો.
વર્તમાનમાં કુટુમ્બનીયમનનો પ્રચાર અને આંશીક પાલન હોવા છતાં; ફક્ત ચાર દાયકાઓમાં ભારતની વસતી બમણી થઈ છે. વર્તમાનને વખોડનારાઓ માટે આ એક આંચકો (eye opener) છે.
ત્યારે કોઈને કલ્પના પણ નહોતી કે અંગ્રજી ભાષા ભવીષ્યમાં આખી દુનીયા પર છવાઈ જશે. એનાં કારણોમાં ન જતાં એટલું તો સ્વીકારીએ કે અનાયાસે આપણને મળેલ અંગ્રેજી ભાષાના વારસાએ બહારની દુનીયા સાથે એકરુપ થવામાં અને વીકાસમાં ઘણો મોટો ભાગ ભજવ્યો છે અને ભજવી રહ્યો છે.
અંગ્રેજોના મોટા ભાગના શાસનકાળ દરમીયાન ભારતમાં એમની કુલ સંખ્યા પચાસ હજારથી ઓછી હતી. એમાં લશ્કરી અને વહીવટી અમલદાર, અધીકારીઓ વગેરે બધા જ આવી જતા હતા. વીશ્વયુદ્ધો અને આઝાદીની ચળવળને લીધે છેલ્લાં ચાળીસેક વરસમાં આ સંખ્યામાં વધારો થયો હતો; છતાં હમ્મેશાં એક લાખથી ઓછો રહ્યો હતો. આની સામે ભારતની વસતી એ સમયકાળમાં ૨૦ કરોડથી વધી ૪૦ કરોડ થઈ હતી. આટલી ઓછી સંખ્યાના વીદેશીઓ, આટલા વીશાળ દેશ પર ત્યારે જ શાસન કરી શકે જ્યારે પ્રજાનો મુક સહકાર હોય. એમણે ક્યારેય આપણી ધાર્મીક બાબતોમાં દખલગીરી નહોતી કરી. જનસમુદાય માટે આ ખુબ અગત્યની બાબત હતી.
અંગ્રેજી શાસનનો સૌથી વધુ ગેરલાભ ઉપલા વર્ગને થયો છે. આ ઉપલો વર્ગ એટલે રાજાઓ, એમની નીકટના લોકો અને અમુક અંશે બ્રાહ્મણો. રાજાઓએ પોતાની સત્તા ગુમાવી ત્યારે બ્રાહ્મણોનો સાક્ષરતાનો ઈજારો જતો રહ્યો. ગ્રામીણ પ્રજા આવા રાજકીય ફેરફારો પ્રત્યે ઉદાસીન હતી.
આઝાદી વખતના ભારતના ભાગલા માટે આપણે એમને દોષ આપીએ છીએ. એ સત્તામાં આવ્યા ત્યારે ભારત ઘણો વીભાજીત હતો. આજે ભારતના ત્રણ નહીં પણ ત્રીસ કે પછી ત્રણસો ટુકડા હોઈ શકત. પોતાની મેળે ભારત એક દેશ બની જાત એમ માનવું નાદાનીયત છે.
યુરોપ કદમાં ભારત જેવડું છે અને વસતીમાં ત્રીજા ભાગનું છે. ત્યાં આજે ત્રીસથી વધુ દેશ છે. ધર્મ, જાતી અને ભાષાની આટલી વીવીધતાવાળો એક માત્ર દેશ ભારત છે. વીવીધ પ્રજાઓવાળા દેશોના ટુકડા થઈ નવાં રાષ્ટ્રો અસ્તીત્વમાં આવી રહ્યાં છે. જુનું રશીયા અને યુગોસ્લાવીયા એના તાજેતરના દાખલા છે.
અખંડ ભારતમાં પાત્રીસ ટકા મુસ્લીમો હોત. પાયાના મતભેદવાળી આટલી મોટી લધુમતી સાથે શાંતીથી રહેવું અઘરું થાત. બીજા દેશોની જેમ અહીં પણ આંતરવીગ્રહ ચાલતો હોત. સરહદ પર ક્યારેક થતા છમકલા કરતાં આંતરવીગ્રહ ઘણો પીડાકારક હોય છે.
કોઈપણ પાયાના પરીવર્તન ભોગ માગી લે છે. અંગ્રેજી શાસન, એ ભારતને એક રાષ્ટ્ર બનાવવા અને પ્રજાતંત્ર સ્થાપવા માટે ચુકવાયેલી કીમ્મત છે. એ કીમ્મત કેટલી વાજબી હતી એ વ્યક્તીગત દૃષ્ટીકોણ પર આધાર રાખે છે. દોઢસો વરસનો ઈતીહાસ દોઢસો વાક્યોમાં લખવામાં આવે તો એમાં અથડામણો અને અત્યાચારનો જ સમાવેશ હોય. પ્રચલીત માન્યતા કરતાં એમનો શાસનકાળ પ્રમાણમાં ઘણો શાન્તીપુર્ણ હતો. આજે પણ આપણે એમનું વહીવટી માળખું સ્વેચ્છાએ જાળવી રાખ્યું છે. એની ગુણવત્તાનું એ મુક અનુમોદન છે.
અન્ય દેશોએ આઝાદી માટે આપણા કરતાં ઘણી મોટી કીમ્મત ચુકવી છે. આપણે એમના જેવી લોહીયાળ ક્રાન્તી નથી અનુભવી. કેટલાકના વર્તમાનને ભુતકાળ સાથે નામનો જ સમ્બન્ધ રહ્યો છે.
સમયના વધુ વીશાળ પટ પર જોઈએ તો યુરોપીય સંસ્થાનવાદ વૈશ્વીકરણનું એ પહેલું પગથીયું હતું. એના પહેલાં પુર્વ અને પશ્વીમના લોકોને એકબીજાના અસ્તીત્વ ઉપરાંત વધુ કંઈ ખબર નહોતી. બધા પોતપોતાને સર્વશ્રેષ્ઠ માનતા હતા. અત્યારે આપણે વૈશ્વીકરણના બીજા તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ. ત્રીજો તબક્કો ત્યારે આવશે જ્યારે ગમે તે દેશમાં જવા વીઝાની જરુર નહીં પડે. આજે એ પ્રથા મર્યાદીત દેશો વચ્ચે કાર્યરત છે. એ ત્યારે શક્ય બનશે જ્યારે બધે જ મોટે ભાગે આર્થીક સમાનતા આવશે અને ધર્મની બાબત, રાજકારણીય ન રહેતાં વ્યક્તીગત ભાવનામાં સીમીત રહેશે.
અંગ્રેજી શાસનકાળ દરમીયાન આપણા વડીલોએ જે પણ યાતનાઓ સહન કરી હશે એનું મીઠું ફળ એમના વંશજો એવા આપણે માણી રહ્યા છીએ.
–મુરજી ગડા
લેખક સમ્પર્ક: શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390 007 ફોન: (0265) 231 1518 સેલફોન: 97267 99009ઈ.મેઈલ: mggada@gmail.com

By- Govind Maru