20121204

દીકરાની લાગણીનો અક્ષરદેહ ‘વ્હાલી મમ્મી’ને સપ્રેમ ભેટ


કાળ જ્યારે આળસ મરડે છે ત્યારે.....
૬૦મી વર્ષગાંઠે અદ્ભુત ભેટ આપવાનું વચન આપીને ગયેલો દીકરો પરત આવ્યો તો ખરો પરંતુ....
 
કબાટમાંથી એણે એક ડાયરી કાઢી.ભાંગેલા પગે સોફા સુધી આવીને એ બેસી પડી... કેટલીય પળો સુધી એણે એ ડાયરી પોતાની છાતી સરસી ચાંપી રાખી... પછી એણે પહેલું પાનું ખોલ્યું...લખ્યું હતું...વ્હાલી મમ્મીને...તારી... પ૦ મી વર્ષગાંઠે સપ્રેમ. ગઇકાલ સાંજ સુધી પોતાના પર માંડ માંડ રાખેલા કાબૂ પછી આટલું વાંચતાં તો એની આંખોનો બંધ તૂટી ગયો... ગળું ફાટી જાય એવી બૂમ પાડી એ રડવા લાગી... બાજુની રૂમમાંથી દોડી આવેલા પતિ અને અન્ય સંબંધીઓ ઘેરી વળ્યાં... બધાએ એને સાંત્વના આપી પણ ડાયરીને છાતી સરસી ચાંપીને એ ચોધાર આંસુએ રડતી હતી...
 
હમણાં માંડ પાંચ-સાત વર્ષ પહેલાંની તો વાત હતી. માતાની પ૦ મી જન્મદિનની ઉજવણી કરાઇ રહી હતી. પતિ અને બે દીકરાઓએ એને સરપ્રાઇઝ આપવા પાર્ટીનું આયોજન કર્યુ હતું. છેક છેલ્લી ઘડીએ એને જાણ થઇ ત્યારે એ ભાવવિભોર થઇ ગઇ હતી. જન્મદિનના અભિનંદન અને શુભેચ્છાઓ સાથે એને ભેટ-સોગાદો આપવાની પ્રક્રિયા લગભગ પૂરી થવા આવી હતી. અચાનક નાનો દીકરો પ્રતીક હાથમાં એક પેકેટ લઇને મા પાસે આવ્યો. એણે માને કહ્યું...''મમ્મી...મારા તરફથી તને ખાસ ભેટ...’’ માએ દીકરાને વ્હાલથી બાથમાં લીધો અને પેકેટમાં શું છે એ જોવા કુતૂહલવશ એણે રંગીન રેપર કાઢવા માંડયું...દીકરા પ્રતીકે કહ્યું...હમણાં નહીં મમ્મી... બધા જાય પછી શાંતિથી જોજે...તને જરૂર ગમશે.
 
બધા ગયા. લાંબા સમયના ઘોંઘાટ પછી જાણે કરફ્યુ જેવી શાંતિ પથરાઇ. મોટો દીકરો અને વહુ પોતાની રૂમમાં સૂવા જતાં રહ્યાં. પ્રતીક પોતાના રૂમમાં ગયો. થાકેલા પતિએ પણ સોડ તાણી લીધી. અચાનક મળેલી સરપ્રાઇઝ પાર્ટીના આનંદમાં એ હજી તાજી-માજી હતી. એને અચાનક યાદ આવ્યું... એણે ઉઠીને પ્રતીકે એને આપેલું પેકેટ હાથમાં લીધું... રેપર ખોલીને જોયું તો એક ડાયરી. પહેલાં પાને લખ્યું હતું.... 
 
વ્હાલી મમ્મીને, એની પ૦મી વર્ષ વર્ષગાંઠે સપ્રેમ..સ્હેજ ઉત્કંઠાથી એણે પાનું ફેરવ્યું.... પહેલાં પાને તારીખ હતી લગભગ ૧પ વર્ષ પહેલાંની... એ જેમ જેમ વાંચતી ગઇ તેમ...તેમ..સાનંદાશ્ચર્યથી એની આંખો પહોળી થતી ગઇ...અને આંખોમાંથી અજાણપણે જ હર્ષાશ્રુ સરવા માંડયા. પ્રતીક સમજણો થયો ત્યારથી એણે ખાનગીમાં એક ડાયરી લખી હતી. મમ્મી સાથે અઠવાડિયે એકાદ કે મહિ‌ને બનેલા બે-ત્રણ કિસ્સાઓ ડાયરીમાં લખી એણે પોતાની સ્મૃતિઓનો 'સંગ્રહ’ કર્યો હતો. એ ડાયરીનું કેન્દ્ર જ હતી ''વ્હાલી મમ્મી’’.
 
છેલ્લાં ૧પ વર્ષ દરમિયાન મમ્મી એને લડી હોય કે ગુસ્સો કર્યો હોય કે ક્યારેક મિત્રો સાથે પિકનિક પર જવાના પૈસા પપ્પાથી છાનામાના આપ્યા હોય કે એ બીમાર પડયો હોય ત્યારે મમ્મીએ કરેલી સારવારની લાગણીભીની ક્ષણો હોય... આ બધું પ્રતીક એની ડાયરીમાં ટપકાવતો હતો. એણે થોડા સમય પહેલાં જ નક્કી કર્યુ હતું કે મમ્મીની પ૦મી વર્ષગાંઠ આવે છે ત્યારે આ ડાયરી જ એના માટેની મારી શ્રેષ્ઠ ભેટ હશે. અને, એનું ગણિત સાચું પણ હતું. ડાયરીના પાનેપાને મા-દીકરાના વાત્સલ્યભર્યા સંબંધોના અદ્ભૂત રંગો છંટકાયેલા હતા. 
 
જેમ...જેમ... પ્રતીક મોટો થતો ગયો તેમ તેમ તેની ભાષા, રજૂઆતની શૈલી... અને ઘટનાના મહત્ત્વ પણ બદલાતાં ગયા હતા... થોડાક પાનાં વાંચીને એ એટલી ગળગળી થઇ ગઇ કે એ ઉઠીને પ્રતીકની રૂમમાં ગઇ. એ સૂતેલો હતો. એણે નીચે નમી હળવેથી એના કપાળે ચુંબન કર્યું. એ પાછી વળવા ગઇ ત્યાં એણે સાંભળ્યું...''મમ્મી...ગિફ્ટ કેવી લાગી...?’’ એણે પ્રતીકને બાથ ભરી લીધી...એણે કહ્યું...સાચું કહું...બેટા... મને મારી આખી જિંદગીમાં અત્યાર સુધી મળેલી આ સૌથી શ્રેષ્ઠ ભેટ છે... થેંક્યું...બેટા...
 
આ ઘટનાને જોત-જોતામાં આઠ-દસ વર્ષ વીતી ગયા. મોટો દીકરો અમેરિકા સેટલ થયો. એની પાછળ એની પત્ની પણ ગઇ. નાનો દીકરો પ્રતીક પણ ભણીગણીને નોકરીએ લાગ્યો. એનું લગ્ન લેવાયું. એક મલ્ટિનેશનલ કંપનીમાં પ્રતીકને નોકરી મળી. એ એની પત્ની સાથે બ્રાન્ચમેનેજર તરીકે અમદાવાદ ગયો. અહીં ઝડપભેર વૃદ્ધત્વ ઓઢી રહેલાં માતા-પિતા એકલા પડી ગયા. 
 
ક્યારેક દીકરા-વહુનો અમેરિકાથી ફોન આવતો અને પ્રતીક એના કુટુંબ સાથે મહિ‌ને-બે મહિ‌ને એકાદ આંટો મારતો ત્યારે ઘર પહેલાં જેવું ઘર ફરી બની જતું. બાકીનો સમય નિવૃત્ત માતા-પિતા એકલાં એકલાં જીવતા. થોડા દિવસ પહેલાં જ પ્રતીક અને વહુ આવ્યા ત્યારે એણે મમ્મીને કહ્યું હતું... મમ્મી...આ વખતે તારી ૬૦મી વર્ષગાંઠે અમે તને એક અદ્ભૂત ભેટ આપવાનાં છીએ... મમ્મીએ કેટલીય વાર લાડમા, બનાવટી ગુસ્સામાં અને છેલ્લે વિનંતીના સૂરે પૂછ્યું... પણ પ્રતીક અને એની પત્ની લુચ્ચું હસતાં રહ્યાં...કોઇ જવાબ ન આપ્યો. એ લોકો પાછા અમદાવાદ ગયા પણ એના મનમાં ''અદ્ભૂત ભેટ’’ ની વાત ઘૂમરાતી હતી. 
 
એણે એક દિવસ વહુને ફોન કરીને પટાવી લીધી... છેલ્લે સમ આપ્યા અને પૂછ્યું કે તમે શું ભેટ આપવાના છો ? વહુએ કહ્યું...મમ્મી અમે બન્નેએ નક્કી કર્યુ છે કે અમે અહીં અમદાવાદનું ઘર બંધ કરીને કાયમ માટે વડોદરા તમારી સાથે રહેવા આવીએ છીએ. પ્રતીક કહે છે કે મમ્મી-પપ્પા એકલા પડી ગયા છે, અત્યારે એમને આપણી જરૂર છે. મારે તો લગભગ ટુરિંગ જ રહે છે તો એ તો હું વડોદરાથી પણ કરી શકું... અમે બંનેએ કાયમ માટે તમારી પાસે આવવાનું ઠરાવ્યું છે... આ વાત સાંભળીને એ આનંદથી રડી જ પડી. એણે કહ્યું.. મારી વર્ષગાંઠની શું કામ રાહ જુઓ છો... અત્યારે જ આવી જાવ... તમારા પપ્પા તો ખુશ ખુશ થઇ જશે. તે દિવસે મમ્મી-પપ્પાએ જાણે નાચવાનું જ બાકી રાખ્યું હતું... બંનેના આનંદનો પાર નહોતો... બસ હવે બે-ત્રણ મહિ‌ના...
 
આ વાતને માંડ એકાદ મહિ‌નો થયો અને એક દિવસ ફોનની રિંગ વાગી. એ વ્યક્તિએ જે ખબર આપ્યા એણે ઘરમાં ધરતીકંપ સજ્ર્યો હતો. ઓફિસના કામે જયપુર ગયેલા પ્રતીક અને એની ત્યાંની ઓફિસના એક અધિકારી રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ગંભીર અકસ્માત થયો. પ્રતીકનું ઘટના સ્થળે મોત થયું હતું અને પેલા અધિકારી ગંભીર હતા. 
 
પ્રતીકની પત્નીને આ આઘાતજનક સમાચાર આપવાને બદલે એના મા-બાપને જણાવવાનું વધુ યોગ્ય લાગતા એમને પહેલા ફોન કરાયો હતો. હૈયાફાટ રૂદન વચ્ચે મા-બાપ અમદાવાદ પહોંચ્યા. વહુને માનસિક રીતે તૈયાર કરી અપમૃત્યુના સમાચાર આપ્યા. એ જ દિવસે એ લોકો જયપુર પહોંચ્યા પરંતુ અકસ્માતનો અને આંતરરાજય બનાવ હોવાથી પોસ્ટમોર્ટમ વગર પ્રતીકનો મૃતદેહ મળે એમ નહોતો. એટલે એક દિવસ ત્યાં રોકાવા કરતાં મમ્મી-પપ્પા અને વહુને વડોદરા રવાના કરાયા. પ્રતીકના મિત્રો એનો મૃતદેહ લઈને બીજે દિવસે વડોદરા આવવાના હતા. મમ્મી-પપ્પા અને વહુ વડોદરા આવ્યાં. મમ્મી ધીમા પગલે અંદરની રૂમમાં ગઈ. 
 
એણે કબાટ ખોલ્યું. એક ડાયરી કાઢી. એના પહેલાં પાને લખ્યું હતું. ''વ્હાલી મમ્મી’’ એણે પોક મુકી... એ સાથે બધા ઘરે દોડી આવ્યા. લાડકો દીકરો પ્રતીક હંમેશ માટે ચાલ્યો ગયો હતો. અને એ જ રૂમમાં બોલાયેલા પ્રતીકના શબ્દોનો પડઘા સાંભળાતા હતા. મમ્મી... તારી ૬૦મી વર્ષગાંઠે તને અમે એક અદ્ભૂત ભેટ આપવાના છીએ...અમદાવાદનું ઘર બંધ કરીને એ લોકો કાયમ માટે વડોદરા આવવાના હતા. પણ વહુ એકલી કાયમ માટે પાછી આવી. પ્રતીક કાયમ માટે ચાલ્યો ગયો.