20120921

મહાવીર એટલે જ મહાક્રાંતિ


પારિજાતનો પરિસંવાદ - ડૉ.કુમારપાળ દેસાઈ

મનઝરૂખો

વિરલ, બાહોશ અને હંિમતબાજ જર્મન સેનાપતિ અર્વિન રોમેલ (ઈ.સ. ૧૮૯૧ થી ઈ.સ. ૧૯૪૪) હિટલરના સૈન્યનો સેનાપતિ હતો. દ્વિતીય વિશ્વયુદ્ધમાં હિટલરનો ભલે પરાજય થયો, પરંતુ સેનાપતિ અર્વિન રોમેલને એમની લશ્કરી કુનેહ માટે યાદ કરવામાં આવે છે.

આ સેનાપતિ પાસે ઘણું ઓછું સૈન્યબળ હોવા છતાં એમણે અપ્રતિમ વિજયો હાંસલ કર્યા હતા. એની પાસે આગવી વ્યૂહરચના, વારંવાર ઓચંિતા છાપા મારવાની કુનેહ, વખત આવે સામી છાતીએ દુશ્મનને પડકાર ફેંકવાની હંિમત જેવી વિશિષ્ટ કાબેલિયત હતી. શત્રુઓના અવિરત તોપમારા સામે જોખમ ખેડીને સૈનિકો અને લશ્કરી ઈજનેરોમાં જુસ્સો અને ઉત્સાહ પ્રેરવાનું જોશ હતું.

હકીકત એ છે કે રોમેલનું પાયદળ યુદ્ધપદ્ધતિ વિશેનું પુસ્તક વાંચીને હિટલરે ૧૯૩૯માં એને પોતાનો સેનાનાયક બનાવ્યો અને એ પછી પોતાના સાહસ અને હંિમતથી રોમેલ ફિલ્ડમાર્શલ બન્યો.

એક વાર અત્યંત ઘૂળિયા પ્રદેશમાં જર્મનસેના અંગ્રેજો સાથે યુદ્ધ કરતી હતી, ત્યારે રોમેલની તોપોમાં વપરાતો દારુગોળો ખૂટી ગયો. જો દારૂગોળો ન હોય તો અંગ્રેજ સેનાને આગળ વધતી અટકાવવી અશક્ય હતી. આવે સમયે રોમેલના સાથી સેનાધિકારીઓ ગભરાઈને દોડતા-દોડતા એની પાસે આવ્યા. એમણે કહ્યું, ‘સર, અંગ્રેજોએ ભારે હુમલો કર્યો છે અને આપણી પાસે એનો સામનો કરવા માટે તોપો છે ખરી, પણ સહેજે દારૂગોળો નથી. આ સમયે આપણે તાત્કાલીક કંઈક વ્યવસ્થા કરવી જોઈએ, નહીં તો આપણો પરાજય થશે.’

અર્વિન રોમેલે સાથીઓને ધીરજ આપી અને કહ્યું, ‘જુઓ, આમ પરેશાન થવાથી કશું નહીં થાય. બળથી નહીં તો કળથી યુદ્ધ તો જીતવું પડશે. આપણી પાસે ભલે તોપને માટે દારૂગોળો ન હોય, પણ ઘૂળ તો છે ને ! તોપમાં ઘૂળ ભરો અને ધનાધન અંગ્રેજ સેના પર છોડવા લાગો.’

અર્વિન રોમેલના આદેશ પ્રમાણે ઘૂળ ભરીને દારૂગોળાની જગાએ તોપો દુશ્મનો પર છોડવામાં આવી. કેટલાક જર્મન લશ્કરી વિમાનોને આકાશમાં અંગ્રેજ સેના પર ઘૂમતા રહેવાનો આદેશ આપ્યો. બન્યું એવું કે તોપમાંથી નીકળેલી ઘૂળથી આખું આકાશ છવાઈ ગયું અને માથા પર ઘૂમતા વિમાનોથી અંગ્રેજ સેના ભયભીત બની ગઈ. આને પરિણામે એમણે યુદ્ધમાં આગળ વધવાને બદલે જીવ બચાવીને ભાગવાનું નક્કી કર્યું. રોમેલની બુદ્ધિ અને ચાતુર્યને કારણે જર્મનોને અંગ્રેજો સામેના આ યુદ્ધમાં વિજય મળ્યો.


પરિત્ર ‘કલ્પસૂત્ર’ ગ્રંથમાંથી આજે ભગવાન મહાવીરના જન્મ સમયનું વાચન થશે. ભગવાન મહાવીરનો જન્મ થયો, ત્યારે એમના માતા-પિતાએ એમનું નામ વર્ધમાન રાખ્યું હતું. એમના જન્મ સમયે જનસમૂહમાં ધન-ધાન્યમાં વૃદ્ધિ થઈ હતી અને ચોતરફ કલ્યાણભાવના પ્રગટવા લાગી હતી.
વર્ધમાન નામનો એક સંકેત એ છે કે મહાવીરના દર્શનમાં માનનાર કદી બદ્ધમાન ન હોય. એનો ખ્યાલ તો પોતાના સમયમાં ભગવાન મહાવીરે કરેલી પ્રચંડ ક્રાંતિમાંથી આવે છે. એ સમયે એમની ધર્મદેશનાએ એક મોટું આશ્ચર્ય સર્જ્યું. એમની પૂર્વે સઘળી જ્ઞાનવાતો અને શાસ્ત્રકથન દેવગિરા સંસ્કૃત ભાષામાં થતાં હતાં. સામાન્ય લોકો એ સમજી શકતા નહીં. લોકોને ન સમજાય, એ જ એની મહત્તા લેખાતી. સમજાય એ તો સામાન્ય વિદ્યા કહેવાય, ન સમજાય એ જ મહાન વિદ્યા લેખાય, એવો ભ્રમ સર્વત્ર વ્યાપેલો હતો. ધર્મ, કર્મને તત્ત્વી ચર્ચા લોકભાષામાં કરવી એ ખરાબ કર્મ લેખાતું. લોકભાષાના બોલનારને કોઈ સાંભળતું નહીં, એને શિષ્ટ લેખતું નહીં, એનું સન્માન કરતું નહીં. એને પંડિત લેખતું નહીં. સહુ કહેતા ઃ ‘આવી ઉચ્ચ વાતો કંઈ જનપદની ભાષામાં સારી લાગે ? ઊંચી વાતો માટે ભાષા પણ ભારબોજવાળી જોઈએ ને !’
ભગવાન મહાવીરે પહેલે પગલે ભાષાની મહાન ક્રાંતિ કરી. એમણે કહ્યું, ‘જ્ઞાન માત્ર જ્ઞાની માટે જ નથી. સાધારણ જન માટે પણ છે. સામાન્ય લોકો સમજે, એ રીતે એમની ભાષામાં બોલવું ઘટે. એમણે લોકભાષામાં- અર્ધમાગધી ભાષામાં (મગધદેશની તે કાળની ભાષામાં) પોતાની વાણીનો ધોધ વહેવડાવ્યો ! એમાં સંસારનાં, ધર્મનાં ગૂઢ રહસ્યો પ્રગટ કરવા માંડ્યાં શાસ્ત્રો પર પુરોહિતોનો ઈજારો હતો એ કહે, તે ધર્મ એવી દશા હતી. શૂદ્રો એ શાસ્ત્રવચનો સાંભળી શકતા નહીં. સાંભળે તો એમના કાનમાં ધગધગતું સીસું રેડવામાં આવતું હતું. આની સામે ભગવાન મહાવીરે આપેલો ઉપદેશ સાંભળતાં સહુને એમ લાગ્યું કે આત્મકલ્યાણનાં બંધ કરી દેવાયેલો દ્વાર સહુને માટે ખૂલી ગયા.’
એ સમયે સ્ત્રીની સ્થિતિ પશુ સમાન હતી. એમ કહેવાતું કે બાળપણમાં પિતા પાળે, યુવાનીમાં પતિ પાળે અને બુઢાપામાં પુત્ર પાળે. આવી સ્ત્રીને ભગવાન મહાવીરે એ જમાનામાં પૂર્ણ સ્વાતંત્ર્યની ભેટ ધરી. એમણે બે મહાન સુધારા કર્યા. એક તો વ્રતમાં બ્રહ્મચર્યને સ્થાન આપ્યું અને બીજું સ્ત્રી સંન્યાસિની થઈ દીક્ષિત થાય તો સર્વ બંધનોમાંથી મુક્ત બને એમ કહ્યું. આ રીતે ભગવાન મહાવીરે નારીને આઘ્યાત્મિકતાના સર્વોચ્ચ શિખરે પહોંચવાની દીવાદાંડી દર્શાવી.
એમણે કરેલી બીજી મહાન ક્રાંતિ તે એ કે એમણે શૂદ્રોને ગુલામીના અંધકારમાંથી બહાર કાઢ્‌યા. જાતિ અને વર્ણના મહત્વને ઘટાડીને ચારિત્ર્યની મહત્તા સ્થાપી. એમણે કહ્યું, કે વ્યક્તિ જન્મથી નહીં, પણ કર્મથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર બને છે. આમ ઊંચ-નીચની કલ્પનામાં સમૂળી ક્રાંતિ કરી. વળી કહ્યું કે બ્રાહ્મણ હોય કે શૂદ્ર, સ્ત્રી હોય કે પુરુષ, યુવાન હોય કે વૃદ્ધ, ધનવાન હોય કે ગરીબ કે કોઈ પુરુષાર્થ કરે તે મોક્ષના અધિકારી બને છે. આના સમર્થનમાં એમણે ચંદનબાળાને પ્રથમ સાઘ્વી બનાવી. એમણે કહ્યું કે કોઈપણ વર્ણના સ્ત્રીપુરુષ આ ધર્મ સ્વીકારી શકે છે. આ રીતે ભગવાન મહાવીરે એક મોટી સામાજિક ક્રાંતિ કરી.
એ જમાનામાં માણસ પુરુષાર્થથી પરવારીને ઈશ્વર સમક્ષ રાત-દિવસ ભિક્ષાપાત્ર લઈને બેસતો હતો. ઈશ્વરની કૃપા પર આધાર રાખીને પ્રારબ્ધને સહારે જીવતો હતો. આવી ગુલામીને દૂર કરી ભગવાન મહાવીરે પુરુષાર્થનો ઉપદેશ આપતાં કહ્યું, ‘દેવ ભલે મોટો હોય, ગમે તેવું તેનું સ્વર્ગ હોય, પણ માણસથી મોટું કોઈ નથી. માણસ માનવતા રાખે તો દેવ પણ એના ચરણમાં રહે. પ્રત્યેક માણસ પોતાના કાર્યથી, ગુણથી અને શ્રમથી મહાન થઈ શકે છે. એને માટે જાતિ, કુળ કે જન્મ નિરર્થક છે.’
એ જમાનામાં યજ્ઞમાં પોતાનાં પાપ ધોવા માટે અબોલ પ્રાણીઓનું લોહી રેડવામાં ધર્મ મનાતો હતો. યજ્ઞની વેદી પર હજારો નિર્દોષ પશુઓનો બલિ ચડાવાતો હતો અને જેટલાં વઘુ પશુઓનો બલિ ચડાવાય તે વઘુ બળવાન મનાતો હતો. આવી રીતે મારનાર એમ માનતો કે મૂંગા અને અબોલ પ્રાણીની આહુતિથી એને સ્વર્ગની પ્રાપ્તિ થશે. ભગવાન મહાવીરે કહ્યું કે આ યજ્ઞમાં આપણે આપણા વિષયોની આહુતિ આપીએ પ્રાણીઓની નહીં. એમણે કહ્યું કે મારો મુખ્ય સંદેશ છે અહંિસાનો, અવૈરનો અને પ્રેમનો. માત્ર માનવીમાં જ જીવ છે એવું નથી. પશુ-પંખી અને રળિયામણી પ્રકૃતિમાં પણ જીવ છે અને આવા જીવનો વધ એ સ્વયંનો વધ છે. અહંિસા અને પર્યાવરણની અનેરી ઘોષણા કરતાં એમણે કહ્યું,
‘જેને તું હણવા માગે છે તે તું જ છે, જેના પર તું શાસન કરવા માગે છે તે તું જ છે, જેને તું મારી નાખવા માગે છે તે તું જ છે. આમ જાણી, સમજુ માણસ કોઈને હણતો નથી, કોઈના પર શાસન ચલાવતો નથી કે કોઈને પરિતાપ આપતો નથી.’
એમણે કહ્યું કે, ‘સર્વ જીવ જીવવા ઈચ્છે છે, કોઈને મરવું ગમતું નથી. મનમાં કટુવિચાર કરવાથી પણ હંિસા થાય છે અને આ હંિસા એ જ બધા પાપ અને દુઃખનું મૂળ છે. ક્રૂરતા એ માત્ર બાહ્ય આચરણ નથી, પણ આંતરિક દુર્વૃત્તિ છે. જેના હૃદયમાં ક્રૂરતા હશે, તે પ્રાણી હોય કે મનુષ્ય- સહુ પ્રત્યે ક્રૂર વર્તન કરશે. જેના હૃદયમાં કરુણા હશે તે બધા પ્રાણી પ્રત્યે અનુકંપાપૂર્ણ વર્તન કરશે.’
વળી જૈન ધર્મ પુનર્જન્મમાં માને છે. જીવ આજે એક યોનિમાં હોય, એ કાલે બીજી યોનિમાં પણ હોય. આજે માખી હોય તો કાલે મનુષ્ય હોય. આવું હોવાથી મનુષ્યને મનુષ્યેતર પ્રાણીસૃષ્ટિને પણ દુખઃ આપવાનો અધિકાર નથી. સંસારનાં સર્વ પ્રાણીઓ પ્રત્યે, પછી તે શત્રુ હોય કે મિત્ર, સમભાવથી વર્તવું જોઈએ. અહંિસાના આચારમાંથી આહારસંબંધી ઊંડી વિચારણા પ્રગટ થઈ. આહારનો સબંધ મન સાથે છે. જેવું અન્ન તેવું મન અને તેથી જ આહાર અંગે એમણે જાગૃતિ રાખવાનું કહ્યું. ભગવાન મહાવીર હજારો માઈલોને વિહાર કરતાં. દેહ પર વસ્ત્ર નહીં, માથે છત્ર નહીં, પગમાં પગરખાં નહીં, પ્રદેશ એવો કે જ્યાં માત્ર ક્રૂર હંિસક અને જંગલી માણસો વસતા હોય ત્યાં હજારો માઈલનો વિહાર કરીને એમણે અહંિસાની અને આત્માની શક્તિની ક્ષમતા બતાવી.
એ સમયે પોતાની વાત, વિચાર કે દર્શન સિદ્ધ કરવા માટે જુદા જુદા વાદની ચર્ચા ચાલતી હતી. આ વાદમાં વિજેતા થાય તે એનું શરણ પરાજિતને સ્વીકારવું પડતું ત્યારે મહાવીરે કહ્યું કે જ્ઞાન એ તો નમ્રતા લાવે છે. આગ્રહ, પૂર્વગ્રહ કે મતાંધતાથી જ્ઞાન ઘણુ દૂર વસે છે. તમે નિરખ્યું તે જ સત્ય એવો એકાંત આગ્રહ રાખો નહીં. તમારી નજરનું સત્ય અને તેના પરની તમારી શ્રદ્ધા અને બીજાની નજરનું સત્ય અને તેને વિશેની તેની વિચારણાનો વિચાર કરો. જીવનને સર્વદ્રષ્ટિને સમાવતો આ અનેકાંતવાદ ઝઘડાના મૂળ ઉખેડી કાઢશે. એમણે કહ્યું કે ધર્મ સાઘુઓ માટે છે અને ગૃહસ્થે લીલાલહેર કરવાની છે તે માન્યતા સાવ ભૂલભરેલી છે. સાઘુની જેમ સંસારી ગૃહસ્થના પણ ધર્મો છે.
‘મારું તે જ સાચું’ એમ નહીં, પણ ‘સાચું તે માંરું’ એવી ભાવના પ્રગટ કરી. અનેકાંત એ સમન્વય અને વિરોધ પરિહારનો માર્ગ બતાવે છે. આમ અનેકાન્તવાદથી માણસ બીજાની દ્રષ્ટિએ વિચારતો થાય, તો જગતના અડધાં દુઃખ ઓછાં થઈ જાય. એમણે મત અને મજહબની લડાઈ ગૌણપદે સ્થાપી, સંસારના પ્રત્યેક મતને સાપેક્ષ સત્યવાળા કહાય. એમણે આચારમાં અહંિસા આપી, વિચારમાં અનેકાંત આપ્યો, વાણીમાં સ્યાદ્વાદ આપ્યો અને સમાજમાં અપરિગ્રહ સ્થાપ્યો.
ક્ષણનો સાક્ષાત્કાર

અર્ધજાગ્રત મન પર કાબૂ રાખવો એ માટે જરૂરી છે કે એને કારણે મન તમારા નિયંત્રણમાં રહેશે. જો અર્ધજાગ્રત મન પર કાબૂ નહીં હોય, તો તમે આવતીકાલે પરીક્ષા હોય ત્યારે અભ્યાસ છોડીને ટેલિવિઝનની સિરિયલ જોવા બેસી જશે. અર્ધજાગ્રત મન વશમાં નહીં હોય તો, અત્યંત મહત્વનો ‘પ્રોજેક્ટ’ કરતા હશો અથવા તો કોઈ ઉત્કૃષ્ટ કલાકૃતિ રચતા હશો અને અધવચ્ચે તમારો ‘મૂડ’ ચાલ્યો જશે અને પછી કામને આગળ ધપાવવાને બદલે મતારે એ ‘મૂડ’ના રિપેરંિગમાં લાગી જવું પડશે. મૂડ પાછો લાવવા માટે પણ બીજા નસુખાઓ અજમાવવા પડશે અને એવી વ્યક્તિ રાહ જોવા લાગે છે કે ક્યારે ‘મૂડ’ પાછો આવે અને ક્યારે એ અઘૂરું કાર્ય પૂર્ણ કરે.
કોઈ વિષય પર ગંભીર રીતે વિચાર કરવાનો હોય, ત્યારે ઘણી વ્યક્તિઓ ટોળટપ્પાં કરવા લાગી જાય છે. કોઈને માથે પુષ્કળ જવાબદારી હોય, છતાં એ જવાબદારી નિભાવવાને બદલે એનાથી દૂર ભાગે છે અને આવી ભાગનારી વ્યક્તિને નાસવામાં એનું મન સાથે આપે છે. ક્યારેક અનિયંત્રિત મન વ્યક્તિને કહે છે કે આજે મજા નથી, માટે જોબ પર જવું નથી અથવા તો એને કહે છે કે લક્ષ્ય સિદ્ધ કરવા માટે આટલો બધો પરિશ્રમ શા માટે ? જો લક્ષ્ય સિદ્ધ ન થાય તો જીવનમાં કંઈ આફત તૂટી પડવાની નથી. આથી માનવીને માટે અર્ધજાગ્રત મન પરનો કાબૂ સૌથી મહત્વનો છે.


-Gujarat Samachar